ઋતુરાજનું સ્પંદન પામતું હૈયું વસંતહૃદયી મધુમાસ

વસંતલક્ષ્મીનું શુભ્ર હાસ્ય જો ક્યાંક ખીલી રહ્યું હોય તો તે સફેદ ચંપાના ઝાડ પર. ફાગણમાંયે કેટલાંક ઝાડ ફાલ્યાં હતાં, તો કેટલાંક ફાલું કે ના ફાલું એ અવઢવમાં ઊભાં હતાં.

જેવી શ્રાવણની સાંકળ તેવી જ વસંતની. ફાગણ, ચૈત્ર અને વૈશાખ; આ ત્રણ મહિના પહેર્યેઓઢ્યે વસંતની પુષ્પમુદ્રાનાં ચિહ્નોવાળા; બેશુમાર રંગોથી સજેલાધજેલા, પ્રખર ગરમીથી અંગ દઝાડનારા પણ સાથોસાથ અત્યંત શીતળ અને સુખકારી દક્ષિણાનિલથી ગાત્રોને સુખદાયી લાગનારા, દૃષ્ટિને ભ્રમિત કરનારા, પ્રાણીમાત્રમાં રહેલી ઉન્માદક વૃત્તિને ઉત્તેજનારા આ મહિના. એ એકબીજામાં ભળેલા છે, તો પણ ચૈત્ર એ સાચો વસંતાત્મા છે, મધુમાસ છે, ઋતુરાજ વસંતનું સ્પંદન પામતું હૈયું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. ચૈત્ર કુસુમાકર છે. મુક્તેશ્વરે કહ્યું છે, ‘પુષ્પરજમાંહે આળોટે વસંત.’ સાચે જ આ જ મહિનામાં વસંત પરાગમાં આળોટતી હોય છે. આ ઋતુરાજ, આ મધુમાસનું જ્ઞાનેશ્વરે કેવું સંુદર વર્ણન કર્યું છે ઃ

‘જ્યમ ઋતુપતિને દ્વારે! વનશ્રી સદા આળોટે /લાવણ્ય શી લયે/ ફળભારે.’ ઋતુશ્રીને બારણે નવશ્રીનાં – એટલે નવપલ્લવોથી ખીચોખીચ ઢંકાઈ ગયેલાં ફૂલોથી લદાયેલી વૃક્ષલતાઓનાં-થતાં દર્શન. આ દર્શન તો ફાગણમાં પણ થાય, તો આ મધુમાસનું વૈશિષ્ટ્ય શામાં છે? આ મહિનામાં એ સઘળું સૌંદર્ય તો હોય છે જ, પણ ફળોનુંયે રૃપ નજરાઈ જાય તેવું હોય છે. ફૂલોમાંથી, ફળોમાંથી મધુરસ વહેતો હોય છે. એ માધુર્યની પ્રતીતિ દરેક મનને થતી હોય છે. ફૂલપાનની શોભા ઉત્કટતાથી પ્રગટતી હોય છે. પક્ષીઓના રત્યુત્સુક કંઠ સ્વચ્છંદ ગીતો ગાતાં હોય છે. કુદરત સંયમનો ડોળ કરવાનું ફગાવી દે છે. ઉન્મત્ત પ્રેમનો ઊભરો તો દરેક જીવજંતુનાયે અંગમાંથી ઊભરાતો હોય છે. આવા સમયે ‘કોકને કાજે, કોક જણલ્લ કશુંક કરવાની તજવીજમાં પડ્યું હોય છે. સજીધજીને બીજાને આકર્ષવાના અને એકબીજાના સહયોગથી પોતાનું ટચૂકડું, નજીવું જીવન પણ વિશ્વની ભવ્ય નિયતિ સાથે એકરૃપ થાય, એકતાન થાય એવા આનંદનું નિર્માણ કરનારા પ્રકૃતિના તંત્રને, આ સારી સૃષ્ટિ જુઓ તો ખરા. કેવા છૂટા હાથે વાપરી રહી છે!

