સરકાર હિટલરશાહી બંધ નહી કરે ત્‍યાં સુધી અનશન નહીં તોડું: રેશ્‍મા પટેલ

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર હાર્દિક પટેલ તેમજ તેના સાથીદારો હાલ જેલમાં છે ત્યારે તેમને છોડાવવાની માગ સાથે અનશન પર બેઠેલી મહિલા પાટીદરા કાર્યકર રેશમાની તબિયત લથડી છે. રેશમા છેલ્લા સાત દિવસથી અનશન પર બેઠી છે. તેણે સાત દિવસથી અન્નનો એક પણ દાણો મોઢામાં નાંખ્યો નથી.

રવિવારે રાત્રે રેશમાની તબિયત વધારે લથડતાં તેને અનશનના સ્થળેથી તેના ઘરે ખસેડાઇ હતી. રેશમાનું સુગર લેવલ ડાઉન થતાં પાટીદાર સમાજના અગ્રણી સહિત પોલીસ પણ ચિંતામાં મુકાઇ હતી. જેથી પોલીસે તેને બળજબરી પૂર્વક સોલા સિવિલમાં દાખલ કરી હતી. જ્યાં રેશમાએ કહ્યું હતું કે, ‘સરકાર જયાં સુધી હિટલરશાહી બંધ નહીં કરે અને હાર્દિક સહિતના પાટીદારોને જેલમાંથી છોડશે નહીં, ત્‍યાં સુધી હું અનશન નહીં તોડું.’

તેણે વધારેમાં કહ્યું હતું કે, ‘પાટીદારોએ ૧૦ યુવાનો ગુમાવ્‍યા છે, હાર્દિક સહિતના ભાઇઓને રાષ્ટ્રદ્રોહી ગણાવીને સરકાર અને મુખ્‍યમંત્રી હિટલર શાહી ચલાવી રહ્યા છે. જયાં સુધી આ હિટલર શાહી બંધ નહીં થાય ત્‍યાં સુધી હું અનશન ચાલુ રાખીશ. મારા મોતથી સરકારને ફેર નહીં પડે, પણ મારો સમાજ જાગશે અને ન્‍યાય અપાવશે. મારે મારા સમાજને કહેવું છે કે તમે જાગો અને કંઇ થાય એ પહેલાં સરકાર સામે લાલ આંખો સાથે ન્‍યાય માંગો. મને કંઇ પણ થશે તો એની જવાબદારી સરકાર અને મુખ્‍યમંત્રીની હશે. હું પાટીદારની દીકરી છું, સાત દિવસ નહીં છેલ્લા શ્વાસ સુધી અનશન કરીશ. મને સરકારનો જવાબ જોઇએ કેમ કે સરકાર આપણાથી છે આપણે સરકારથી નથી.’

You might also like