અમદાવાદ રિક્ષા વેચવા આવ્યા અને ઝડપાયા

અમદાવાદ: ડીસાના રિક્ષાચાલક પાસેથી બળજબરીપૂર્વક રિક્ષા પડાવી અમદાવાદ ખાતે વેચવા આવેલા બે શખસની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે રિક્ષા કબજે કરી બંને આરોપીઓને ડીસા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કે. જી. ચૌધરી અને ટીમ પેટ્રોલિંગમાં હતાં. દરમ્યાનમાં મળેલી બાતમીના આધારે ચાંદખેડા વિસ્તારમાંથી અરવિંદપુરી કરશનપુરી ગોસ્વામી (ઉ.વ.૩૧, રહે. ચંદ્રલોક સોસાયટી, ડીસા) અને સુરેશભારતી કિશોરભારતી ગોસ્વામી (ઉ.વ.૩૮, રહે. ભોપાનગર, ડીસા)ને રિક્ષા સાથે ઝડપી લીધા હતા.

બંનેને રિક્ષા બાબતે પૂછપરછ કરાતાં તેઓ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા, જેથી પોલીસે તેઓની પૂછપરછ કરતાં બે દિવસ અગાઉ ડીસા બસ સ્ટેન્ડ નજીકથી સલીમ નામના રિક્ષા ડ્રાઇવરની રિક્ષા મહેસાણા જવા ભાડે કરી હતી. બાદમાં છાપી ગામ નજીક બંનેએ રિક્ષા ઊભી રખાવી સલીમને ધમકી આપી નીચે ઉતારી રિક્ષા લઇ ફરાર થઇ ગયા હતા. રિક્ષા લઇ બંને અમદાવાદ ખાતે વેચવા આવ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી ડીસા પોલીસને સોંપ્યા છે.

You might also like