રિયોમાં પાકિસ્તાનીઓ પર ખાસ નજર રખાઈ રહી છે

રિયોઃ બ્રાઝિલમાં આગામી પાંચમી ઓગસ્ટે શરૂ થઈ રહેલા ઓલિમ્પિક રમતોત્સવ પર આતંકનું જોખમ મંડરાઈ રહ્યું છે. એક તરફ જ્યાં દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન આઇએસનું જોખમ છે ત્યારે એવી આશંકા પણ છે કે પાકિસ્તાની મૂળના નાગરિકો આતંકી હુમલાને અંજામ આપી શકે છે. અસલમાં બ્રાઝિલના કાઉન્ટર ટેરરિઝમ ડિરેક્ટર લૂઇસ આલ્બર્ટોએ ગઈ કાલે એ વાતનો ખુલાસો કર્યો કે ઓલિમ્પિક રમતોત્સવ પર આઇએસના હુમલાની વાત સાચી છે.

આ જોખમને નજરમાં રાખીને બ્રિઝાલની રાષ્ટ્રીય જાસૂસી સંસ્થા શંકાસ્પદ ઇસ્લામી ચરમપંથીઓની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે, આમાં પાકિસ્તાની નાગરિકો પણ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘણા પાકિસ્તાની વર્ષ ૨૦૧૪ના ફિફા વર્લ્ડકપ દરમિયાન બ્રાઝિલમાં આવ્યા હતા, પરંતુ તેઓ પાછા ગયા નથી. આવા પાકિસ્તાનીઓ પર નજર રાખવામાં આવી રહી છે.

બ્રાઝિલની પોલીસે એન્ટી ટેરરિઝમ ઓપરેશન દરમિયાન તાજેતરમાં જ ૩૨ વર્ષના એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. આરોપ છે કે તેની યોજના બ્રાઝિલની રાજધાની સ્થિત એરપોર્ટ પર બોમ્બ ધડાકો કરવાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ પાકિસ્તાની નાગરિક અને તેની પત્નીની પૂછપરછ દરમિયાન પત્નીએ એ વાત કબૂલ કરી લીધી હતી કે તેઓ એરપોર્ટને ઉડાવી દેવા ઇચ્છતા હતા અને નરસંહારને અંજામ આપવા માગતા હતા.

તાજેતરનાં વર્ષોમાં આઇએસના ઘણા ખતરનાક હુમલાઓ સહન કરી રહેલા ફ્રાંસે પણ દાવો કર્યો છે કે બ્રાઝિલમાં ઓલિમ્પિક દરમિયાન તેમના દળને નિશાન બનાવાય તેવી શક્યતા છે. મિલિટરી ઇન્ટેલિજન્સના પ્રમુખે કહ્યું કે, ”પાર્ટનર એજન્સીઓએ એક બ્રાઝિલિયન ઇસ્લામી આતંકવાદી દ્વારા હુમલાનો અંજામ આપવાના કાવતરાનો ખુલાસો કર્યો છે. જોકે એ સ્પષ્ટ નથી કે પાકિસ્તાની નાગરિકની ધરપકડનો સંબંધ ફ્રાંસ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી શંકા સાથે છે કે નહીં, પરંતુ બ્રાઝિલ પોલીસ કોઈ પણ જાતનું જોખમ લેવા માગતી નથી.”

You might also like