વનવાસ દરમિયાન યુધિષ્ઠર અરણ્યમાં ઋષિ મુનિઓને મળે છે અને કહ્યું, તપ જ્ઞાનની જગ્યા ન લઈ શકે

યુધિષ્ઠિર કૌરવો સાથે જુગારમાં સર્વસ્વ હારી ગયા પછી પાંડવાને જુગારની શરત પ્રમાણે વનવાસ ભોગવવાનો હતો. આ વનવાસ દરમિયાન યુધિષ્ઠિર અરણ્યમાં વસતા ઋષિ મુનિઓને મળે છે. તેમની સાથે જપ તપની વાતો કરે છે. તેમને વંદન કરીને આશીર્વાદ લે છે અને જો ત્યાં અનુકૂળતા હોય તો થોડોક સમય નિવાસ પણ કરે. આ યાત્રા કરતા કરતા પાંડવો ગંગા નદીને કાંઠે રમ્ય મુનિના આશ્રમમાં આવી પહોંચ્યા.

રમ્ય મુનિ યુધિષ્ઠિરને કહે છે, આ નદીના વહેતાં જળમાં સ્નાન કરવાથી તમારી અંદર જો કોઇ વેરની કે ક્રોધની લાગણી રહી હશે તો તેનું શમન થશે અને તમારા સર્વ સંકલશો દૂર થશે. રમ્ય ઋષિ આ સ્થળનો મહિમા વર્ણવતાં કહે છે કે આ આશ્રમમાં પૂર્વે ભારદ્વાજ અને રૈભ્ય નામના બ્રાહ્મણો વસતા હતા.

તેમાં રૈભ્ય અને તેના બે પુત્રો પર્વસુ અને અર્વસુ વેદાભ્યાસ કરીને મોટા પંડિત થઇ ગયા હતા. જ્યારે ભારદ્ધાજ સાત્વિક જીવન જીવતા અને તેમનો સમય ભક્તિ-પૂજામાં વ્યતીત કરતા હતા. ભારદ્વાજનો પુત્ર યવક્રીડ પણ વેદ વિદ્યામાં પારંગત થઇ શક્યો ન હતો.

તે પણ પિતાની જેમ ભગવાનની સેવા પૂજા કરીને ઉપાસના કરતો હતો. આશ્રમમાં જ્યારે અતિથિ ઋષિઓ બ્રાહ્મણો આવે ત્યારે તેઓ રૈભ્ય અને ભારદ્વાજનો મળે. બંનેને વંદન કરે પણ રૈભ્ય પંડિત હતા. તેથી તેમની વાતોથી તેઓ પ્રભાવિત થઇ જાય અને તેમનાં વધારે આદરપાન કરે.

આ વાત ભારદ્વાજનો પુત્ર યવક્રીડ સહન કરી શકે નહિ અને તેથી રૈભ્ય અને તેના પુત્રોની ઇર્ષા કર્યા કરે. એક દિવસ યવક્રીડે મનોમન નક્કી કર્યું કે હું પણ રૈભ્યના પુત્રો જેવું જ્ઞાાન પ્રાપ્ત કરીને પંડિત બનું. પણ તેને વેદો ભણાવે કોણ? વળી તેને જ્ઞાન કોઠે ઓછું ચડતું હતું.

તેથી તેણે વિચારી કાઢયું કે ભલે મને વેદ-વેદાંતનું એટલું જ્ઞાન ન હોય પણ હું ઉગ્ર તપ કરીને ઇન્દ્રને રીઝવીશ અને તેની કૃપાથી જ્ઞાાન પ્રાપ્ત કરીશ. આમ વિચારીને તેણે ઉગ્ર તપ આદર્યુ અને દેહને અત્યંત કષ્ટ આપવા માંડયું. ધીમે ધીમે તેનો દેહ ગળવા લાગ્યો તે જોઇને ઇન્દ્રને દયા આવી. તેમણે તેને દર્શન આપ્યાં અને પૂછયું ”યવક્રીડ, તું આટલું ઉગ્ર તપ શા માટે કરે છે ?”

યવક્રીડે કહ્યું, ”વિશ્વમાં અનન્ય ગણાય એવા મારે વેદ પંડિત થવું છે. યોગ્ય ગુરુ મળતા નથી. વળી તે જ્યારે શીખવાડે ત્યારે જ શીખવા મળે. ત્યાં સુધી તેમની ચાકરી કરતા રહેવાનું. એમાં સમય ઘણો જાય અને મારે તો તત્કાળ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને પંડિત જ્ઞાની થવું છે.

