વિધાનસભાની ચૂંટણીના રિટર્નિંગ અોફિસરોઅે પરીક્ષા અાપવી પડશે

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર સહિત અમદાવાદ જિલ્લાની કુલ ર૧ વિધાનસભા સીટ પર નિયુકત રિટર્નિંગ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર માટે ચૂંટણીલક્ષી ચાર દિવસીય તાલીમ ફરજિયાત બનાવાઇ છે.

જોકે ચૂંટણીલક્ષી તાલીમ રાજ્યભરના ચૂંટણી અધિકારીઓ માટે તબક્કાવાર યોજાઇ છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં તાલીમ બાદ ચૂંટણી અધિકારીઓની પરીક્ષા પણ લેવાનાર છે અને આ પરીક્ષામાં પાસ થવાનું ફરજિયાત છે. ચૂંટણી પંચ દરેક ચૂંટણી સમયે અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપે છે. જે આ વખતે પણ થઇ રહ્યું છે, પરંતુ તાલીમ પછી તરત જ યોજાનારી મૌખિક પરીક્ષા માટે આ અધિકારીઓ અને કર્મચારીઓએ પાસ થવું ફરજિયાત છે.

જો તેઓ નાપાસ થશે તો તેમણે ફરી તાલીમ પણ લેવી પડશે અને ફરીથી પરીક્ષા આપીને પાસ પણ થવું પડશે. ચૂંટણીલક્ષી તાલીમ પૂરી થયા બાદ લેવાનારી મૌખિક પરીક્ષા માટે ચૂંટણી પંચ દ્વાર જ્યૂરી ટીમ બનાવવામાં આવી છે. આ જ્યૂરી ટીમમાં અન્ય રાજ્યના અધિકારીઓને બોલાવવામાં આવે છે. તેમના દ્વારા ૧૦૦થી વધુ રિટર્નિંગ ઓફિસર અને રપ૦થી વધુ આસિસ્ટન્ટ અધિકારીઓની મૌખિક પરીક્ષા લેવાશે.

આ અંગે રાજ્યભરના રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની ટ્રેનિંગની જવાબદારી સંભાળી રહેલા રાજ્યના ચીફ ઇલેકટ્રોરલ ઓફિસર લલિત પાડલિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓની તાલીમ બાદ મૌખિક પરીક્ષાનો નિર્ણય લેવાયો છે.

વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓને આ પદની જવાબદારી સોંપવામાં આવે છે. મોટા ભાગના અધિકારીઓને ચૂંટણીલક્ષી કામગીરીનો અનુભવહોય છે તેથી ફેઇલ થવાનો રેશિયો ઓછો રહે છે. છતાં પણ કોઇ અધિકારી નાપાસ થશે તો તેમને ફરી તાલીમ લેવી પડશે અને ત્યાર બાદ ફરી પરીક્ષા આપવી પડશે દિવાળીની રજા પહેલાં અધિકારીઓની તાલીમની કામગીરી પૂરી કરી દેવામાં આવશે.

You might also like