નોટો બદલવા ફોટો અાઈડીની ઝેરોક્ષ બેન્કમાં અાપવી નહીં પડે

અમદાવાદ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો બદલવા આવતા સામાન્ય લોકોની હાડમારી ઓછી કરવા એક મહત્ત્વનો નિર્ણય લઈને બેન્કને જરૂરી સૂચનાઓ જારી કરી છે. રિઝર્વ બેન્કે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો બદલવા માટે બેન્ક પર આવતા લોકોને હવે પોતાના આઈડી પ્રૂફની ઝેરોક્સ નકલ આપવી નહીં પડે. આરબીઆઈએ જણાવ્યું છે કે હવે લોકોને બેન્કમાં માત્ર પોતાનું ઓરિ‌િજનલ આઈડી પ્રૂફ બતાવવું પડશે, પરંતુ અગાઉની જેમ હવે ઝેરોક્સ આપવાની જરૂર રહેશે નહીં.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના આ નિર્ણયથી સામાન્ય લોકોને ખૂબ જ રાહત મળશે. નોટો બદલવા માટે જતા લોકોને પોતાના આઈડી પ્રૂફની ઝેરોક્સ આપવી પડતી હતી અને આ માટે શહેરના ઝેરોક્સવાળાઓને ત્યાં તડાકો પડ્યો હતો અને લોકોની આ મુશ્કેલીનો લાભ ઉઠાવીને ઝેરોક્સવાળાઓ આઈડી પ્રૂફની એક ઝેરોક્સ કરાવવાના રૂ. બે પડાવતા હતા.

રિઝર્વ બેન્કના આ નિર્ણયથી હવે લોકોને ઘણી રાહત થશે. એસબીઆઈના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બેન્કોને રેક્વિઝિશન સ્લિપ પર નોટ બદલવા આવતા લોકોના માત્ર આઈડી પ્રૂફની ડિટેઇલ્સ અને નંબર્સની જરૂર હોય છે અને તેને ટેલર ડોક્યુમેન્ટ સાથે મેચ કરવામાં આવશે. બેન્કો અત્યાર સુધી આઈડીની ઝેરોક્સ માગતી હતી, જેને લઈને લાંબી લાઈનો લાગતી હતી, જોકે કેટલીક બેન્કોએ આઈડી ફોટો કોપી નહીં લાવનાર કસ્ટમર્સ માટે પોતાની બ્રાન્ચમાં ઝેરોક્સની વ્યવસ્થા કરી હતી. સરકારે એટીએમમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા ૧૯ નવેમ્બરથી વધારીને પ્રતિદિન રૂ. ૪૦૦૦ કરવાનો નિર્ણય હાલ મોકૂફ રાખ્યો છે. તેનું કારણ એ છે કે મોટા ભાગના એટીએમને હજુ રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ની નવી નોટોને ટેકનિકલ રીતે અનુરૂપ કરવામાં આવ્યાં નથી. સેવિંગ બેન્ક એકાઉન્ટ હેઠળ એટીએમમાંથી ઉપાડની મર્યાદા હાલ જે રૂ. ૨૫૦૦ની છે તે થોડા સમય માટે ચાલુ રહેશે અને હાલ તુરત એટીએમમાંથી ઉપાડની મર્યાદા રૂ. ૪૦૦૦ કરવામાં આવશે નહીં.

એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે બેન્કમાં ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ઓપરેટિવ રહેલ ચાલુ ખાતામાંથી એક અઠવાડિયામાં રૂ. ૫૦,૦૦૦ની ઉપાડ મર્યાદા પણ ચાલુ રહેશે. સરકારે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની જૂની નોટો રદ કર્યા બાદ એટીએમમાંથી ઉપાડની મર્યાદા પ્રતિદિન રૂ. ૨૦૦૦ નક્કી કરી હતી. સોમવારે આ મર્યાદા વધારીને રૂ. ૨૫૦૦ કરી છે. ત્યાર બાદ ૧૯ નવેમ્બરથી આ મર્યાદા પ્રતિદિન, પ્રતિકાર્ડ રૂ. ૪૦૦૦ કરવાની હતી, પરંતુ હવે સરકારે આ નિર્ણય હાલ તુરંત સ્થગિત રાખ્યો છે.

દેશનાં તમામ એટીએમને રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ની નવી નોટોને અનુરૂપ કર્યા બાદ એટીએમમાંથી પ્રતિદિન પ્રતિકાર્ડ ઉપાડની મર્યાદા રૂ. ૪૦૦૦ કરવામાં આવશે. આ ઉપરાંત હાલ ચેક દ્વારા સેવિંગ એકાઉન્ટમાંથી પ્રતિ સપ્તાહ રૂ. ૨૪,૦૦૦ ઉપાડી શકાય છે. દરમિયાન નાણાં મંત્રાલયે બેન્કોને જણાવ્યું છે કે તેઓ નોટો બદલવા માટે એકત્ર થઈ રહેલી ભીડની સમસ્યા સામે કામ લેવા માટે બેન્કમાંથી નિવૃત્ત કર્મચારીઓની પણ સેવા લે.
Visit : www.sambhaavnews.com

You might also like