રિચાને સ્મિતા પાટીલ જેવા રોલ કરવા છે

રિચા ચઢ્ઢા હવે પોતાની જાતને એક સશક્ત અભિનેત્રી તરીકે સાબિત કરી ચૂકી છે. થોડા સમયમાં તેની એક ફિલ્મની જાહેરાત થવાની છે, જેમાં તેનો રોલ સાવ અલગ હશે તેમ રિચાનું કહેવું છે. તે કહે છે, હાલમાં બાકી કાસ્ટિંગ માટેનું કામ ચાલી રહ્યું છે. જ્યાં સુધી એ તમામ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી કોઇ જાહેરાત કરવામાં નહીં આવે. રિચાની પસંદગીની બોલિવૂડ નાયિકા પરવીન બાબી અને સ્મિતા પાટીલ છે. તેને પરવીન બાબી જેવા ગ્લેમરસ ભરેલા રોલ અને સ્મિતા પાટીલ જેવા અર્થપૂર્ણ રોલ કરવા છે. તે કહે છે કે હું સ્મિતાજી જેવા જબરદસ્ત રોલની તલાશમાં છું. મારે મહિલા પ્રધાન ફિલ્મો કરવી છે, પરંતુ જે ફિલ્મો મને ઓફર થશે તેના વિશે હું વિચારીશ જરૂર.

હરીફાઇ અંગે પૂછતાં તે કહે છે, મારી કોમ્પિટિશન તો માત્ર મારી સાથે જ છે. અહીં મારે હજુ ઘણું બધું શીખવાનું છે અને કામ કરવાનું છે, પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે મારે લોકોનું મનોરંજન કરવું છે. મારે મારી ફિલ્મ જોયા બાદ દર્શકોને નિરાશ કરવા નથી. દર્શકો જ છે, જે કલાકારને સપોર્ટ કરે છે અને પ્રોત્સાહન આપે છે. હું હજુ કોમેન્ટ કરવા લાયક નથી. હું માત્ર અને માત્ર કામ અંગે જ વિચારું છું. જ્યારે પણ મને સમય મળે છે ત્યારે સોશિયલ મીડિયાના મિત્રો સાથે ગપસપમાં જોડાઇ જાઉં છું. રિચાએ ક્યારેય ડ્રીમ રોલ અંગે વિચાર્યું નથી. તે કહે છે કે હું જે પણ રોલ મળે તેને સારી રીતે ભજવવાનો પ્રયત્ન કરું છું અને કરતી રહીશ. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, બોલિવૂડમાં ગોડફાધરની જરૂર છે પણ અને નથી પણ, કેમ કે અહીં કામ તમારે કરવાનું છે, ગોડફાધરે નહીં. જો તમે સારું કામ કરતા હશો તો તમને સફળતા જરૂર મળશે. •

You might also like