તેથી મેં આવું ઉગ્ર તપ આદર્યું છે.” ઇન્દ્રે કહ્યું, ”હે વિપ્ર ! તારી વાત બરોબર નથી. આમ કાયાને કષ્ટ આપવાથી જ્ઞાન ન મળે. જો તારે જ્ઞાન મેળવવું હોય તો યોગ્ય ગુરુ શોધ. તેમની સેવા શુશ્રુષા કરીને તેમની કૃપા મેળવ. ત્યાર પછી તે તને જ્ઞાન આપશે.” પણ ભરદ્વાજનો પુત્ર ન માન્યો.

એણે દેહદમન કરવાનું ચાલુ રાખ્યું. તેણે એવો નિર્ણય કર્યો કે હવે હું મારા અંગોને એક પછી એક છેદન કરીને અગ્નિમાં હોમી દઇશ જેથી મને જ્ઞાન આપ્યા વિના ઇન્દ્રનોય છૂટકો નહિ થાય અને યવક્રીડ વધારે ને વધારે દેહદમન કરતો રહ્યો. રોજ વહેલો ઊઠીને તે ગંગાસ્નાન કરવા જતો હતો અને ત્યાંથી પાછા ફર્યા પછી તે તેની ઉગ્ર સાધના આરંભતો. યવક્રીડને ઉત્કૃષ્ટ દેહદમન કરતો જોઇને ઇન્દ્રને યવક્રીડની દયા આવી.

ઇન્દ્ર વિચારવા લાગ્યા કે જો હું તેને ઉગ્ર તપ કરતો નહિ રોકું તો કદાચ તેનો દેહ પડશે. તેથી તે બ્રાહ્મણનો વેશ લઇને ગંગા કિનારે પહોંચી ગયા. રોજના નિયમ પ્રમાણે યવક્રીડ ગંગા સ્નાન કરવા માટે આવ્યો ત્યારે તેણે એક વૃદ્ધ બ્રાહ્મણને જોયો તે નદીના કિનારા ઉપરથી મૂઠી રેતી નખાઇ જાય એટલે તે બીજી મૂઠી ભરીને રેતી લઇ આવે અને ગંગામાં નાખે.

યવક્રીડને આ બ્રાહ્મણનું વર્તન જોઇને નવાઇ લાગી. તેણે બ્રાહ્મણને પૂછયું, ”આમ એક પછી એક મૂઠી ભરીને રેતી લઇને નદીમાં નાખવા પાછળ તમારો શું આશય છે?” યવક્રીડે કહ્યું, ”તું મહામૂર્ખ છે. આમ મૂઠી મૂઠી રેતી નદીમાં નાખવાથી સેતુ બંધાય? આ નિરર્થક ચેષ્ટા રહેવા દઇને તુ બીજું કોઇ ઉપયોગી કાર્ય કર તો તારુંય ભલું થશે અને બીજાનું પણ ભલું થશે.”

બ્રાહ્મણે કહ્યું, ”ભાઇ ભણ્યા વિના ગુરુ કર્યા વિના કેવળ દેહદમન કરીને જો તું પંડિત જ્ઞાની થઇ શકતો હોય તો હું મૂઠી રેતી નદીમાં નાખીને સેતુ કેમ ન બાંધી શકું?” યવક્રીડ સમજી ગયો કે આ બ્રાહ્મણ ઇન્દ્ર જ લાગે છે. તેણે ઇન્દ્રને વંદન કર્યા અને તેમની વાત સ્વીકારી તે યોગ્ય ગુરુની શોધમાં નીકળી પડયો. તેણે નક્કી કર્યું, ભલે ગમે તેટલો સમય આપવો પડે તો પણ જ્ઞાન મેળવીને જ રહીશ.

તપ જ્ઞાનની જગ્યા ન લઇ શકે. આ મહત્વની વાત યવક્રીડ ભૂલી ગયો હતો. જ્ઞાનથી આત્મા પરમાત્માની વાતો સમજાય. વિષમતાથી ભરેલા આ સંસારમાં આપણું શું સ્થાન છે અને આવા સંસારમાં કેવી રીતે જીવી શકાય તે જ્ઞાન બતાવે. ભક્તિ માણસને પરમ તત્વને પ્રેમથી સમર્પિત થવાનો માર્ગ બતાવે.

જ્ઞાન, ભક્તિ અને તપ ત્રણેય પરમાત્મા પ્રતિ લઇ જાય છે પણ ત્રણેય પોત પોતાની જગ્યાએ છે. માણસે પોતાની રુચિ અને ક્ષમતા જોઇને માર્ગની પસંદગી કરવી જોઇએ. બાકી પરમાત્માને મેળવવાની જીદ ન થાય. તે જે આપે કે જે મળે તેને પ્રસાદ ગણીને માથે ચઢાવનાર ક્યારેય દુઃખી થતો નથી.•

You might also like