રેશ્મા પટેલના શરતી જામીન મંજૂર, ગુજરાત બહાર જઇ શકશે નહી

અમદાવાદ: પાસની કન્વીનર રેશ્મા પટેલ સામે મહેસાણા જેલભરો આંદોલન બાદ ફાટી નિકળેલા તોફાનોના કેસમાં દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદ અનુસાર રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં જામીન મેળવવા માટે રેશ્મા પટેલે કરેલી જામીન અરજી પર મહેસાણા સેશન્સ કોર્ટે ચૂકાદો સંભળાવતાં શરતી જામીન મંજૂર કર્યા હતા. રેશ્મા પટેલે બે દિવસમાં પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. ગુજરાતની હદ બહાર પણ તે નહી જઇ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે 31 દિવસ બાદ રેશ્મા પટેલ જેલમાંથી બહાર આવશે.

મહેસાણા પોલીસે રેશ્મા પટેલ સહિતના આંદોલનકારીઓ વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમો લગાવ્યા બાદ રેશ્મા પટેલની અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં સામેથી ધરપકડ કરવા માટે ગઈ હતી. જોકે, પોલીસે રેશ્મા પટેલની ધરપકડ કરી ન હતી. રાણીપ પોલીસના જણાવ્યા અનુસાર, રેશ્મા પટેલ સામે ફરિયાદ દાખલ થઈ હોવાની તેમની પાસે કોઇ વિગત નથી. જેથી તેમની ધરપકડ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે મહેસાણા કોર્ટે ગત શનિવારે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ, પાર્થ પટેલ અને અંબાલાલ પટેલ એમ ત્રણ આગેવાનોને શરતી જામીન આપ્યા છે.

રેશ્મા પટેલે લાલજી પટેલ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નિતિન પટેલની મુલાકાતને લઇને પોતાની પ્રતિક્રિયા આપતાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ‘આંદોલન લાલજી પટેલનું કે વ્યક્તિગત નથી, સમાજનું છે’, લાલજી પટેલ સરકારને મળ્યા એ વ્યક્તિગત પ્રશ્ન છે. ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે.

You might also like