હું યોગ્ય રસ્તે છુંઃ પ‌િરણીતિ

ચાર વર્ષની કરિયરમાં માત્ર છ ફિલ્મો કરીને નેશનલ, ફિલ્મફેર, સ્ક્રીન તથા આઇફા જેવા કેટલાય પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતી ચૂકેલી પ‌િરણીતિ ચોપરાની છેલ્લી બે-ત્રણ ફિલ્મો કોઇ ખાસ કમાલ કરી શકી નથી. હિંદીમાં હાલમાં તેની પાસે કોઇ ફિલ્મ નથી, પરંતુ તે દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆરની ઓપોઝિટ એક દક્ષિણ ભારતીય ફિલ્મમાં કામ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે.

પોતાની કરિયર અંગે વાત કરતાં તે કહે છે કે મારી કરિયર યોગ્ય રસ્તા પર છે. એ મારી ખુશકિસ્મતી છે કે મેં અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મો કરી છે તે તમામમાં મારા રોલ સાવ અલગ છે. ‘કિલ-દિલ’ તો તેમાં સૌથી અલગ હતી. તેમાં મારો લુક, ગેટઅપ અને બોડી લેંગ્વેજ પણ અલગ હતાં. સાચું કહું તો એ ફિલ્મમાં જે દુનિયા હતી તે દુનિયા પણ મારા માટે સાવ અલગ હતી.

પ‌િરણીતિ કહે છે કે અમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છીએ તેમાં અમારા માટે સફળતા ખૂબ જરૂરી છે. એક ફિલ્મની સફળતાથી કલાકારની અંદર એક નવું જોશ પેદા થાય છે, એક નવી ઊર્જાનો સંચાર થાય છે, જે અમને આગળ વધવા અને અમારી અંદરની ક્ષમતાને શોધવા માટે પ્રેરણા બને છે. નિષ્ફળતા પણ આવવી જોઇએ, નહીં તો આપણને એમ થવા લાગે છે કે આપણે જે કરી રહ્યા છીએ, જે વિચારી રહ્યા છીએ માત્ર તે જ સાચું છે.

You might also like