અનામત નહીં ખરી સમસ્યા બેકારી!

728_90

થોડા સમય પહેલાં રાજસ્થાનમાં મીણા સમુદાયનું અનામત માટેનું આંદોલન ખૂબ જ ગાજ્યું હતું. ગુજરાતમાં પાટીદાર સમાજનું બીજા તબક્કાનું અનામત આંદોલન ધીમી પરંતુ મક્કમ ગતિએ ચાલી રહ્યું છે. હરિયાણામાં જાટ સમુદાયના અનામત આંદોલને તો વળી દેશભરમાં ચર્ચા જગાવી છે. અનામત આંદોલનોનું પૃથક્કણ કરતાં એ બાબતે ચોક્કસ વિચારવું પડે કે આ શિક્ષિત અને સમૃદ્ધ ગણાતા સમાજો હવે અનામતની માગણી શા માટે કરી રહ્યા છે?

અનામત માટે સરકાર સમક્ષ વાજબી માગણી મૂકીને અહિંસક આંદોલન ચલાવવાને બદલે જાહેર સંપત્તિને નુકસાન કરીને આંદોલનને વેગ શા માટે અપાય છે? આવી ઘટનાઓ પાછળ માત્ર અનામતનું રાજકારણ જ ખેલાય છે કે પછી દેશમાં અને રાજ્યોમાં ઝડપથી વધી રહેલી બેરોજગારી જવાબદાર છે? કે પછી અન્ય કારણો? આ અંગે વિસ્તારથી સમજીએ.

અમદાવાદની એક જાણિતી સેલ્ફ ફાઈનાન્સ કૉલેજમાં ફરજ બજાવતાં પ્રોફેસર કહે છે, “તગડી ફી ભરીને અમારી કૉલેજમાં યુવાઓ ભણવા તો આવે છે, પણ ભણી લીધા પછી તેમાંથી માંડ ૨૦-૨૫ ટકાને નોકરી મળે છે. તબીબી સિવાયનાં લગભગ બધાં ક્ષેત્રની આ જ વાસ્તવિકતા છે.” હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડનો ભત્રીજો શાહીર રાઠોડ સુરેન્દ્રનગરમાં એક ટેલિકોમ કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. તેઓ કહે છે, “મારી શોપમાં બે એન્જિનિયર છે, જે માત્ર રૂપિયા ૪ હજારમાં નોકરી કરે છે.” શાહીર રાઠોડની શોપમાં જ આવું છે એમ નથી, આવું ચિત્ર ઠેરઠેર જોવા મળે છે. એન્જિનિયરીંગ ક્ષેત્રની કંપનીઓ પણ ડિગ્રી એન્જિનિયરને ૪-૫ હજાર રૂપિયામાં નોકરીએ રાખે છે. એમબીએ અને એન્જિનિયરીંગ જેવી શાખામાં આવા હાલ હોય તો બીજાં ક્ષેત્રોની સ્થિતિ કેવી બદતર હશે?

ઊંચું ભણતર ધરાવતા યુવાઓની આવી હાલતમાં તેમની કુશળતાની કમી પણ પ્રમુખપણે જવાબદાર છે અને ગુજરાતનું શિક્ષણ સાવ ખાડે ગયું છે એમ પણ તજજ્ઞો માને છે. ભારતીય પ્રબંધન સંસ્થાન (આઈઆઈએમ) અમદાવાદના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર રવીન્દ્ર ધોળકિયા કહે છે, “રાજ્યની આવકના ૬ ટકા શિક્ષણ ઉપર ખર્ચ થવો જોઈએ પણ ગુજરાતમાં કદી શિક્ષણ પર બે ટકાથી વધુ ખર્ચ થયો નથી. અમારે આસિસ્ટન્ટ રિસર્ચર શોધવામાં બહુ તકલીફ પડે છે. બિલોરી કાચ લઈને રિસર્ચર શોધવા પડે છે. આજે ઘણા પીએચ.ડી થયેલા યુવાનોને અરજી પણ લખતાં નથી આવડતું કે નથી તેઓ સરખું કોમ્યુનિકેશન કરી શકતા!”

