‌રિંગ રોડ પરથી ટ્રકની લૂંટ કરનાર એક આરોપીની ધરપકડ

અમદાવાદ: શહેરના બાકરોલ રિંગ રોડ પરથી ચાર દિવસ પહેલાં ટ્રક અને પૈસાની લૂંટ કરનાર એક આરોપીની અસલાલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલી ટ્રક કબજે કરી છે. લૂંટ કરનારા ત્રણેય આરોપીઓ જુહાપુરાના રહેવાસીઓ છે. પોલીસે ફરાર બેને ઝડપવા તજવીજ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના દેવડી ગામના રહેવાસી અને ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતાં રાજેન્દ્રકુમાર મીણા ચાર દિવસ પહેલાં પોતાની ટ્રકમાં હરિયાણાથી પ્લાયવૂડ ભરીને અમદાવાદ ગીતા મંદિર ખાતે ઉતારી હળવદ તરફ જઇ રહ્યા હતા. તેઓ બાકરોલ સર્કલ નજીક ટ્રક ઊભી રાખી બાથરૂમ જવા ગયા હતા. તેઓ ટ્રક પાસે પરત આવ્યા ત્યારે ત્રણ શખસો ટ્રક પાસે ઊભા હતા અને રાજેન્દ્રકુમારને છરો બતાવી કંઇ બોલીશ તો પૂરો કરી દઇશ તેમ કહેતાં રાજેન્દ્રકુમાર નાસી ગયા હતા. ત્રણેય શખસો આ ટ્રક અને ટ્રકની કેબિનમાં રહેલા રોકડા રૂ.૩૩,૯પ૦ લઇ ફરાર થઇ ગયા હતા.

અસલાલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અસલાલી પોલીસ સ્ટેશનના પી.આઇ. જી.પી. ચૌહાણે જણાવ્યું હતું કે આરોપી શકીલ પઠાણ (ઉ.વ. ર૦, રહે. સંકલિતનગર, જુહાપુરા)ની ધરપકડ કરાઇ છે. ત્રણેય આરોપી મિત્રો છે અને જુહાપુરામાં રહે છે. બાકીના આરોપીને પકડવા તજવીજ ચાલુ છે.
http://sambhaavnews.com/

You might also like