આવતી કાલથી રિયોમાં પેરાલિમ્પિકઃ 4500 ‘મહામાનવ’ પોતાનું કૌવત દેખાડવા તૈયાર

રિયોઃ તાજેતરમાં પૂરા થયેલા રિયો ઓલિમ્પિકમાં સામાન્ય ખેલાડીઓએ પોતાનું કૌવત દેખાડ્યું, પરંતુ હવે રિયોમાં મેળો જામ્યો છે એ એથ્લીટ્સનો, જેઓ પોતાની નબળાઈઓને હરાવીને અહીં સુધી પહોંચ્યા છે. રિયોમાં આવતી કાલ તા. ૭ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક રમતોત્સવ યોજાશે. આ ઓલિમ્પિકમાં એ એથ્લીટ ભાગ લે છે, જેઓ કોઈ ને કોઈ રીતે અપંગ છે. અહીં એવા ‘મહામાનવ’ નજરે પડશે, જે પગ વિના તરતા જોવા મળશે, હાથ વિના તીર ચલાવશે અને આવાં જ ઘણાં અન્ય આશ્ચર્ય પણ તમને જોવા મળશે.

આવતી કાલથી શરૂ થઈ રહેલા પેરાલિમ્પિક રમતોત્સવમાં ભારત અત્યાર સુધીનું પોતાનું સૌથી મોટું દળ મોકલી રહ્યું છે. ભારત તરફથી પાંચ રમત માટે ૧૯ એથ્લીટ ભાગ લેશે. આમાં ૧૬ પુરુષ અને ત્રણ મહિલા ખેલાડી સામેલ છે.

પેરાલિમ્પિકમાં ૨૩ રમત માટે કુલ ૫૨૮ મેડલ દાવ પર લાગશે. ૧૭૬ દેશના ૪૫૦૦ એથ્લીટ્સ સાથે આ અત્યાર સુધીનું સૌથી મોટું પેરાલિમ્પિક આયોજન હશે. ૭૪ વર્ષની ઓસ્ટ્રેલિયન શૂટર લિબ્બી કોસ્માલા રિયો પેરાલિમ્પિકની સૌથી વૃદ્ધ ખેલાડી છે. તે એર રાઇફલ વર્ગમાં પોતાનો પડકાર રજૂ કરશે. ઓસ્ટ્રેલિયાની જ તમસિન કોલી પણ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહી છે, જેની ઉંમર ઉદ્ઘાટન સમારંભના દિવસે ૧૩ વર્ષ ૩૬૨ દિવસની હશે. તે ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધામાં ભાગ લેશે.

પોતાના મોંથી તીર ચલાવતો એક હાથ વગરનો ૪૩ વર્ષીય અમેરિકન જેફ ફાબ્રેએ લંડનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રિયોમાં પણ બધાની નજર તેના પર રહેશે.

You might also like