આપણે ત્યા રોજગાર કેમ ઉભો નથી થતો? આપણો દેશ મશીનરીમાં એટલો એડવાન્સ નથી કે ઓટોમેશન પર વધુ ભાર મુકે છતા નોકરીઓનું સર્જન કેમ નથી થતું? તેનાં જવાબમાં પ્રોફેસર ધોળકિયા ઉમેરે છે કે, આનું કારણ આપણા લેબર લો અને ફેક્ટરી એક્ટ ખાડે ગયેલા છે. લેબર લો અને ફેક્ટરી એક્ટને તાબે થઈને ફેક્ટરી ચલાવવી પોસાય તેમ નથી. લેબર રિફોર્મ થાય તો એમ્પ્લોયમેન્ટ વધે અને વસ્તુ સસ્તી થાય અને તો આંતરરાષ્ટ્રિય બજારમાં આપણે મજબુત સ્પર્ધક બનીએ.

આંદોલનોમાં બેરોજગારીની બળતરા!
આવી વાતો વચ્ચે પ્રશ્ન ઊઠે છે કે અનામત આંદોલનનાં મૂળમાં રાજ્યની અને દેશની ઉપેક્ષાને પગલે ઊભી થયેલી ભારે બેરોજગારી ભૂમિકા ભજવે છે કે શું? એક તરફ ઉદ્યોગોમાં ઓટોમેશન વધતું જઈ રહ્યું છે અને બીજી તરફ મંદીના માહોલમાં કોસ્ટ કટિંગના ભાગ રૂપે કંપનીઓ દ્વારા દર વર્ષે કરવામાં આવતી સ્ટાફની છટણીની વાતો સંભળાય છે. આ સ્થિતિમાં શિક્ષણ સંસ્થાઓમાંથી દર વર્ષે માર્કેટમાં ઠલવાતા લાખો યુવાઓનું શું? આવાં આંદોલનોમાં ક્યાંક બેરોજગારીની બળતરા આગ બનીને રસ્તા પર ઠલવાતી નહીં હોયને? આ બધા અકળાવતા પ્રશ્નો છે. આંકડાકીય વિગતોથી બેરોજગારીનું ચિત્ર સ્પષ્ટ કરીએ.

નોકરીવાંછુઓમાં સદંતર વધારો
ગુજરાતમાં ૭.૬૯ લાખ શિક્ષિતો મળીને કુલ ૮.૩૦ લાખ બેરોજગારો છે. દેશના ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાત રાજ્યમાં માર્ચ ૨૦૧૩માં તત્કાલીન શ્રમ અને રોજગાર મંત્રી સૌરભ પટેલે વિધાનસભામાં પુછાયેલા લેખિત પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી.

ગુજરાત સરકારના સોશિયલ ઇકોનોમિક રિવ્યૂમાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કુલ રોજગારીમાં માત્ર ૧.૧૮ ટકા હિસ્સો સરકારી ક્ષેત્રમાં જ્યારે ૯૮.૮૨ ટકા ખાનગી ક્ષેત્રમાં છે. રોજગારીમાં ૬૪.૯૨ ટકા નિમણૂક થયેલા કર્મચારીઓ છે જ્યારે ૩૫.૦૮ ટકા કૉન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ છે. ૩૧ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના લાઇવ રજિસ્ટરમાં કુલ ૭.૪૫ લાખ નોકરીવાંછુ નોંધાયેલા હતા. જેમાંથી ૪૯ હજાર અશિક્ષિત અને ૬.૯૬ લાખ શિક્ષિત ઉમેદવારો હતા.

નહીં નોંધાયેલા બેરોજગાર બમણાં
કચેરીના ચોપડે નહીં નોંધાયેલા બેરોજગારોનું પ્રમાણ બમણું પણ હોઈ શકે છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના એમ્પ્લોયમેન્ટ વિંગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર બી.વી.મોડિયા કહે છે, “નોંધણી નહીં કરાવનારા બેરોજગારોનું પ્રમાણ કેટલું હશે તે એક અનુમાનનો વિષય છે. પણ ભણી લીધા પછી બેરોજગારે શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધણી કરાવવાની હોય છે. ત્રણ વર્ષ સુધી બેરોજગાર રહેલા નાગરિકે નોંધણી રિન્યૂ કરાવવી પડે છે અન્યથા માનવામાં આવે છે કે તેમને રોજગારી મળી ગઈ છે.”

