ભાદરવા સુદ પાંચમ : ઋષિપંચમી એ જ સામાપાંચમ

ભાદરવા સુદ પાંચમ એટલે ઋષિપંચમી. તેનું એક નામ સામાપાંચમ પણ છે. માધવીય હારિતમાં કહ્યું છે કે, “પૂજાના સઘળાં વ્રતોમાં મધ્યાહ્‌ન સમયની તિથિ લેવી. જે દિવસે ભાદરવા સુદ પાંચમ હોય તે દિવસે મધ્યાહ્‌ન સમયે સ્વચ્છ જળવાળી નદી અથવા તળાવના કિનારે જઈ ૧૦૮ અથવા સાત અધેડાનાં દાતણ કરવાં.

તે પછી પંચગવ્ય (ગાયનું દૂધ, દહીં, મૂત્ર, ઘી તથા છાણ) સહેજ લઈ મોંમાં મૂકવાં. તેમ કરવાથી મન તથા શરીર પવિત્ર થાય છે. કારણ કે ગાયના શરીરમાં ૩૩ કરોડ દેવીદેવતા રહે છે. તે પછી સંકલ્પ લેવો.

તેમાં કહેવું કે જ્ઞાનથી અથવા અજ્ઞાનથી રજસ્વલા અવસ્થામાં કરેલાં સ્પર્શનો દોષ દૂર કરવા માટે અને અરુંધતી સહિત કશ્યપ વગેરે સાત ઋષિને પ્રસન્ન કરવા માટે હું સપ્તર્ષિનું પૂજન કરું છું.” તે પછી ખૂબ શ્રદ્ધા તથા ભકિતથી પૂજન અર્ચન કરી આરતી કરવી.

આ વ્રત સર્વ વ્રતોમાં ઉત્તમ તથા પાપનો નાશ કરનારું છે. આ વ્રત કરવાથી નરકમાં જવું પડતું નથી. કથાઃ પહેલાંના સમયમાં વૃત્રાસુર નામના રાક્ષસને મારવાથી દેવરાજ ઈન્દ્રને બ્રહ્મહત્યાનું ભયંકર પાપ વળગ્યું. તે પાપને કારણે દેવરાજનો વર્ણ કાળો પડવા લાગ્યો. બ્રહ્મહત્યા બહુ ભયંકર છે. આથી દેવરાજ ઈન્દ્રને બહુ શરમ આવવા લાગી.

બહુ વિચારને અંતે દેવરાજ ઈન્દ્ર પોતાની પત્ની શચિના કહેવાથી બ્રહ્માજી પાસે બ્રહ્મહત્યાના પાપનું નિવારણ પૂછવા ગયા ત્યારે બ્રહ્માજીએ દેવતાઓની સાથે વિચાર કરી બ્રહ્મહત્યાના ચાર ભાગ કર્યા.

તે ચાર ભાગને ચાર સ્થાનમાં વહેંચી દીધા. બ્રહ્મદેવે બ્રહ્મહત્યાનો પ્રથમ ભાગ અગ્નિની પહેલી જ્વાળામાં, બીજો ભાગ નદીના પહેલા પૂરમાં અને ત્રીજો ભાગપર્વતોની ગુફામાં તથા ચોથો ભાગ સ્ત્રીની રજમાં મૂકયો.

ઋષિપંચમીના દિવસે ખૂબ શ્રદ્ધાથી આ વ્રત કરવાનો સંકલ્પ લઈ વ્રત કરવું. વ્રતની કથા ખાસ સાંભળવી. તે દિવસે શાક અથવા સામાનો આહાર કરવો. સદાચાર પાળવો. સપ્તર્ષિનું ધ્યાન ધરવું.

જે સ્ત્રી આ વ્રત કરે છે તે સ્ત્રીને સર્પ તીર્થનું, સર્વ દાન કર્યાનું ફળ મળે છે. જે સ્ત્રી આ વ્રત તન, મન, ધનથી શુદ્ધ થઈ શ્રદ્ધાથી કરે છે તે સ્ત્રી આ લોકમાં ખૂબ સુખ પામી અંતે મૃત્યુ પછી પરલોકમાં પણ ખૂબ સુખ ભોગવે છે.

આ વ્રતના પ્રભાવથી તેને પૂર્વજન્મના કર્મોનું સ્મરણ પણ રહે છે. તે સ્ત્રી જ્યારે પણ બીજો જન્મ ધારણ કરે છે ત્યારે તે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં ખૂબ ધનવાન કુટુંબના અને બહુ ઉત્તમ સ્વરૂપ અને સૌભાગ્ય સહિત જન્મે છે.

તેેને તે જન્મમાં ખૂબ ઉત્તમ તથા પવિત્ર આચરણવાળાં સાસરિયાં તથા ખૂબ વિદ્વાન અને સદાચારી પતિ મળે છે. આ વ્રત કરવાથી અડકાઅડકીનું તમામ પાપ બળી જાય છે. •
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like