બધાં ફૂલોમાં સૌથી વધુ હોંશે કોઈ સજ્યું હોય તો તે છે તીવ્રગંધી ઇન્દ્રધનુના છોડવા (ફૂલભરી વગડાઉ વાડ-મેંદી, ઙ્મટ્ઠહંટ્ઠહટ્ઠ). રંગબેરંગી શોભિત ફૂલોનાં ઝૂમખાંથી એ ભરાઈ ગયા છે. ગુલાબી ફૂલમાં એકાદું પીળું, પીળામાં ગુલાબી, કેસરી અને પીળો, કેસરી ‘ને જાંબુડિયો. આ છોડના કેટકેટલા રંગોનું વર્ણન કરવું? આમ જોવા જાઓ તો આ રંગોમાંના કોઈ પણ બે રંગ એકબીજાની પાસે જરાયે શોભે એવા નથી, પણ કુદરતની દુનિયામાં કોઈ પણ ભડક અને આમ મેળ ન ખાતા રંગો વરવા નથી લગતા. ઊલટાની એકબીજાની શોભા વધારતા હોય છે. ગુજરાતના મોટા ભાગમાં વૃક્ષ-વનસ્પતિનો દુકાળ, પણ ત્યાં આ છોડવાનું ખૂબ મહત્ત્વ. આપણે અહીં તુચ્છકારે એને ગંધાતી (ઘાણેરી) કહીએ છીએ અને એના બેનમૂન રંગસૌંદર્યની પરવા કર્યા વિના આગળ વધીએ છીએ, પણ ત્યાં એને માટે ચૂંદડી એવું સુંદર અને યથાર્થ નામ અપાયું છે. આ ફૂલનું નામ સાંભળ્યા પછી મને કાઠિયાવાડી અને રાજપૂતી ચૂંદડીઓના ભડક રંગોનું રહસ્ય સમજાઈ ગયું. ભડક અને વરવા રંગ કહીને ઘણી વાર એમની મજાક ઉડાવવામાં આવે છે. જે રંગોનાં મિશ્રણો આપણે આપણા વસ્ત્રપરિધાનમાં ખાસ ટાળીએ છીએ, તે જ આ લોકોએ સૈકાઓથી કુદરતની પ્રેરણા સમજીને શિરોધાર્ય માન્યાં. ભારતીય રંગાભિરુચિના મૂળ પ્રાદેશિક વાતાવરણ અને કુદરતી આવિષ્કારમાં નિહાળીને મોટી નવાઈ લાગે.

નવાં પાંદડાંથી સજેલા જાંબુડાએ ધોળાં ફૂલોનો નાજુક મ્હોર અને લીલાં લીંબુડાં ફળોનાં લૂમખાં ધારણ કર્યાં છે. આ ફૂલ અને ફળનું લાવણ્ય જોતાં જ કથાસરિત્સાગરમાં આવતી જાંબુડાના ફૂલમાં જન્મેલી અને એના ફળમાં ઉછરેલી પેલી સુંદર વિદ્યાધરીની વાર્તા જ યાદ આવી જાય. આ ફૂલ મસુર જેવડા, એય કેસરનાં બનેલાં. અંદર તલ જેવડીક પ્યાલી. આ ફૂલમાં સમાનારી એ અપ્સરા જ એવડીક એ પ્યાલીમાંનું મધુમિશ્રિત પેય પી શકે. ભમરો દી’ આખો શિરીષ ‘ને આ જાંબુડાનાં ફૂલની ફરતે ઘૂમતો ફરે.

વસંતલક્ષ્મીનું શુભ્ર હાસ્ય જો ક્યાંક ખીલી રહ્યું હોય તો તે સફેદ ચંપાના ઝાડ પર. ફાગણમાંયે કેટલાંક ઝાડ ફાલ્યાં હતાં, તો કેટલાંક ફાલું કે ના ફાલું એ અવઢવમાં ઊભાં હતાં. ચંપાની સખત બંધ એવી કળી ઊઘડવામાં તો કેટલાય દિવસો વહી જાય. ચંપાની નિષ્પર્ણ ડાળીઓ ભૂરાશ પડતી ધોળી, આકાશના રંગમાં એકરૃપ થયા સમી, પણ એના એ બોડાપણાને લીધે જ આપણું ધ્યાન એની વરવાઈથી વ્યથિત થાય છે. જોકે શિરીષ કે ગુલમહોરને નિષ્પર્ણતાની પણ એક જે શોભા લાધી છે તે ચંપાને લાધી નથી, પણ માગશરની આખરથી આ ઝાડની બોડી ડાળીઓની ટોચે લાલ ગુંદરનો ચીકણો સ્રાવ જોવા મળે છે. એ ટોચકાં ચમકવા લાગે અને પછી એમાંથી ફૂટી નીકળેલી ફાટમાંથી બિલાડીના નખ જેવી અણીદાર, લાલ ચમરી (તાંતણા) બહાર પડે. એ પણ પેલા ચીકને લીધે ચમકવા લાગે. પછી આ ચમરી મોટી થાય અને એ એક ચમરીમાંથી અનેક ચમરીનાં ઝૂમખાં બહાર નીકળવા લાગે. વેગે વધે અને એની દાંડલી થવા લાગે, એ દાંડલીની ટોચે કળીઓ બેસે. ખાસ્સા મહિના સુધી આ કળીઓ ચૂપ હોય. પછી અકેકું ઝૂમખું ખીલતાં ખીલતાં આખુંય ઝાડ ખીલી ઊઠે. નવી કળીઓ આવતી જાય, જૂની ખરતી જાય, પણ મંદાર (પંગારો)

વૃક્ષની જેમ જ એના માથા પરનો એ પુષ્પભાર એવો જ ઘાટો અને દેખાવડો હોય છે. કેસૂડો, શીમળો અને નિષ્પર્ણ ચંપાનો પુષ્પવૈભવ અપૂર્વ. એટલું જ કે ચૈત્રમાં ચંપાનાં ફૂલ પુરબહારમાં હોય, પણ કેસૂડા અને મંદારનો ભભકો ઓસરવાના અણસાર જણાવા લાગે. શીમળા પર ફૂલની સાથે લીંબુડાં લીલાં ફળ લટકવા લાગે છે. શિરીષ અને મંદારને લીલી શિંગો બેસે. આમ મધુમાસમાં ફળોનું લાવણ્ય દૃષ્ટિગોચર થાય છે.