રોજગાર કચેરીની વાત બાજુએ મૂકીને ૨૦૧૧ની વસતીગણતરીના આંકડા તપાસીએ તો બેરોજગારીનું ચિત્ર વધુ સ્પષ્ટ થાય. એક પ્રમુખ અંગ્રેજી અખબાર દ્વારા આ આંકડાઓ કરાયેલા પૃથક્કરણ મુજબ ૨૦૧૧માં ૮.૪ કરોડ ભણેલા અને ૩.૨ કરોડ અભણ મળીને દેશના કુલ ૧૧.૬ કરોડ ભારતીયો નોકરીની શોધમાં હતા. તે વખતે કુલ ૬.૮ કરોડ સ્નાતક, અનુસ્નાતક અને ટેક્નિકલ ડિગ્રીધારીઓ પૈકી ૧ કરોડ બેરોજગાર હતા. ગ્રેજ્યુએટમાં કેરળમાં સૌથી ઊંચો ૩૦ ટકા બેરોજગારી દર હતો. ૨૦૦૧ની વસતીગણતરીમાં ૬.૮ ટકાનો બેરોજગારી દર હતો જે વધીને ૨૦૧૧માં ૯.૬ ટકા થયો હતો. આજના સંદર્ભમાં આ સ્થિતિ ચોક્કસપણે વધુ વિકરાળ બની હશે.

સમૃદ્ધ વર્ગમાં બેરોજગારીનું પ્રમાણ વધુ
નેશનલ સેમ્પલ સરવૅ ઓફિસે ૨૦૧૧-૧૨માં કરેલો સરવૅ ગત સપ્તાહે જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં રસપ્રદ હકીકત એ બહાર આવી છે કે ખ્રિસ્તીઓમાં ગ્રામિણ અને શહેરી બંને વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ અનુક્રમે ૪.૫ ટકા અને ૫.૯ ટકા હતું. આ અંગે સમજાવતાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટના ડાયરેક્ટર અલખ શર્મા કહે છે, ‘ભારતમાં બેરોજગારીનું પ્રમાણ સમૃદ્ધ અને વધુ ભણેલા વર્ગમાં સૌથી વધુ છે. તેનું કારણ એ છે કે ગરીબ લોકોને બેરોજગાર રહેવું પાલવે તેમ નથી એટલે ગમે તે પ્રકારનું કામ કરવા તૈયાર થઈ જાય છે. સમૃદ્ધ વર્ગનાં લોકોમાં યોગ્ય નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગાર રહેનારની સંખ્યા વધુ છે.

બેરોજગારીની સ્થિતિને સમજ્યા પછી હવે જરા ઉદ્યોગોની સ્થિતિ તપાસી લઈએ. આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર અનિલ ગુપ્તા કહે છે, “રોજગારી સર્જન મુખ્યત્વે એન્ટરપ્રિન્યોરશિપ, વ્યવસાયનું વિસ્તરણ, નવી સર્વિસ ઇન્ડસ્ટ્રી વગેરે પ્રાઇવેટ ઇનિશિએટિવમાંથી થઈ રહ્યું છે, એટલે તેમને પ્રોત્સાહન મળવું જોઈએ. વ્યવસાય શરૂ કરવામાં અને બંધ કરવામાં સરળતા હોવી જોઈએ. સરકારે નવી સ્ટાર્ટ-અપ પૉલિસીમાં આ વાત કહી છે પણ હજુ તેની અસર થઈ નથી. એક્સપોર્ટમાં મોટી કંપનીઓ કરતાં સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું યોગદાન ઘણું વધારે છે. એટલે યુરોપની માગ ઘટી તેની અસર આપણા સ્મૉલ સેક્ટર પર થઈ રહી છે. પરિણામે સ્મૉલ સેક્ટરમાં જે નોકરીઓ છે તેને ટકાવવાનું જ મુશ્કેલ બની રહ્યું છે એમાં નવા રોજગારનું સર્જન ક્યાંથી કરે?’

