નારાજ રેશમા પટેલે આખરે ભાજપ સાથે છેડો ફાડ્યો

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: રાજ્યના તમામ નાના-મોટા પક્ષ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજ્યમાં પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહેલી આયારામ-ગયારામ પરિસ્થિતિ વચ્ચે પૂર્વ પાસ કન્વીનર અને ભાજપનાં નેતા રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં ફરી એક વાર રાજકારણ ગરમાયું છે.

રેશમાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં ભાજપ પ્રદેશ પક્ષ પ્રમુખ જીતુ વાઘણીને પત્ર લખ્યો છે જેમા લખ્યું છે કે તમે માર્કેટિંગ કંપની ચલાવો છો પણ અમારી પાસે માત્ર પક્ષનું માર્કે‌િટંગ કરાવવામાં આવે છે. ભાજપના નેતાઓની તાનાશાહીના કારણે તેણે પક્ષ છોડ્યો હોવાની જાહેરાત કરી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે મેં અત્યાર સુધી મીડિયા પેનલિસ્ટ તરીકે ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી છે.

વર્ષ ર૦૧૭ની વિધાનસભા ચૂંટણી સમયે રેશમા પટેલે હાર્દિક પટેલનો સાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો, પરંતુ સમય જતાં ભાજપમાં રેશમા પટેલને હાં‌સિયામાં ધકેલી દેવામાં આવ્યાં હતાં, જેના કારણે રેશમા પટેલે અવારનવાર ભાજપ સામે બાંયો ચઢાવી હતી. રેશમા પટેલે હવે લોકસભા ચૂંટણી લડવા માટે ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષ ઉમેદવાર તરીકે રણની‌િત બનાવવાનું શરૂ કરી દીધું છે.

રેશમા પટેલે જણાવ્યું હતું કે તે રાજકોટ લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે લડશે. માણાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી પણ અપક્ષ તરીકે લડી શકે છે. રેશમાએ જણાવ્યું હતું કે માનસિક રીતે તો ભાજપમાંથી રાજીનામું આપી જ દીધું હતું. હવે આજે સત્તાવાર રીતે પણ રાજીનામું ધરી દીધું છે.

You might also like