…અને ‘ઊંઘી’ ગઈ ભારતની વધુ એક મેડલની આશા!

નવી દિલ્હીઃ રિયોમાં ચાલી રહેલા પેરાલિમ્પિકમાં જ્યારે દેવેન્દ્ર ઝાઝરિયા ગોલ્ડ મેડલ જીતી રહ્યો હતો ત્યારે અન્ય એથ્લીટ સુંદરસિંહ ગુર્જર એક ખૂણામાં ઊભો રહીને રડી રહ્યો હતો. ગુર્જરને પણ ગઈ કાલે ભાલાફેંકમાં ભાગ લેવાનો હતો, પરંતુ તે નક્કી સમયે મેદાનમાં જ પહોંચી શક્યો નહીં. આ કારણે તેને સ્પર્ધામાં ભાગ લેતો અટકાવી દેવામાં આવ્યો હતો.
સુંદરના ભૂતપૂર્વ કોચ આર. ડી. સિંહ અને પેરા રમતો માટે કામ કરી રહેલા પ્રદીપ રાજે આરોપ લગાવ્યો કે તેના કોચના રૂપમાં રિયો ગયેલા મહાદેવ ઊંઘી રહ્યા હતા, જેના કારણે આ ભૂલ થઈ.

આ કારણે જ સુંદર નિર્ધારિત સમયે કોલરૂમમાં પહોંચી શક્યો નહીં અને તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવ્યો. આર. ડી. સિંહના જણાવ્યા અનુસાર ખેલાડીને સ્પર્ધા શરૂ થવાની બે કલાક પહેલાં કોલરૂમમાં પહોંચવાનું હોય છે. કોલરૂમમાં ખેલાડીઓના કેટલાક જરૂરી ટેસ્ટ થાય છે. આમાં ખેલાડીઓના યુરિન, બ્લડ વગેરે લેવામાં આવે છે. ત્યાર બાદ ખેલાડીને સ્પર્ધા શરૂ થવાની ૧૦ મિનિટ પહેલાં ઇવેન્ટ રૂમમાં લઈ જવામાં આવે છે. સુંદર કોલરૂમમાં જ નહોતો પહોંચ્યો. તેનું નામ ઘણી વાર પોકારવામાં આવ્યું હતું.

ભારતીય સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં ૨૫થી ૨૬ જાન્યુઆરી દરમિયાન આયોજિત પેરાલિમ્પિક પસંદગી સ્પર્ધામાં સુંદરે ઇતિહાસ રચીને દેવેન્દ્ર ઝાઝરિયાને પરાસ્ત કરી દીધો હતો. પેરાલિમ્પિક કમિટીના અધ્યક્ષ રાવ ઇન્દ્રજિતસિંહે કહ્યું, ”અમારા ઉપાધ્યક્ષ અને સચિવ રિયો ગયા છે. તેઓ આ મામલામાં રિપોર્ટ આપશે અને જે પણ દોષી હશે તેમના પર કાર્યવાહી કરાશે.” જ્યારે રમતગમત પ્રધાન વિજય ગોયલે કહ્યું કે, ”રમત મંત્રાલયે રિપોર્ટ માગ્યો છે. રિપોર્ટ મળી ગયા બાદ જરૂરી કાર્યવાહી કરાશે.”

You might also like