સમાનતાની વાતે મહિલાઓનો ટેકો પુરુષો કરતાં ઓછો

સ્ત્રી-પુરુષને સમાન ગણવાની વાતે મહિલાઓ મક્કમ અને બહુમતીમાં હોય અને પુરુષો તરફથી ઓછું સમર્થન મળે એ સમજી શકાય એવી વાત ગણાય, પરંતુ સ્ત્રી-પુરુષને એકસરખાં જ ગણવાની વાતે પુરુષો મક્કમ હોય, બહુમતીમાં હોય અને મહિલાઓ ઢીલું વાટતી હોય તો કેવું લાગે? તાજેતરમાં બ્રિટનમાં થયેલા સર્વેક્ષણમાં આ જ હકીકત જાણવા મળી છે. આ સરવે મહિલા અધિકાર માટે કામ કરતી ધર્માદા સંસ્થા ફોસેટ સોસાયટી દ્વારા કરાવવામાં આવ્યો હતો.

બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને તાજેતરમાં જ જાહેર કર્યું છે કે મહિલાઓને પુરુષો કરતાં વીસ ટકા ઓછું વળતર મળે છે, આ ભેદભાવ નાબૂદ કરવામાં આવશે. ૭૦ ટકા બ્રિટિશરો માને છે કે મહિલાઓને પુરુષસમોવડી ગણવાથી દેશનું અર્થતંત્ર સુધરશે. ૩૯ ટકા પુરુષો માને છે કે મહિલાઓને સમાન અધિકાર આપવાથી એમને લાભ થશે. જ્યારે માત્ર ૭ ટકા એવા છે જેમને લાગે છે કે મહિલાઓને સમાન ગણી લેવાથી એમને નુકસાન થઈ જશે.

જોકે ૬૦ ટકા પુરુષોએ સ્વીકાર્યું કે ઉચ્ચ સ્થાને બેઠેલા પુરુષો મહિલાઓ માટે પોતાની જગ્યા ખાલી કરવાના નથી. એમને સરકારે મહિલાઓ માટે જગ્યા કરવાની ફરજ પાડવી પડશે. આ બધા વચ્ચે મહિલાઓ પુરુષસમોવડી થવા કેટલી તત્પર છે એ જાણવાનો પ્રયાસ કરતાં ચોંકાવનારું પરિણામ આવ્યું. મહિલાઓમાંથી માત્ર ૮૧ ટકા જ દરેક બાબતે બરાબરીની તરફેણ કરે છે.

You might also like