…તો નીરજ ચોપરા વાઈલ્ડ કાર્ડથી ઓલિમ્પિકમાં એન્ટ્રી મેળવશે

નવી દિલ્હી: એ.એફ.આઈ.એ વિશ્વની સર્વોપરી સંસ્થા ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથ્લેટિક ફેડરેશન્સ (આઈ.એ.એ.એફ.)ને ભાલાફેંકમાં નવો જુનિયર વિશ્વવિક્રમ સ્થાપનાર નીરજ ચોપરા માટે આવતા મહિને શરૂ થઈ રહેલા રિયો ઓલિમ્પિક રમતોત્સવમાં વાઈલ્ડ કાર્ડ પ્રવેશ માટેની અરજી કરી છે એમ તેના પ્રમુખ આદિલ સુમારીવાલાએ જણાવ્યું હતું.

આઈ.એ.એ.એફ. કાઉન્સિલના પણ સભ્ય તરીકે રહેલા સુમારીવાલાએ કહ્યું હતું કે તેમણે વિશ્વની સર્વોપરી સંસ્થાના વડા સેબાસ્ટિયન કો અને નીરજ ચોપરાએ અંડર-૨૦ માટેની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યા પછીના થોડાક જ કલાકમાં પત્ર લખી વિનંતી કરી છે અને તેઓ તેની તરફેણમાં જવાબની આશા રાખે છે. નીરજે પોલેન્ડમાં યોજાયેલી તે સ્પર્ધામાં ૮૬.૪૮ મીટરનો નવો જુનિયર વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. રિયો ઓલિમ્પિકમાં એથ્લેટિક સ્પર્ધામાં પ્રવેશ માટેની છેલ્લી તારીખ ૧૧મી જુલાઈ હતી, પણ સુમારીવાલાએ કહ્યું હતું કે વાઈલ્ડ કાર્ડ પ્રવેશ હજુ પણ આઈ.એ.એ.એફ. તરફથી માન્ય કરી શકાય છે.

હરિયાણાનો ૧૮ વર્ષીય નીરજ ચોપરા સિનિયર અથવા જુનિયર એથ્લેટિકમાં વિશ્વવિક્રમ રચનાર પહેલો ભારતીય બન્યો છે અને તેણે ૮૨.૨૩ મીટરનો પોતાનો જ રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો હતો.

You might also like