રિયો ઓલિમ્પિક્સઃ વરકન્યા સાવધાન થઈ જાઓ!

ઘરમાં લગ્ન હોય એટલે મહિનાઓથી તૈયારીઓ ચાલતી હોય, વર કે કન્યા શોધાઈ જાય એ પછી વાડી કે પાર્ટી પ્લોટ, ગોર મહારાજ, કેટરિંગ વગેરે. એક કામ થોડું હોય છે! પણ આ બધું થઈ જાય અને લગ્નનો દિવસ આવી જાય એટલે ઘરમાં વાત ચાલુ થાય કે ચાલો ભાઈ બધું પતી ગયું હવે શાંતિ થઈ અને લગન (લગ્ન)ને માણીએ. અથવા તો તૈયારીને આખરી ઓપ આપી દઇએ. બસ, આવી જ વાત ઓલિમ્પિક્સની છે.

બ્રાઝિલના રિયો દ જાનેરો ખાતે પાંચમી ઓગસ્ટથી ઓલિમ્પિક્સનો પ્રારંભ થશે. રિયો ગેઇમ્સ તરીકે ઓળખાનારા આ ઓલિમ્પિક્સ માટે તમામ દેશે તૈયારી કરી લીધી છે અને હવે તેઓ મેદાન પર આવીને સ્પર્ધા કરવા માટે સજ્જ થઈ ગયા છે.

રિયો ગેઇમ્સમાં આમ તો ૨૦૬ દેશ ભાગ લેવાના છે. આગળ કહ્યું તેમ લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે અને વરકન્યા પણ સજ્જ થઈ ગયાં છે બસ, ગોર મહારાજ કન્યા પધરાવો સાવધાન કહે તેટલી જ વાર છે.

હવે બધું ભૂલી જવાનું. સુશીલકુમાર કેમ ભાગ લેવાનો નથી કે અભિનવ બિન્દ્રાએ કેવી કૉમેન્ટ કરી હતી લિએન્ડર પેસ સાથે મળીને રોહન બોપન્ના રમશે કે નહીં, પેસ સાથે રમવા માટે સાનિયા મિર્ઝા રાજી છે કે નહીં તેનું હવે કોઈ મહત્ત્વ નથી રહ્યું. હવે તો જે પસંદ થયા છે અથવા તો ક્વોલિફાઈ થયા છે તેની જ વાત કરવાની છે.

ઓલિમ્પિક્સમાં આ વખતે ૨૮ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે ૨૮ રમતમાં કુલ ૩૦૬ મેડલ દાવ પર લાગેલા છે જે જીતવા માટે સમગ્ર વિશ્વમાંથી સાડા દસ હજાર ખેલાડી રિયો પહોંચશે. તેમની સાથે એટલા જ અધિકારીઓ, કોચ, ફિઝિયો, રેફરી, અમ્પાયર્સ, મીડિયા, કેમેરામેન્સ, કોમેન્ટેટર્સ તો ખરાં જ. આમ રિયો ખાતેનું ઓલિમ્પિક્સ વિલેજ ખરેખર એક નાનકડા ગામડાથી વિશેષ બની જશે.

ભારત એક જમાનામાં હોકી સિવાય કોઈ રમતમાં મેડલ જીતી શકતું ન હતું તેને બદલે હવે અન્ય રમતોમાં પણ ભારતીય એથ્લીટે કાઠું કાઢ્યું છે અને તેથી જ ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યામાં પણ હવે વધારો થઈ રહ્યો છે. આ વખતે ભારતીય ઓલિમ્પિક સંઘે લગભગ ૧૦૦ જેટલા ખેલાડીને રિયો મોકલવાનો નિર્ણય લીધો છે. આ સંખ્યા જ એક વિક્રમ છે. અગાઉ બૈજિંગમાં યોજાયેલી ૨૦૦૮ની ઓલિમ્પિક્સમાં ભારતે ૫૬ એથ્લીટ મોકલ્યા હતા. આમ, આઠ વર્ષ અગાઉની સરખામણીએ આ સંખ્યા લગભગ બમણી જ કહી શકાય.