ઉદ્યોગોમાં થતી કર્મચારીઓની છટણી
એક્સપોર્ટમાં રાજ્યની ગ્રાઉન્ડ રિઆલિટી જોઈએ તો હીરા અને ઝવેરાત, કાપડ, મશીન ટૂલ્સ, વિલાયતી દવા વગેરેના એક્સપોર્ટમાં ગુજરાત ઘણુ અગ્રસર છે. હીરા વ્યવસાય સાથે લાખો રોજગારી સંકળાયેલી છે. સૌરાષ્ટ્રનો ઘણો વિસ્તાર હીરા વ્યવસાય ઉપર નભે છે. હીરા ઉદ્યોગ મોટેભાગે વિદેશમાંથી રફ હીરા આયાત કરીને, કટ અને પૉલિશ કરીને તેની નિકાસ કરે છે. હીરાની એપ્રિલ-૧૫થી જાન્યુ.૧૬ સુધીના ૯ મહિનાની નિકાસની સરખામણી વર્ષ ૨૦૧૪ના આ જ સમયગાળાના ૯ મહિના સાથે કરીએ તો એપ્રિલ ૨૦૧૪થી જાન્યુઆરી ૧૫ દરમિયાન ૧૧૬૩૬૦.૯૭ કરોડના કટ અને પૉલિશ્ડ હીરાની નિકાસ સામે વર્તમાન વર્ષના આ સમયગાળામાં ૧૦૨૭૬૫.૦૩ કરોડ રૂપિયાની કિંમતના હીરા એક્સપોર્ટ થયા હતા.

મતલબ કે તૈયાર હીરાની નિકાસમાં ૧૧.૬૮ ટકાનો ૧૬ હજાર કરોડનો ઘટાડો થયો હતો. બંને વર્ષના આ જ સમયગાળામાં સોનાના દાગીનાની નિકાસની વાત કરીએ તો ૨૦૧૪-૧૫ના વર્ષમાં સોનાના દાગીનાની ૩૩૮૧૪.૦૪ કરોડની નિકાસ સામે છેલ્લા ૯ મહિનામાં આ નિકાસ ઘટીને ૨૦૯૪૧.૯૪ થઈ છે. અર્થાત્ કે સોનાના દાગીનાની નિકાસમાં પણ ૧૩ હજાર કરોડનો ૩૮.૦૭ ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે.

આ સમયગાળામાં જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની કુલ આયાત ૨૨.૦૮ ટકા ઘટીને ૧૬૦૨૪૫.૭૦ કરોડમાંથી ૧૨૪૮૬૮.૯૭ કરોડ થઈ છે. જ્યારે નિકાસ ૮.૬૯ ટકા ઘટીને ૧૮૪૮૧૧.૪૩ કરોડમાંથી ૧૬૮૭૪૭.૮૮ કરોડ થઈ છે. આ સ્થિતિમાં આ ક્ષેત્રોમાં રોજગારીની નવી તક સર્જવાનું બાજુએ રહ્યું, કર્મચારીઓની છટણી થાય છે.

એ જ રીતે મશીન ટૂલ્સ ઉદ્યોગમાં જોઈએ તો ૨૦૧૫ના ગાર્ડનર બિઝનેસ મીડિયા સરવૅ પ્રમાણે મશીન ટૂલ્સના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ૧૪મા સ્થાને અને ઉપભોક્તામાં વિશ્વમાં ૧૦મા સ્થાને આવે છે. તેમાંથી ૨૫ ટકા ટર્નઓવર લાર્જ સ્કેલ સેક્ટરમાં અને ૭૦ ટકા સ્મોલ-મીડિયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરમાં થાય છે.

રાજ્યમાં મશીન ટૂલ્સના ઉદ્યોગનું રાજકોટ હબ છે. મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન આ ઉદ્યોગનું રાજ્યનું એકમાત્ર સંગઠન છે. શાપર, રાજકોટમાં લેથ મશીનના ઉત્પાદનનું એકમ ધરાવતા અને આ એસોસિયેશનના પ્રમુખ દિનેશભાઈ ખંભાયતા કહે છે, “વર્ષ ૨૦૧૪-૧૫માં મશીન ટૂલ્સમાં ૧૨૦૦ કરોડનું ટર્નઓવર થયું હતું જેમાં ૨૦૧૫-૧૬ના વર્ષમાં ૩૦થી ૪૦ ટકા જેટલો ઘટાડો થઈને ટર્નઓવર ૯૦૦ કરોડ જેટલું રહેવાનો અંદાજ છે. અમારાં સાધનો કેપિટલ ગુડ્સમાં આવતાં હોઈ મંદીના સમયમાં વધારાના એકમો લગાવવાનું ટાળે છે જેની સીધી અસર અમારા ધંધા પર પડે છે.”

