જેટલા છે તે માથાનો દુઃખાવો બન્યા છે ને રિવરફ્રન્ટ પર વધુ એક ‘પે એન્ડ પાર્ક’ બનશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓની બેદરકારી કારણે શહેરભરના પે એન્ડ પાર્ક સામાન્ય નાગરિકો માટે કકળાટના પાર્ક થયા છે. હાલના પે એન્ડ પાર્ક જે પ્રકારે પેઇન એન્ડ પાર્ક બન્યા છે તેમાં સુધારો લાવવા માટે તંત્ર ઉદાસીન છે. પરંતુ હવે રિવરફ્રન્ટના ગુજરી બજાર ખાતે પે એન્ડ પાર્ક ઊભો કરવાની દિશામાં હિલચાલ હાથ ધરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનો વધુ એક પે એન્ડ પાર્ક લોકો માટે નવો માથાનો દુઃખાવો બને તો નવાઈ પામવા જેવું નહીં હોય.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળના રિવરફ્રન્ટ માર્કેટ એટલે કે ગુજરી બજાર ખાતે એલિસબ્રિજ તરફના પૂર્વ કિનારે પે એન્ડ પાર્કનો ખાનગી એજન્સીને વાર્ષિક પાર્કિંગ કોન્ટ્રાકટ આપવા માટેની ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ માટે વાર્ષિક રૂ.૪.પ૦ લાખથી ઓછી રકમનું ટેન્ડર સ્વીકારાશે નહીં તેવી શરત રખાઇ છે.

મ્યુનિસિપલ સત્તાવાળાઓને જાણે કે ટેન્ડરની રકમમાં જ રસ હોય તેમ માત્ર આ શરત તરફ ધ્યાન કેન્દ્રીત કરાશે પરંતુ નિયત જગ્યાએ વાહનો પાર્ક કરાવવા તથા તેની સાચવણી કરવી, નિયત ચાર્જ કરતાં વધુ ચાર્જ નહીં કરવો, આ કોન્ટ્રાક્ટ કોઇ પણ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર નહીં કરવો, પાર્કિંગની જગ્યાએ ઓળખપત્ર સાથેના પોતાના માણસો રાખવા, વાહન પાર્ક કરનારાને પાર્કિંગ સમય અને તારીખ દર્શાવતી લેખિત પહોંચ આપવી, પાર્કિંગ જગ્યાની સફાઇ, સાચવણી, રિપેરિંગ પાર્કિંગ જગ્યા સ્પષ્ટ રીતે જોઇ શકાય તેવું સ્થળ પરનું માર્કિંગ તેમજ કેસેટ વેચાણ, પાન પાર્લર કે શાકભાજીની લારીઓ કે અન્ય ખાદ્યવસ્તુઓનું વેચાણ કરતાં વાહનો પાર્ક ન કરવાં દેવા જેવી ટેન્ડરની અન્ય શરતોનું પાલન થશે કે કેમ તે મોટો
પ્રશ્ન છે.

રિવરફ્રન્ટ ખાતે તો પ્રથમ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી થવાની છે પરંતુ જાહેર જનતા જોઇ શકે તે પ્રમાણે વાહન પાર્કિંગ ફીનાં ધોરણ દર્શાવતું બોર્ડ પાર્કિંગ સાઇટના પ્રવેશ અને નિર્ગમનવાળી જગ્યાએ સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે મૂકવાની શરતનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. સત્તાધીશો દ્વારા સાઇકલ સિવાયનાં ટુ વ્હીલર માટે રૂ.પાંચ, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટે રૂ.૧૦, ટ્રક અને અન્ય ભારે વિહિકલ માટે રૂ.૩૦નો દર નક્કી કરાયા છે. દરમિયાન આ પે એન્ડ પાર્કના ટેન્ડર જમા કરાવવાની તારીખ આગામી તા.૩૧ જુલાઇ હોઇ નાગરિકોને પે એન્ડ પાર્ક ધમધમતો થવા ઓગસ્ટના અંતની રાહ જોવી પડશે.

http://sambhaavnews.com/

You might also like