રિયો ઓલિમ્પિક્સનો ચોરાયેલો ગોલ્ડ મેડલ કચરામાંથી મળ્યો

રોમ: રિયો ઑલિમ્પિક રમતોત્સવની તલવારની સ્પર્ધાના ચેમ્પિયનનો ટ્રેનમાં સૂતી વખતે ચોરાઈ ગયેલો સુવર્ણચંદ્રક કોઈ અજાણ્યા શખસ દ્વારા પ્રાપ્ત થવાના ફેસબુક પર મળેલા સંદેશા મારફતે ડેનિયલ ગેરોઝો ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો. ગેરોઝોએ ગત ઉનાળામાં યોજાયેલ ઓલિમ્પિક રમતોત્સવમાં ફોઈલ હરીફાઈમાં ઈટાલી વતી સુવર્ણચંદ્રક જીત્યો હતો.
ગેરોઝો પોતાની ફેવરિટ ફૂટબોલ ટીમની મેચ નિહાળવા ટુરિનમાં ટ્રેન મારફતે ગત ૨૯ ઑક્ટોબરે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેની બેગમાંથી મેડલ ચોરાઈ ગયો હતો, પણ ટુરિનની એક મહિલાને તે ટ્રેનના સ્ટેશનની બહાર પડેલા કચરામાંથી મળી આવ્યો હતો.

સદ્ભાગ્યે તે મહિલા ગેરોઝોને ઓળખતી હતી, જેણે સોશિયલ મીડિયા મારફતે તેનો સંપર્ક કર્યો હતો. ગેરોઝો ટોકિયોમાં વર્લ્ડ કપની એક ઇવેન્ટમાં રમી રહ્યો છે. તેને ન્યૂઝ મળ્યા પછી તે ઘરે વહેલાે પહોંચી જવા થનગની રહ્યો હતો. મહિલાએ તેનો મેડલ તેના (ગેરોઝોના) મિત્રને મોકલી આપ્યો છે, જોકે ગેરોઝો મહિલાને તેના પરિવાર સાથે પોતાને ત્યાં જમવા બોલાવવા વિચારે છે.

You might also like