નીતિઓમાં આકસ્મિક ફેરફાર થતાં ઉદ્યોગો પર જોખમ વધ્યું

મુંબઇ: દેશના અગ્રણી ઉદ્યોગ સંગઠન એસોચેમના જણાવ્યા પ્રમાણે સરકાર છેલ્લા કેટલાક સમયથી નીતિઓમાં આકસ્મિક ફેરફાર કરી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અણધાર્યા કરવામાં આવેલા નીતિઓમાં ફેરફારની ઝાટકણી કાઢતાં એસોચેમે વધુમાં જણાવ્યું કે તેના કારણે દેશના ઉદ્યોગજગત પર જોખમ વધી ગયું છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર નીતિઓમાં ફેરફાર સંબંધે અચાનક જ અધિસૂચના બહાર પાડે છે, જેના કારણે મોટી કંપનીઓની મુશ્કેલી વધી જાય છે. એસોચેમે વધુમાં જણાવ્યું કે સરકાર આવી નીતિ સંબંધી નિયમોના ફેરફાર કરે તે પૂર્વે જે ઉદ્યોગોને સીધી અસર થાય છે તેની સાથે વાતચીત કરવી જોઇએ.

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રક માલ પરિવહનની ક્ષમતા વધારવા અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સિનેમાઘરોમાં દર્શકોને ખાણી-પીણી લઇ જવાની છૂટ આપવાના કરાયેલા અચાનક નિર્ણયનો દાખલો પણ એસોચેમે ટાંકયો હતો એટલું જ નહીં, ટે‌િલકોમ સેકટરમાં પણ નીતિઓમાં સતત ફેરફાર થાય છે અને તેના કારણે સમગ્ર ટે‌િલકોમ સેક્ટર ઉપર તેની અસર થાય છે.

એસોચેમે કહ્યું કે નીતિઓમાં ફેરફાર પૂર્વે ઉદ્યોગોને વિશ્વાસમાં લેવા જોઇએ એટલું જ નહીં, કંપનીએ પણ નીતિઓમાં ત્વ‌િરત ફેરફાર માટે તૈયાર રહેવું જોઇએ.

You might also like