આરબીઆઇ લાવી શકે છે 2,000 રૂપિયાની નોટ

નવી દિલ્હી : તમે લોકોએ અત્યાર સુધીમાં 50, 100, 500 અને 1000 રૂપિયાની નોટ જોઇ હશે. પરંતુ ટૂંક સમયમાં જ તમારા હાથમાં 2000 રૂપિયાની નોટ આવી શકે છે. ભારતીય રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા જલ્દી જ 2000 રૂપિયાની નોટ લાવે તેવી શક્યતા છે. 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટીંગ ઘણા સમય અગાઉ જ શરૂ કરી દેવામાં આવ્યું છે. નોટનું પ્રિન્ટીંગ પુરુ થઇ ગયું હોવાથી આરબીઆઇ તેને ટૂંક સમયમાં માર્કેટમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે આ અગાઉ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા 10,000 રૂપિયાની નોટ બહાર પાડી ચૂક્યું છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ નોટને માર્કેટમાં મુકવાની સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

તમને જણાવવાનું કે ભારતીય કરન્સી તેમજ સિક્કા (કોઇન્સ)નું છાપકામ અને આકાર સિક્યૂરિટી પ્રિન્ટીંગ એન્ડ માઇનિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એસએમપીસીઆઇએલ)ની આઠ એકમોમાં કરવામાં આવે છે. આ નાણાકીય મંત્રાલય હેઠળ કાર્યરત સાર્વજનિક કંપની છે. જ્યાં એક બાજુ આરબીઆઇ 2000 રૂપિયાની નોટ માર્કેટમાં લાવી રહી છે ત્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે સરકારે મોટી નોટ પર રોક લગાવી દેવી જોઇએ, જેનાથી બ્લેક મની પર રોક લાગી શકે છે. ઉલ્લેખનીય છે આરબીઆઇએ 1938માં 10,000ની નોટ છાપી હતી જે 1946માં બંધ કરી દીધી હતી. આરબીઆઇએ બીજી વખત 1954માં 10,000 હજારની નોટ છાપવાનું શરૂ કર્યે જેને 1978માં ફરી બંધ કરી દીધું હતું.

You might also like