સોલા હોસ્પિટલનાં રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ બિસમાર અને બીમાર

અમદાવાદ: કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ, પરંતુ સોલા હોસ્પિટલનાં રે‌સિડેન્શિયલ ક્વાર્ટર્સ બિસમાર તેમજ ગંદકીનો પર્યાય બની ગયાં છે. સોલા સિવિલ પરિસરમાં આવેલાં ક્વાર્ટર્સના બાથરૂમમાં ગટરનું ગંદું પાણી બેક મારે છે તેમજ ક્વાર્ટર્સની દીવાલો પણ બિસમાર હાલતમાં છે, જેના કારણે સ્ટાફ નર્સ માટે રહી શકાય તેવી પણ હાલત નથી.

સ્ટાફ નર્સ તથા ડોક્ટરનાં મોટા ભાગના રૂમ જર્જરિત હાલતમાં છે અને વરસાદમાં ક્વાર્ટર્સના રૂમમાં પાણી ભરાઇ જાય છે. નર્સ અને ડોક્ટર દ્વારા આ અંગે ઘણીવાર ફ‌િરયાદ કરવામાં આવી છે, પરંતુ સોલો હોસ્પિટલ દ્વારા કોઇ પણ પગલાં લેવામાં આવતાં નથી.

સોલા હોસ્પિટલમાં આવેલ જૂની ઓપીડી પાસેના રે‌સિડેન્શિયલ કવાર્ટરમાં આ હોસ્પિટલના ડોક્ટર તેમજ નર્સ આ બ્લોકમાં રહે છે, પરંતુ આ બ્લોકની પાછળની સાઈડમાંથી કેનાલ પસાર થાય છે. આ કેનાલનું પાણી બ્લોક થતાં ગટર મારફતે ડી અને સી બ્લોકમાં ભરાઈ જાય છે.

આ ક્વાર્ટર્સ ફરતે ચારેકોર ગંદકી જ જોવા મળે છે. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં હાલમાં પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે હોસ્ટેલ ફરતે પણ નિયમિત સફાઈ કરવામાં આવતી નથી. તમામ રૂમની દીવાલે પોપડા ખરે છે અને દીવાલમાં તિરાડ જોવા મળે છે. અહીં નર્સ અને ડોક્ટરને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે.

તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતાં નથી, જેથી તેઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. સોલા સિવિલમાં નર્સ માટે ફ્લેટ બનાવ્યા છે, પરંતુ હજુ સુધી તેમને નવાં ક્વાર્ટર્સમાં ફાળવવામાં આવ્યાં નથી, જેના કારણે ગંદકી, બિસમાર હાલતવાળા ક્વાર્ટર્સમાં નર્સ અને વિદ્યાર્થીઓને રહેવું પડે છે.

ખાસ કરીને અહીંના ક્વાર્ટર્સમાં બાથરૂમ-શૌચાલયના દરવાજા પણ તૂટલી હાલતમાં છે તથા સાફસફાઇના અભાવે અસહ્ય ગંદકી જોવા મળે છે અને વરસાદમાં જ્યારે ક્વાર્ટર્સમાં પાણી ભરાઈ જાય છે ત્યારે તંત્ર દ્વારા મોટર વડે પાણી ખેંચવામાં આવે છે.

દર વરસાદ વખતે અહીંના બન્ને બ્લોકમાં ભરાતા પાણી અને બિસમાર ક્વાર્ટર્સ અંગે ઘણી વખત મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવ્યા છતાં તંત્રને આ સમસ્યા ઉકેલવામાં રસ લાગતો નથી તેવું લાગે છે.

You might also like