રેસ્ટોરાંના નામે ચાલતા હુક્કાબારમાંથી 60 જેટલાં યુવક-યુવતી ઝડપાયાં

અમદાવાદ: શહેરના સી.જી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડમાં આધાર રેસ્ટોરાંના ઓથા હેઠળ ચાલતા હુક્કાબારમાં ગઈ કાલે સાંજે બી ડિવિઝન એસીપીની સ્ક્વોડે નવરંગપુરા પોલીસની જાણ બહાર દરોડો પાડી 60 જેટલા યુવક-યુવતીને હુક્કો પીતાં ઝડપી લીધાં હતાં. નવરંગપુરા પોલીસની રહેમનજર હેઠળ હુક્કાબાર ધમધમતો હતો. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હુક્કાબારના માલિક ગોવિંદ પટેલ અને મેનેજર ભાવેશ સામે એનસી નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ બી ડિવિઝન એસીપી આશુતોષ પરમારને બાતમી મળી હતી કે સી.જી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડમાં આધાર રેસ્ટોરાંમાં રેસ્ટોરાંની જગ્યાએ મોટા હોલમાં હુક્કાબાર ચાલે છે.જેના આધારે એસીપીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનની જગ્યાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ કે.એમ.ચૌધરીની અને એસીપી સ્ક્વોડને સાથે રાખી અને આધાર રેસ્ટોરાંમાં દરોડા પડ્યા હતા. દરોડા દરમ્યાન હુક્કાબારના માલિક ગોવિંદ પટેલ(રહે.સાકેત વિહારી સોસાયટી,વાસણા ટોલનાકા) અને મેનેજર ભાવેશ પટેલ તેમજી 60 જેટલાં યુવક-યુવતી મળી આવ્યાં હતાં.

માલિક ગોવિંદ પટેલ સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન અનુસર્યા વગર , હેલ્થ સર્ટિફિકેટ વગર તેમજ નોંધણી પત્રક વગર રેસ્ટોરાંની જગ્યાએ હુક્કાબાર ચલાવતા હતા. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હુક્કાબારના માલિક ગોવિંદ પટેલ અને મેનેજર ભાવેશ સામે એનસી નોંધી એસીપીએ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like