બધા રિયો પહોંચી ગયા, પણ પોકેમોન નથી પહોંચ્યાઃ એથ્લીટ દુઃખી-દુઃખી

રિયોઃ અહીં સ્પોર્ટ્સ વિલેજમાં વીજળી-પાણીની સમસ્યાથી એથ્લીટ એટલા પરેશાન નથી, જેટલા ‘પોકેમોન ગો’ મોબાઇલ ગેમનું નેટવર્ક ન મળવાથી પરેશાન થઈ રહ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં ઓનલાઇન ગેમ પોકેમોન ગો બહુ જ લોકપ્રિય બની ચૂકી છે, પરંતુ હજુ સુધી બ્રાઝિલ નથી પહોંચી. આ કારણે ખેલાડીઓ પરેશાન થઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડની ફૂટબોલર એના ગ્રીને કહ્યું, ”હું ઇચ્છું છું કે ઓલિમ્પિક વિલેજમાં ફરીને પોકેમોનને પકડું, પરંતુ મારા મોબાઇલમાં આ ગેમ ચાલી નથી રહી. ખેર, હવે મનોરંજન માટે કંઈક બીજું કરીશું.”

આ ગેમ બનાવનારી કંપની નિયાનટિકને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું કે બ્રાઝિલમાં ક્યારે આ ગેમ લોન્ચ કરશો? જોકે આ સવાલનો જવાબ હજુ સુધી કંપનીએ આપ્યો નથી. થોડા દિવસ પહેલાં બ્રિટિશ કેનોઇંગ ટીમના સભ્ય જોએ ક્લાર્કે સોશિયલ મીડિયા પર સ્ક્રીન શોટ પોસ્ટ કર્યો હતો, જેમાં સ્પોર્ટ્સ વિલેજના રગ્બી, ઘોડેસવારી અને મોડર્ન પેન્ટાથલોન વિસ્તારને દેખાડવામાં આવ્યો હતો, જ્યાં કોઈ પોકેમોન નજરે પડતો નહોતો.

રિયોના મેયરની અપીલ
આ મોબાઇલ ગેમની લોકપ્રિયતાને જોતાં રિયોના મેયર એડુઅર્ડો પેસે ગેમની નિર્માતા કંપની નિયાનટિકને વિનંતી પણ કરી હતી. તેમણે કંપનીને સોશિયલ મીડિયા પર સંબોધિત કરતાં કહ્યું હતું કે, ”બધા અહીં આવી રહ્યા છે, તમે ક્યારે આવશો?”

You might also like