હોકીઃ આર્જેન્ટિના ફાઇનલમાંઃ ચેમ્પિયન જર્મનીને બહારનો રસ્તો દેખાડ્યો

રિયોઃ આર્જેન્ટિનાની પુરુષ હોકી ટીમ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આર્જેન્ટિનાના ખેલાડી પિલાટની હેટ્રિકની મદદથી મોટો ઊલટફેર કરતા વર્તમાન ચેમ્પિયન જર્મનીને સેમિફાઇનલ મુકાબલામાં ૫-૨થી હરાવીને બહારનો રસ્તો દેખાડી દીધો છે. ઓલિમ્પિકમાં સતત બે વખતથી ચેમ્પિયન બનતી જર્મનીની ટીમે સમગ્ર મેચમાં ગોલ કરવા માટે તરસી રહી હતી, જ્યારે આર્જેન્ટિનાએ પહેલા હાફમાં જ ત્રણ ગોલ ફટકારી દીધા હતા.

આર્જેન્ટિના માટે નવમી મિનિટમાં ગોન્જાલો પિલાટે પેનલ્ટી કોર્નર પર પહેલો ગોલ કર્યો. ત્રણ મિનિટ બાદ પિલાટે જ કોર્નરથી બીજો ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. પહેલા ક્વાર્ટરની અંતિમ મિનિટોમાં જર્મની પાસે સ્કોર ઓછો કરવાની તક હતી, પરંતુ ફ્લોરિયાન ફુચ્સનો શોટ આર્જેન્ટિનાના ગોલકીપરે રોકી લીધો હતો. જર્મનીને બીજા ક્વાર્ટરમાં મેચની ૨૩મી મિનિટે બીજો પેનલ્ટી કોર્નર મળ્યો, જોકે મોરિટ્ઝ ફુસ્ટે ગોલ કરી શક્યો નહોતો.

આર્જેન્ટિનાની ટીમ પણ ૨૮મી મિનિટે મળેલાે પેનલ્ટી કોર્નર ચૂકી ગઈ હતી, પરંતુ આર્જેન્ટિનાની ટીમ એ જ મિનિટમાં સતત બીજો પેનલ્ટી કોર્નર હાંસલ કરવામાં સફળ રહી અને આ વખતે પિલાટ હેટ્રિકથી ના ચૂક્યો. મધ્યાંતર સુધી ૩-૦થી સરસાઈ હાંસલ કરી ચૂકેલી આર્જેન્ટિનાની ટીમ માટે ત્રીજા ક્વાર્ટરમાં મેચની ૩૬મી મિનિટે જોએક્વિન મેનિનીના ગોલ દ્વારા કુલ ચોથો ગોલ કર્યો. ત્યાર બાદ લુકાસ વિલાએ પાંચમો ગોલ કરીને જર્મની પર ૫-૦ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. આર્જેન્ટિના હવે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ સામે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે ટકરાશે.

You might also like