આગામી દાયકામાં ભારતીય બજારમાં ઊંચું રિટર્ન

મુંબઇ: દુનિયાનાં ઊભરતાં બજારમાં ભારતીય બજારનું વેલ્યુએશનના દૃષ્ટિકોણથી વધુ આકર્ષણ છે. રોકાણકારોને આગામી એક દાયકામાં ભારતીય બજાર ઊંચું રિટર્ન આપશે. ઇન્વેસ્ટમેન્ટ ગુરુ માર્ક ફેબરના જણાવ્યા પ્રમાણે ભારતીય ઇકોનોમી ચારથી છ ટકાના દરે વધવાની શક્યતા છે, જે દુનિયાના અન્ય દેશોના આર્થિક વૃદ્ધિદર કરતાં સારો દર ગણાવી શકાય. તેમણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલને સકારાત્મક ગણાવ્યું હતું, જોકે અમલીકરણ સામે પ્રશ્નાર્થ વ્યક્ત કર્યો હતો.

ભારતમાં કયા સેક્ટરમાં રોકાણ કરવું ગમે છે તેવા અેક પ્રશ્નના જવાબમાં માર્ક ફેબરે જણાવ્યું કે ભારતીય બેન્કના શેર બિનઆકર્ષક નથી, પરંતુ એફએમસીજી શેર તુલનાત્મક રીતે મોંઘા છે. દરમિયાન રેટ કટમાં કેટલો અવકાશ છે તેવા એક પ્રશ્નના જવાબમાં માર્ક ફેબરે જણાવ્યું કે નવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉપર નિર્ભર રહેશે. તેઓએ સૈદ્ધાંતિક રીતે ઊંચો વ્યાજનો દર ભારત માટે સારો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. તેની પાછળ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઊંચો વ્યાજનો દર ચલણને સ્થિર રાખે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વિશ્વભરમાં નાણાકીય લિક્વિડિટીનું પ્રમાણ જોઇએ તો સોનું ૧૯૯૦ના દાયકા કરતાં સસ્તું છે. લોકોએ હજુ પણ સોનામાં રોકાણ કરવું જોઇએ.

You might also like