સંખ્યા તો વધી પરંતુ સાથેસાથે મેડલ જીતવાની શક્યતા પણ ઘણી વધી ગઈ છે. એ હકીકત છે અને કમનસીબી પણ છે કે ભારત કોઈ એક ઓલિમ્પિક ગેઇમ્સમાં હજી સુધી ડબલ ફિગરમાં મેડલ જીતી શક્યું નથી, પરંતુ આ વખતે આશા સેવાય છે કે ભારતના મેડલની સંખ્યા ૧૦ કે ૧૨ને આંબી જશે. ચીન, અમેરિકા કે રશિયા બ્રિટનની સરખામણીએ આ સંખ્યા સાવ તુચ્છ લેખાશે. છતાં કમસે કમ આપણે આટલે સુધી તો પહોંચ્યા છીએ.

આ ઉપરાંત સંતોષની વાત એ છે કે ભારતમાં જે રીતે વિવિધ રમતનો વિકાસ થઈ રહ્યો છે તે જોતાં હવે તમામ રમતમાં વિશ્વભરમાં ભારતની નોંધ લેવાતી થઈ છે. એક જમાનો હતો જ્યારે હોકીમાં ગોલ્ડ તો ભારતના જ નામે હોય પરંતુ ૧૯૮૦ બાદ આ ઇજારાશાહી ખતમ થઈ ગઈ અને હાલત તો એ થઈ કે ૨૦૦૮માં તો ભારતીય હોકી ટીમ ક્વોલિફાઈ જ થઈ શકી ન હતી.

હોકીની ખોટ હવે અન્ય રમતો પૂરી કરી રહી છે. જેની શરૂઆત ૧૯૯૬માં એટલાન્ટા ખાતે લિએન્ડર પેસે ટેનિસમાં બ્રોન્ઝ અપાવીને કરી હતી. ૨૦૦૪માં એથેન્સ ખાતે રાજ્યવર્ધન રાઠોડે શૂટિંગમાં સિલ્વર અપાવ્યો તો તેનાં ચાર વર્ષ બાદ અભિનવ બિન્દ્રાએ સીધું ગોલ્ડ પર જ નિશાન તાક્યું હતું. ૨૦૧૨માં લંડનમાં તો આ સંખ્યા વધી ગઈ અને છ મેડલ સાથે ભારતીયો પરત ફર્યા હતા.

એક દાયકા અગાઉ ૧૦ મેડલ પણ ભારત માટે અશક્ય જણાતા હતા, પરંતુ હવે તે શક્ય છે. આ માટે અલગઅલગ કારણો છે. એક તો ભારત પાસે હવે સાઇના નહેવાલ (બેડમિન્ટન), સાનિયા મિર્ઝા અને લિએન્ડર પેસ (ટેનિસ), અભિનવ બિન્દ્રા, ગગન નારંગ અને જિતુ રાય (શૂટિંગ), નરસિંહ પંચમ યાદવ અને યોગેશ્વર દત્ત (કુસ્તી) અને દીપા કરમાકર (જિમ્નાસ્ટિક્સ) જેવા ખેલાડી છે જે મેડલ માટે પ્રબળ દાવેદાર છે.

આ ઉપરાંત ભારતમાં હવે ઓલિમ્પિક્સ પ્રત્યે જાગૃતિ આવી છે. દેશના એથ્લીટ મેડલ જીતી શકે છે તેવો વિશ્વાસ સંપાદિત કરવા માટે તથા તેમને મદદ કરવા માટે પ્રયાસ થયા છે. મહાન બિલિયર્ડ ખેલાડી ગીત સેઠીએ કાસ ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે જેમાં ઓલિમ્પિક્સમાં મેડલના દાવેદાર હોય તેવા ખેલાડીને વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ બધા પ્રયાસો બાદ ભારતીય એથ્લીટ રિયોથી ખાલી હાથે પરત ફરે તો જ નવાઈ.

રાજ

You might also like