ફિનલેન્ડ ગયેલા સિસોદિયાને સ્વદેશ પરત ફરવા ઉપરાજ્યપાલનો આદેશ

નવી દિલ્હી: અેક તરફ દિલ્હીમાં છેલ્લાં કેટલાંક દિવસથી ડેન્ગ્યુ, ચિકનગુનિયાઅે હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ફિનલેન્ડના પ્રવાસે ગયા છે ત્યારે ઉપ રાજ્યપાલ નજિબ જંગે તેમને તાત્કાલિક સ્વદેશ પરત ફરવા આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે તેઓ જો તાત્કાલિક પરત નહિ આવે તો તેમનો આ પ્રવાસ ગેરકાયદે જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપ રાજ્યપાલના કાર્યાલયમાંથી ઉપ મુખ્યપ્રધાનને આ અંગે ફેકસ દ્વારા જાણકારી આપવામાં આવી છે.

આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન શિક્ષણ વિભાગ તરફથી ફિનલેન્ડના પ્રવાસે ગયા છે. અને તેઓ ત્યાંની શિક્ષણ વ્યવસ્થાના માહિતી મેળવવા માટે ફિનલેન્ડના પ્રવાસે ગયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન મનીષ સિસોદિયાના વિદેશ પ્રવાસને લગતા કેટલાક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયા હતા. જેમાં તેઓ વિદેશમાં સૈર સપાટા કરતા જોવા મળી શકાય છે.

ત્યારે બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાઅે ભારે હાહાકાર મચાવ્યો છે. અને લોકો તેનાથી બચવા પ્રયાસ કરી રહ્યા છે તેમજ અત્યાર સુધીમાં અા બંને બીમારીથી દિલ્હીમાં કુલ ૨૫ લોકોનાં મોત થયાં છે તેમ છતાં દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન આ રીતે વિદેશ પ્રવાસે ચાલ્યા ગયા છે ત્યારે લોકોમાં પણ તેમના આ પ્રવાસ અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. તેમના આ પ્રવાસના વિરોધમાં કોંગ્રેસે ગઈ કાલે ભાગેડુ દિવસ મનાવી તેમના પ્રવાસ સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આક્ષેપ કર્યો હતો કે અેક તરફ દિલ્હીમાં બીમારીના કારણે અફરાતફરા મચી છે ત્યારે બીજી તરફ સરકારના પ્રધાન વિદેશમાં મહાલી રહયા છે. તેથી પ્રજા ભારે મુસાબતમાં મુકાઈ ગઈ છે. તેથી આવાે પ્રવાસ રદ કરી તેમણે પ્રજાની હાલાકીનો ઉકેલ લાવવો જોઈએ. તેવી માગણી કરી હતી.

You might also like