સુરતમાં આગચંપી અને તોડફોડ બદલ ટોળાં વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ

અમદાવાદ: અમદાવાદમાં પાસના નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાની ધરપકડ બાદ મોડી રાત્રે સુરતના સરથાણા વિસ્તારમાં આગચંપી અને બીઆરટીએસ રૂટ પર તોડફોડના બનાવ બન્યા હતા જે મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટોળાં વિરુદ્ધ બે અલગ અલગ રાયોટિંગના ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે હજુ સુુધી આ કેસમાં કોઇની ધરપકડ કરી નથી.

મળતી માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં રાત્રે બીઆરટીએસ બસ સ્ટેશનમાં બાઇક પર આવેલા ૧પથી વધુ લોકોએ તોડફોડ મચાવી બીઆરટીએસ બસને આગ લગાવી દીધી હતી. મોડી રાત્રીની ઘટના બાદ સરથાણા, પાંડેસરા, વરાછા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે.

સિટી બસ અને બીઆરટીએસ બસના રૂટને ડાયવર્ટ કરી દેવાયા છે. શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને જનજીવન વહેલી સવારથી જ સામાન્ય રાબેતા મુજબ ચાલી રહ્યું છે. પોલીસે સરકારી સંપત્તીને નુકસાન કરવા બદલ બે અલગ અલગ ગુના નોંધી આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી છે.

You might also like