રિચા ચઢ્ઢાને કોઈ કારણ વગર ફિલ્મમાંથી કાઢી મુકાઈ

આજે રિચા ચઢ્ઢાને કોઇ પણ ઓળખની જરૂર નથી. પોતાના દમ પર તેણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક જગ્યા બનાવી લીધી છે, જોકે ઇન્ડસ્ટ્રીમાં આ સ્થાન મેળવવા માટે તેણે ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો છે. તે કહે છે કે ઘણી વાર એવું થયું કે કોઇ ફિલ્મ માટે વજન વધારવાથી લઇને અન્ય પ્રકારની મહેનત કરી, પરંતુ બાદમાં કોઇ પણ કારણ વગર મને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી. જ્યારે તમારી સાથે એવું થાય ત્યારે તમે નિરાશ થઇ જાવ છો.

‘ગેંગ્સ ઓફ વાસેપુર’ બાદ મેં એક ફિલ્મનો પ્રસ્તાવ મળતાં વજન વધાર્યું હતું અને એક અલગ પ્રકારની ભાષા પણ શીખી. આ દરમિયાન મને બે-ત્રણ ફિલ્મની ઓફર મળી, જે મેં એ પ્રકારના રોલ માટે છોડી દીધી, પરંતુ છ મહિનાની તૈયારી બાદ કોઇ પણ કારણ વગર મને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી. મને તે દિવસે ખૂબ જ આઘાત લાગ્યો અને હું બહુ રડી. મારી હાલત ડિપ્રેશનના પેશન્ટ જેવી થઇ ગઇ.

રિચા કહે છે કે હું એક પ્રકારે હીનતાનો શિકાર બની. મને લાગ્યું કે કદાચ હું સુંદર નથી અથવા તો મને મારું કામ આવડતું નથી. મેં ખુદને પૂછ્યું કે શું હું ફોકસ્ડ નથી કે મારા કોઇ ગોડફાધર નથી. આ તમામ સવાલોએ મને પરેશાન કરી. હું દોઢ મહિના સુધી ડિપ્રેશનની હાલતમાં રહી. રિચાના જણાવ્યા અનુસાર તેને બીજો એક ઝટકો ફરી લાગ્યો.

તેને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો તે દરમિયાન તેને એક ફિલ્મનો પ્રસ્તાવ પણ મળ્યો. તે ફિલ્મ માટે તેને ખૂબ હોમવર્ક કરવાનું હતું. તેણે એ પણ કર્યું, પરંતુ બાદમાં તેને એ ફિલ્મમાંથી કાઢી મુકાઇ, પરંતુ આ વખતે તેણે પોતાનો આત્મવિશ્વાસ ડગમગવા ન દીધો. રિચા કહે છે કે હું બાળપણથી જ સંઘર્ષ કરતી આવી છું. મને સંઘર્ષ સામે કોઇ વાંધો નથી.

You might also like