રેશમા પટેલ-પાટીદારોએ રામોલ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો

અમદાવાદ: જેલમાં બંધ હાર્દિક પટેલ સહિતના પાટીદાર યુવાનોને છોડાવવા માટે છેલ્લા ૧૨ દિવસથી ઉપવાસ પર બેઠેલી રેશમા પટેલ અને પાટીદારોએ રામોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો. રેશમા પટેલે આક્ષેપ કર્યો છે કે પોલીસે ધાકધમકીથી સ્થાનિકો પાસેથી લખાણ લીધું છે કે ‘રેશમા પટેલને કંઈ થશે તો જવાબદારી તેમની રહેશે.’

રેશમા પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં જબરદસ્તી લખાણ લેનાર અને માનસિક ત્રાસ આપનાર પોલીસ કર્મીઓ વિરુધ્ધ પગલા લેવા અરજી આપી હતી. રેશમા પટેલ પોલીસ સ્ટેશનમાં જ ઉપવાસ પર બેસતા પાંચ કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા પછી પોલીસે રેશમા પટેલની અરજી સ્વીકારી હતી.

છેલ્લા કેટલાક દિવસથી પાટીદાર યુવાનોને જેલમાંથી છોડાવા રેશમા પટેલે આમણાંત ઉપવાસ શરૂ કર્યા છે. મહેસાણાથી શરૂ કરેલા આ ઉપવાસ આંદોલન વસ્ત્રાલ ત્રિકમનગર ખાતે પહોંચ્યું હતું. જેમાં રેશમા પટેલ વસ્ત્રાલ ખાતેના એક મકાનમાં ઉપવાસ આંદોલન કરી રહ્યાં હતા. તે દરમિયાન ગઈકાલે સોસાયટીના કેટલાક આગેવાનોને રામોલ પોલીસે ધમકાવીને લખાણ લઈ લીધું કે ‘રેશમા પટેલને કંઈ થશે તો જવાબદારી તેમની રહેશે’ આવા આક્ષેપ કર્યાં હતા.

You might also like