ચૈત્રની ફૂલશોભા અને ફળોશોભાનું વર્ણન આંબા-ફણસ સિવાય અધૂરું. પોષની આખરથી જ મહોરીને વસંતને સહકાર આપનારા આંબાનાં આ ઝાડ. લાંબાં લાંબાં ડીંટાં પર બેઠેલા કેરીના એ લીલા મરવા, હવામાં હીંચતા હોય. એમાં સાખ પડી છે કે નહીં તે જાણવા પોપટ-કાગડા એના પર ચાંચ માર્યે જતાં દેખાય, ત્યારે તો બહુ મજા પડી જાય. ગામની ભાગોળે થતું કોયલનું કૂજન પણ મોટે ભાગે આ જ ઝાડ પરથી થાય. સાખ પડતા, થોડાં થોડાં પાંદડાં ખરવા લાગે, પણ તોયે આ ઝાડ ક્યારેય રુક્ષ ના લાગે. ચૈત્રમાં તો આ ઝાડને કૂંપળોનાં ઝૂમખે ઝૂમખાં આવે અને કેરી સાથે એય હીંચવા લાગે. મહા મહિનાના મ્હોરનાં ઝૂમખાંથી લચેલું અને સુગંધથી ફોરેલું ઝાડ સુંદર કે અત્યારનું, એ કહેવું મુશ્કેલ છે. અને ફણસ? આંખમાં સમાય એટલી કૂંપળો ભલે ના હોય તોય એને તેજ છે, પગથી માથા સુધી લદાયેલાં એનાં ફળો નજરોમાં સમાય છે. ફણસને ફૂલ બેસતાં નથી, પણ પોષ-મહામાં એને લીલા ડોડા લાગે. મોટાં મરચાં જેવા. પછી અકેકો ડોડો ફૂટે, ઉપરનાં છોતરાં છીંકણી થઈને ખરી પડે. આ લીલું ફણસ લીસુંપોચું અને ચકચકતું હોય. થોડા દિવસો પછી એની પર ખસખસના ઝીણા દાણા દેખાવા લાગે છે. એ દાણા વધીને ધોળી કીડી જેવા તંતુડા જેવા થાય. એની નીચે કાંટા ઊગવા માંડે. એ તંતુડા ખરી પડે પછી શરૃઆતમાં બધાં અવયવોથી યુક્ત પણ આકારે મોસંબી જેવડું ફણસ તૈયાર થાય. ક્યારેક-ક્યારેક તો આ ફળો અડધા માટીમાં પણ દબાઈ જાય.

રૃ૫રસગંધમય એવા આ ચૈત્રની શોભા પૂર્ણત્વ પામે છે તે ઝાડ પર બંધાઈ ગયેલા અને બંધાતા રહેલા પક્ષીઓના માળાથી. ઠેકઠેકાણે જોવા મળતા લટકતા આકારવાળા તો ક્યાંક ગોળ દડા જેવા, ક્યાંક પહોળા-ગોળ એવા કાબરચીતરા માળા એટલે મને તો વસંતની ચિત્રલિપિમાંના સુંદર વિરામચિહ્નો જ લાગે. સામે જ બધાં ઝાડ કૂંપળી રહ્યાં છે, ફૂલીફાલી રહ્યાં છે, પક્ષીઓ ગાઈ રહ્યાં છે, એમનું મિલન થઈ રહ્યું છે, માળા બાંધીને ઈંડાં સેવી રહ્યાં છે, કુદરતનો પૂરેપૂરો આવિષ્કાર ખુલ્લામાં પથરાયો છે, તેથી એની એ વિરાટ મોકળાશને લીધે જ એના ફરતે ગૂઢ આવરણ વીંટાયું હોય તેમ લાગે છે. બે ખુલ્લી આંખોમાં એ આવિષ્કાર સમાતો નથી. બુદ્ધિનું આ ટચૂકડું વિશ્વ આ પથારાનું પ્રતિબિંબ સંઘરવામાં શક્તિશાળી નથી. આ પથારામાંનું એક સચેતન, સુખલોલુપ પરિમાણ એટલે આપણું મન, આપણું શરીર, આપણી સઘળી સંવેદના એવું સતત જણાતું રહે છે અને તેથી જ કોઈ પણ ટચૂકડા કુદરતી દૃશ્ય સાથે આપણે આ સમયે એકતાન થઈ શકીએ છીએ. એટલું જ નહીં, પણ નાનકડું સૌંદર્ય જ પૂરતું છે, એનાથી વધુ મોટું કાંઈ ન જોઈએ. માધુર્યનું આ ટીપું અભિરુચિ માટે પૂરતું થઈ પડે છે. તેથી જ મને કુદરતની આ વિરાટ ચિત્રલિપિનો તાગ લેવા કરતાં આ સ્થૂળ વિરામચિહ્નો સામે જોવું વિશેષ ગમે છે.

——————————–.

You might also like