બોલ્ટે ઇતિહાસ રચ્યોઃ ૨૦૦ મીટરમાં પણ ગોલ્ડ જીત્યો

રિયોઃ જમૈકાના ઉસેન બોલ્ટે ગઈ કાલે રિયો ઓલિમ્પિકમાં ૨૦૦ મીટર સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ સાથે જ બોલ્ટે ઇતિહાસ રચી દીધો છે. તે સતત ત્રણ વાર ઓલિમ્પિકમાં ૧૦૦ તથા ૨૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીતનારો દુનિયાનો પહેલો એથ્લીટ બની ગયો છે. બોલ્ટે આ રેસ ૧૯.૭૮ સેકન્ડમાં પૂરી કરી. આ સિઝનમાં તેનો આ સૌથી સારો સમય છે. કેનેડાના આન્દ્રે દે ગ્રાસે ૨૦.૦૨ સેકન્ડ સાથે સિલ્વર, જ્યારે યુરોપિયન ચેમ્પિયન ફ્રાંસના ક્રિસ્ટોફર લેમેટ્રેએ ૨૦.૧૨ સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.

બોલ્ટે બીજિંગ (૨૦૦૮) અને લંડન (૨૦૧૨) ઓલિમ્પિક રમતોત્સવમાં ૧૦૦ તથા ૨૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. થોડા દિવસ પહેલાં બોલ્ટે રિયોમાં ૧૦૦ મીટરનો ગોલ્ડ જીત્યો હતો. બોલ્ટે બીજિંગ અને લંડનમાં 4×100 મીટરનો પણ ગોલ્ડ જીત્યો હતો. હવે બોલ્ટની નજર ‘ટ્રિપલ-ટ્રિપલ’ પર છે. જમૈકાની ટીમ આ રેસની ફાઇનલમાં પહોંચી ચૂકી છે. રિયોમાં ૧૦૦ મીટર રેસમાં અમેરિકાના જસ્ટિન ગાટલિને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે કેનેડાના આન્દ્રે દે ગ્રાસે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પરંતુ ૨૦૦ મીટરમાં બોલ્ટની સામે ગાટલિનનો પડકાર નહોતો, કારણ કે તે સેમિફાઇનલમાંથી જ બહાર ફેંકાઈ ગયો હતો.

ગ્રાસે બોલ્ટ સાથે હિટમાં ભાગ લીધો હતો અને બીજા સ્થાન પર રહ્યો હતો. બોલ્ટને ગ્રાસનો જોરદાર પડકાર હતો અને બન્યું પણ એવું જ હતું. ગ્રાસે બોલ્ટ બાદ બીજું સ્થાન હાંસલ કર્યું અને રિયોમાં પોતાનો બીજો મેડલ જીત્યો હતો.

You might also like