રિટર્નમાં ભારતીય શેરબજાર કરતાં પાક. અને બાંગ્લાદેશનાં શેરબજાર આગળ નીકળી ગયાં

મુંબઇ: કેલેન્ડર વર્ષ ૨૦૧૬ પૂરું થવાને ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતે રિટર્ન આપવાની બાબતમાં ભારતીય શેરબજાર ઊણું ઊતર્યું છે, જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશનાં શેરબજાર તેમાં આગળ નીકળી ગયાં છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જમાં ૪૪ ટકા જેટલો સુધારો નોંધાયો છે, જ્યારે બાંગ્લાદેશના ઢાકા સ્ટોક એક્સચેન્જના બ્રોડ ઇન્ડેક્સમાં ચાલુ વર્ષે ૬.૫ ટકા સુધારો નોંધાયો છે, જ્યારે તેની ચાલુ વર્ષે ગઇ કાલ સુધીમાં બીએસઇ સેન્સેક્સમાં નજીવો ૦.૪૭ ટકા સુધારો નોંધાયો છે.
શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછલા કેટલાક મહિનાથી વિદેશી સંસ્થાગત રોકાણકારોની ઇક્વિટી બજારમાં વેચવાલી જોવા મળી છે, જેમાં ખાસ કરીને બેન્કિંગ સ્ટોક ઉપર પ્રેશર જોવા મળ્યું છે. સરકારની આર્થિક નીતિના અભાવ વચ્ચે બજારમાં શુષ્ક માહોલ જોવા મળી રહ્યો છે. નોટબંધીની અસર પણ બજાર ઉપર નોંધાઇ છે.

બીજી બાજુ પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જનું ભારતીય શેરબજાર કરતાં સારું પર્ફોર્મન્સ જોવા મળ્યું છે. પાછલાં પાંચ વર્ષનો ડેટા જોઇએ તો કરાચી સ્ટોક એક્સચેન્જ-કેએસઇ-૧૦૦ પાંચ વર્ષમાં વાર્ષિક ચક્રવૃદ્ધિ દર ૩૩ ટકા રહ્યો હતો, જ્યારે આ જ સમયગાળામાં ભારતીય રોકાણકારોને ૧૧.૨ ટકાના દરે વાર્ષિક રિટર્ન મળ્યું હતું. જાણકારોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં વિદેશી રોકાણકારોએ જુલાઇથી ઓક્ટોબરના સમયગાળામાં ૧.૧ અબજ ડોલરથી વધુ રોકાણ કર્યું હતું તેની અસર શેરબજાર ઉપર જોવા મળી હતી.
http://sambhaavnews.com/

You might also like