પીવી સંધુએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું

રિયોઃ બેડમિન્ટનના સિંગલ્સ મુકાબલામાં ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સંધુએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રાઉન્ડ ઓફ-૧૬માં રમાયેલા એક મહત્ત્વપૂર્ણ મુકાબલામાં સિંધુએ આઠમી ક્રમાંકિત ચીની તાઇપેની ખેલાડી તાઇ-જૂ-યિંગને એકતરફી મુકાબલામાં પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો મુકાબલો ભૂતપૂર્વ નંબર વન અને હાલ બીજાે નંબર ધરાવતી ચીનની વાંગ યિહાન સામે થશે.

ભારતની નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલની સફર ભલે બીજા રાઉન્ડમાં જ ખતમ થઈ ગઈ હોય, પરંતુ દેશની નંબર બે ખેલાડી પીવી સંધુએ િરયો ઓલિમ્પિકમાં પોતાનો જલવો જારી રાખ્યો છે. સંધુ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ચીની તાઇપેની ખેલાડી તાઇ-જૂ-યિંગ સામે સંધુએ જબરદસ્ત રમતનું પ્રદર્શન કર્યું અને પહેલી ગેમ આસાનીથી જીતી લીધી હતી. સંધુએ પહેલી ગેમ ૧૯ મિનિટમાં ૨૧-૧૩થી જીતી હતી. પહેલી ગેમ જીત્યા બાદ સંધુનો ઉત્સાહ સાતમા આસમાને હતો. તેણે બીજી ગેમમાં શાનદાર રમત દેખાડી ચીની તાઇપેની ખેલાડીને કોઈ જ તક આપી નહોતી. સંધુએ બીજી ગેમ ૨૧-૧૪થી જીતીને મેચ પોતાના નામે કરી લીધી.

You might also like