મંદીની અસર પણ જવાબદાર
ગુજરાતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રની હાલત ઘણી ખરાબ છે. મકાનો વેચાતાં નથી એટલે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુ મોટા વર્ગ માથે આફત છે. કૃષિમાં કપાસના ઉત્પાદનમાં આ વર્ષે ૧૫ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષના ૧૦૮ લાખ બેલ્સ કપાસ સામે આ વર્ષે ૯૦ લાખ બેલ્સ ઉત્પાદનનો અંદાજ સેવાઈ રહ્યો છે. ફાર્મા સેક્ટરમાં ગ્રોથ થઈ રહ્યો છે પણ આ સેક્ટરમાં ગ્રોથ વધવાથી બહુ રોજગારી વધતી નથી. એક કાળે દેશના જીડીપીમાં કૃષિનો ફાળો ૫૦ ટકા સુધીનો હતો. જે આજે ઘટીને સાવ મામૂલી થઈ ગયો છે. છતાં ગુજરાત અને કેરળને બાદ કરતા કૃષિમાં રોજગારીનું પ્રમાણ નથી ઘટ્યું. અનિલ ગુપ્તા કહે છે, “અહીં મહત્ત્વનો સવાલ એ છે કે ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, બાયો ટેક્નોલોજી બધા માટે વેન્ચર ફંડ છે, એગ્રીકલ્ચર માટે વેન્ચર ફંડ કેમ નથી?”

આર્થિક સમીકરણોની સમીક્ષા કર્યા પછી હવે જરા સોશિયો-ઇકોનોમિક સ્થિતિ પણ જાણીએ. સૌ પ્રથમ રાજ્યની વસતીનું ગણિત સમજીએ તો ૧ માર્ચ, ૨૦૧૧ના રોજ ૩.૧૫ કરોડ પુરુષ અને ૨.૮૯ કરોડ સ્ત્રીઓ સાથે ગુજરાતની વસતી ૬.૦૪ કરોડ હતી. ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં વસતીનો છેલ્લાં ૫૦ વર્ષનો ચાર્ટ જોઈએ તો ૧૯૬૧માં રાજ્યમાં ગ્રામિણ વસતી ૧.૫૩ કરોડની સામે શહેરી વસતી તેના ત્રીજા ભાગની એટલે કે માત્ર ૫૩ લાખ હતી. ક્રમશઃ શહેરોમાં વસતીવધારાની ટકાવારી વધતી ગઈ અને ગામડાઓમાં ઘટતી ગઈ. પરિણામ એ આવ્યું કે ૨૦૧૧માં ગ્રામિણ વસતી ૩.૪૭ કરોડ અને શહેરી વસતી ૨.૫૭ કરોડ હતી. આ ૫૦ વર્ષોમાં ગ્રામિણ વસતી બમણી થઈ જ્યારે શહેરી વસતીમાં પાંચ ગણો વધારો થયો છે.

છેલ્લા પાંચ દાયકા દરમિયાન વારસાઈમાં જમીનના ટુકડા થતા ગયા. ૫૦ વર્ષ પહેલાં જે સમૃદ્ધ ખેડૂતની પાસે ૩૦૦ વીઘા જમીન હતી તેમના વારસ પાસે ભાગ પડતા આજે માંડ ૩૦ વીઘા જમીન બચી છે. આમ, ગામડાંઓ રોજગારી માટે શહેર તરફ હિજરત કરવા લાગ્યાં. આઝાદીકાળથી આજપર્યંત ગામડાંઓને સક્ષમ બનાવવા માટે, શહેર તરફની તેમની હિજરત અટકાવવા માટે કોઈ નક્કર પ્રયત્નો થયા નથી કે ન તો શહેરો આગંતુકોને પોતાના ઉદરમાં સમાવી શકે તેવા સક્ષમ બનાવવાની દિશામાં પ્રયત્નો થયા.

નોકરીઓનું સર્જનની જવાબદારી સરકારની
આ મુદ્દે અર્થશાસ્ત્રનાં પ્રોફેસર અને સેન્ટર ફોર સસ્ટેનેબલ અલ્ટરનેટિવ્ઝનાં ડાયરેક્ટર ડૉ. ઈન્દિરા હિરવે સટિક કહે છે, “આવાં અનામતનાં આંદોલનોમાં બેરોજગારી પણ મહત્ત્વનો રોલ ભજવે છે. જોકે અનામતમાં આજની બેરોજગારીની સમસ્યામાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. એ માટેનો સૌથી સટિક રસ્તો એ છે કે સરકાર એટલી નોકરીઓનું સર્જન કરે કે બધાંને કામ મળી રહે.

