રિયોઃ ત્રીજા દિવસે પણ કોઈ કમાલ ના દેખાડી શક્યા ભારતીય ખેલાડીઓ

રિયોઃ ઓલિમ્પિક ૨૦૧૬નો ત્રીજો દિવસ ભારતીય રમતપ્રેમીઓ માટે બહુ જ નિરાશાજનક રહ્યો. ગઈ કાલે સોમવારે કોઈ પણ ભારતીય ખેલાડી મેડલ જીતી ના શક્યો અને ભારતીય પુરુષ હોકી ટીમ જર્મની સામે અંતિમ ત્રણ સેકન્ડમાં મેચ હારી ગઈ. ઓલિમ્પિકમાં મેડલની મોટી આશા સમાન અભિનવ બિંદ્રાનું નસીબ એટલું ખરાબ રહ્યું કે તે ફક્ત ૦.૧ પોઇન્ટના અંતરથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો. ભારતીય સ્વિમર ક્વોલિફિકેશન રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયા અને ટ્રેપ શૂટિંગમાં પણ ભારત કોઈ છાપ છોડી શક્યું નહીં. મહિલા હોકીમાં બ્રિટને ભારતને બહુ ખરાબ રીતે કચડી નાખ્યું. જોકે પુરુષ હોકી ટીમને હજુ ચાર મેચ રમવાની છે, પરંતુ બિંદ્રાની આ અંતિમ ઓલિમ્પિક હતી.

પુરુષ હોકી
પોતાના પહેલા ગ્રૂપ મુકાબલામાં આયર્લેન્ડને ૩-૨થી હરાવ્યા બાદ ભારતીય પુરુષ હોકી ટીમ ગઈ કાલે જર્મની સામે ૨-૧થી હારી ગઈ. જર્મની વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન છે અને આ મુકાબલો પહેલાંથી જ પડકારજનક માનવામાં આવતો હતો. જર્મનીની ટીમ સમગ્ર મેચ દરમિયાન આક્રમક રહી અને ભારતની અંતિમ ક્ષણોમાં ગોલ ખાવાની આદત અહીં પણ ના છૂટી. મેચ ૧-૧થી ડ્રો રહેવાની હતી, પરંતુ ચોથો ક્વાર્ટર પૂરો થવામાં ફક્ત ત્રણ સેકન્ડ બાકી હતી ત્યારે જર્મનીએ એક ગોલ કરીને પાસું પલટી નાખ્યું. અંતિમ બે મિનિટમાં જર્મનીએ ભારત પર જબરદસ્ત દબાણ બનાવી દીધું હતું. પુરુષ હોકી ટીમનો આગામી મુકાબલો આજે આર્જેન્ટિના સામે છે.

મહિલા હોકી
મહિલા હોકીમાં બ્રિટને ભારતને એક તરફી મુકાબલામાં ૩-૦થી હરાવી દીધું. ભારતીય મહિલાઓ સમગ્ર મેચ દરમિયાન સંઘર્ષ કરતી જોવા મળી. આ મેચના પહેલા ક્વાર્ટરમાં કોઈ પણ ટીમ ગોલ કરી શકી નહોતી, પરંતુ બીજા ક્વાર્ટરમાં બ્રિટને બે ગોલ ફટકારી દીધા, જેમાંથી એક પેનલ્ટી કોર્નરને કારણે થયો હતો. સેકન્ડ હાફમાં ભારતીય ટીમ વળતો હુમલો કરે તે પહેલાં બ્રિટને ૩૩મી મિનિટમાં વધુ એક ગોલ કરીને મેચને ભારતની પહોંચથી દૂર કરી દીધી હતી. ચોથા ક્વાર્ટરમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ટીમ તેનો કોઈ ફાયદો ઉઠાવી શકી નહોતી અને ૦-૩થી ભારતીય ટીમ મેચ હારી ગઈ. મહિલા હોકી ટીમનો આગામી મુકાબલો આવતી કાલે મજબૂત મનાતી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે છે.

શૂટિંગ
બિજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારો અભિનવ બિંદ્રા ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ચોથા સ્થાન પર રહ્યો. પોતાની અંતિમ ઓલિમ્પિકમાં રમી રહેલા બિંદ્રાએ સમગ્ર ઇવેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ અંતિમ પળોમાં તે ફક્ત ૦.૧ પોઇન્ટથી બ્રોન્ઝ મેડલ જીતવાથી ચૂકી ગયો. એક સમયે તે ૧૧૩.૪ પોઇન્ટ્સ સાથે બીજા સ્થાન પર પહોંચી ગયો હતો, પરંતુ અંતે તે ચૂકી ગયો, જ્યારે લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારાે ગગન નારંગ ૨૩મા નંબરે રહેતા પહેલેથી જ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયો હતો. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ગગને ટોચના આઠમાં પ્રવેશ મેળવવો જરૂરી હતો.

ટ્રેપ શૂટિંગમાં માનવજિતસિંહ સંધુ અને કેનાન ચેનાઈ પોતાના પહેલા દિવસનાં પ્રદર્શનમાં જરા પણ સુધારો કરી શક્યા નહોતી અને પુરુષ ટ્રેપ શૂટિંગ સેમિફાઇનલમાં ક્વોલિફાય કરવાથી ચૂકી ગયા હતા.

સ્વિમિંગ
ભારતીય સ્વિમર સજન પ્રકાશ અને શિવાની કટારિયા રિયો ઓલિમ્પિકના ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગયાં હતાં. સજન અને શિવાની ક્રમશઃ ૨૦૦ મીટર પુરુષ બટરફ્લાય અને ૨૦૦ મીટર મહિલા ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યાં હતાં અને તેઓનું પ્રદર્શન બહુ જ કંગાળ રહ્યું. સજન પ્રકાશ ૨૯ સ્પર્ધકોમાં ૨૮મા સ્થાને રહ્યો, જ્યારે શિવાની ૪૩ સ્પર્ધકમાં ૪૧મા સ્થાને રહી. રિયોમાં સ્વિમિંગ ઇવેન્ટમાં ભારત તરફથી ફક્ત આ બે જ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. હવે આ બંને ખેલાડી બહાર ફેંકાઈ જતાં સ્વિમિંગમાં ભારતીય પડકારનો અંત આવી ગયો છે.

You might also like