રિસોર્ટના નામે ૧૧ એસી મંગાવી વેપારી સાથે છેતરપિંડી આચરી

અમદાવાદ: શહેરના સોલા, નારણપુરા અને પામવ્યુ ગ્રીન રિસોર્ટ ગોબલજ ગામ ખાતે એસી લગાવવાનું કહી વાડજના યુવકે ગાંધીનગરના વેપારી પાસેથી ૧૧ એસી મંગાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સેકટર-ર૧ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી હેતલ ભટ્ટી ઉર્ફે હાર્દિકની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર સેકટર-ર૪માં રહેતા અને સેકટર-ર૦ એસપી રે‌િફ્રજરેશન એન્ડ ઇલેકટ્રોનિક્સની દુકાન ધરાવતા અમીરઅલી સૈયદને ર૧ એપ્રિલના રોજ તેમના મોબાઇલ ફોન પર ફોન આવ્યો હતો કે ઇન્ટરા બિલ્ટકોમ પ્રા. લિ.માંથી હાર્દિકભાઇ પટેલ વાત કરું છું. મારે રિસોર્ટ બનાવવાનો હોવાથી એસી જોઇએ છીએ તેમ કહી બે એસી મંગાવીને તેના ચેક ભરેલાની સ્લિપ વોટ્સએપ કરી હતી. હાર્દિકે સ્લિપ મોકલતાં બે એસી અમીરઅલીએ કાર‌િગલ પેટ્રોલ પંપ પાસે તાવીસ એવન્યૂમાં બે એસી મૂક્યા હતા. ફરીથી હાર્દિકે ફોન કરી ગોબલજ ગામ નજીક આવેલા પામવ્યુ ગ્રીન રિસોર્ટમાં ચાર એસી જોઇએ છે તે માટે મારો માણસ અડાલજ ચોકડી ઊભો રહેશે ત્યાં તેને એસી આપી દેજો જેથી ચાર એસી વિશાલ નામની વ્યક્તિને આપ્યાં હતાં.

આ એસીના ચેક તમને આપી દઇશ તેમ જણાવ્યું હતું. અમીરઅલીને ફોન કરી હાર્દિકે ચ-સર્કલ ખાતે બોલાવી રૂ.૧.૩પ લાખનો ચેક આપ્યો હતો અને રિક્ષામાં અન્ય એક એસી મોકલાવી દેજો. અમીરઅલીએ વિશ્વાસ મૂકી બીજા દિવસે રિક્ષામાં એસી મુકાવી દીધું હતું. ફરીથી હાર્દિકે ત્રણ એસીનો ઓર્ડર આપતાં તેમણે આ એસીને નારણપુરા ખાતે જીવનસાધના સોસાયટી ખાતે મોકલાવ્યાં હતાં. આપેલા ચેક બેંકમાં ભરતાં રિટર્ન થયા હતા. હાર્દિકને ફોન કરી આ અંગે જાણ કરાતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમીરઅલીએ તપાસ કરતાં હાર્દિકનું સાચું નામ હેતલ પી. ભટ્ટી (રહે.સરકારી વસાહત, વાડજ) હોવાનું જાણવા મળ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like