આજે તક નથી મળતી એ મોટો પ્રશ્ન છે. વિકાસનું યોગ્ય મૉડલ અપનાવીને આજે યુવા બેરોજગારીનો પ્રશ્ન નિવારી શક્યા હોત. આપણે વિકાસ કરી રહ્યા છીએ તેમાં રોજગારીનું બહુ સર્જન થતું જ નથી. આપણા વૃદ્ધિદરના મૉડલમાં ફેરફાર કરવાની જરૂર છે, આવકના વધારાને બદલે સરકારે રોજગારી વધે તે પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ માટે વધુ રોજગારી વાળા ઉદ્યોગો ઊભા કરવા જોઈએ.”

ઇન્ટરનેશનલ લિબરેશન ઓર્ગેનાઇઝેશન-આઇએલઓ કહે છે કે કોઈ પણ દેશે કેટલો વિકાસ કર્યો તેને તેના આર્થિક વિકાસદરથી ન માપો પણ તેમણે કેટલી પ્રોડક્ટિવ રોજગારી પેદા કરી તેના આધારે માપો અને તો જ એ દેશે સારું કર્યું એમ કહેવાય. જોકે આઈએલઓનું કોઈ માનતું નથી. બીજી તરફ આઈએમએફ અને વર્લ્ડ બેંકનો નાણાં ઉપર અંકુશ છે અને તેમની પૉલિસી છે કે ગ્રોથ કરો તો બધા પ્રશ્નોનું નિરાકરણ આવશે. પ્રોફેસર હિરવે કહે છે કે આર્થિક વૃદ્ધિથી બધું પ્રાપ્ત થઈ શકશે તેવી ભ્રમણામાંથી આપણે બને તેટલા જલ્દી નીકળવાની જરૂર છે.

નોકરીનું વધુ સર્જન થાય તેવા ક્ષેત્રનું ઉદાહરણ લઈએ તો હાલના વિકાસની પ્રક્રિયામાં પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું છે. વન ઉજ્જડ થયાં, જમીન બગડી ગઈ, પાણી દૂષિત થઈ ગયાં અને પાણીની અછત ઊભી થઈ… વગેરે. હવે ધારો કે સરકાર પર્યાવરણમાં રોકાણ કરે, જંગલોની સંભાળ લે, જમીન સુધારે, જળસંગ્રહ માટે કામ કરે તો રોજગારીની ઘણી સમસ્યા હલ થાય.

આજે દેશની ૫૦ ટકા વસતી ખેતીમાંથી રોજગારી મેળવે છે પણ ખેતી કરવાનું દિવસે દિવસે વધુ મુશ્કેલ થતું જઈ રહ્યું છે. રોકાણ, જમીન, પાણી, વીજળી, દવા, બિયારણના ઘણા પ્રશ્નો છે. એ તરફ આપણે ધ્યાન આપ્યંુ નથી. પર્યાવરણની સંભાળ લો તો ખેતી સાથે સંકળાયેલી દેશની ૫૦ ટકા વસતીનાં ઘરોમાં સમૃદ્ધિ આવશે.

વર્કિંગ પુઅરમાં પણ વધારો
ડૉ. હિરવે વર્કિંગ પુઅરની વિભાવના વિશે કહે છે, “આપણે ત્યાં ઇન્ફોર્મલ એમ્પ્લોયમેન્ટ સૌથી વધુ છે. ઓછાં વેતન, સામાજિક સુરક્ષા નહીં, રોજગારીની અનિશ્ચિતતા, બધા પ્રકારની અસુરક્ષા વગેરે તેમની સાથે જોડાયેલાં છે. આપણે ત્યાં શેરીઓમાં કોઈ બેરોજગાર દેખાતું નથી પણ કામ કરતાં ગરીબો બહુ વધારે છે. આજે ૪૦ ટકા વર્કિંગ પુઅર છે. એટલે કે કામ કરીને મરી જનારા લોકોને પૂરતું વળતર મળતું નથી. લઘુતમ વેતન, સમાન વેતન, માઇગ્રેશન વર્કર વગેરે માટેના મજૂર કાયદા તો છે પણ તેનો અમલ થતો નથી.

સરકાર કાયદાઓનો અમલ કરાવવાની ઇચ્છાશક્તિ બતાવે તો વર્કિંગ પુઅરની સંખ્યા તરત જ ઓછી થઈ શકે. તો બજારમાં ખરીદશક્તિ ઊભી થાય અને તે માટેના નવા ઉદ્યોગો ઊભા થાય. વસ્તુઓની માગ વધતા ઉત્પાદન વધશે અને તો ઉત્પાદન વધારતાં નવી રોજગારી ઊભી થશે. આજે ગુજરાતમાં ઇન્ફોર્મલ સેક્ટરમાં ૯૦ ટકા ઉપર લોકો કામ કરે છે. પ્રોડક્ટિવ રોજગારી વધારવાની આજે તાતી જરૂરત છે. ચીન આ કરી શક્યંુ છે. ચીને આવકના વધારાને બદલે સરકારે રોજગારીના વધારા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું તેથી ઇન્ટેન્સિવ ગ્રોથ મેળવી શક્યું છે. પરિણામે ચીનમાં એક જ જનરેશનમાં ગરીબી ઘટીને ચોથા ભાગની થઈ ગઈ. બ્રાઝિલમાં સોશિયલ પ્રોટેક્શન ઉપર ધ્યાન અપાયું છે.”

વિકાસની વાતો વચ્ચે વર્તમાન ભારતની સ્થિતિ તપાસીએ તો દેશમાં ૩૦ ટકા જેટલા બીપીએલ પરિવારો છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીએ આપેલા નવા વિચાર ‘મલ્ટિ ડાયમેન્શનલ પોવર્ટી’ મુજબ જોઈએ તો ભારતમાં ગરીબીનો દર ૫૦ ટકાથી વધુ છે.

સેવા કરતો સમાજ સત્તામાં આવી રહ્યો છે
પ્રોફેસર અનિલ ગુપ્તા અનામત આંદોલનનું બીજુ પાસું ઉજાગર કરતાં કહે છે કે, “ગુજરાતના પાટીદારોની જેમ હરિયાણામાં જાટ સમાજ રાજ્યની ૪૦થી ૬૦ ટકા નોકરીઓમાં હિસ્સો ધરાવે છે. આવો જ સમૃદ્ધ આંધ્રપ્રદેશનો કપ્પુ સમુદાય પણ હવે અનામત મેળવવા આંદોલને ચડ્યો છે. પછાત જાતિના છોકરાઓ ટેલેન્ટના જોરે ઉપર આવી રહ્યા છે તે આવા પ્રભાવક સમાજથી સહન નથી થતું. જે વર્ગ અત્યાર સુધી સેવા કરતો હતો તે હવે સત્તામાં આવતો થયો તે સહન નથી થતંુ સમાજ પર આધિપત્ય ધરાવતી જ્ઞાતિઓથી. એમને રોકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એક રીતે જોવા જઈએ તો અત્યારે સંક્રાંતિકાળ છે અને ક્રાંતિ જ્યારે થાય છે ત્યારે તકલીફ તો આપે છે.

આર્થિક સમૃદ્ધિ પછી સંપત્તિની સાથે સ્ટેટસની પણ તૃષ્ણા જાગે છે. સરકારી નોકરીનો મોહ એ તૃષ્ણાનું કારણ છે. નોકરશાહી ફરીથી હાવી ન થવી જોઈએ. અલબત્ત, સરકારે નોકરશાહીને ઘણી નિયંત્રિત કરી છે. અનામતનો સંબંધ સરકારી નોકરીના સ્ટેટસ સાથે પણ છે. યુવાઓના મનમાં એવું છે કે નોકરશાહી એટલે કે સરકારી નોકરી જ સૌથી ઉત્તમ છે અને આ માન્યતા બદલવી જરૂરી છે.

તલાટી, સબ-ઇન્સ્પેક્ટર સહિતની નોકરીમાં રુશવતનો અધધ … રેટ જોતાં સમજાય છે કે લોકો સરકારી નોકરીને સ્ટેટસ સાથે જોડે છે. નહીંતર શા માટે તલાટી બનવા માટે ૧૦ લાખ સુધી અને પોલીસ ઇન્સ્પેક્ટર બનવા માટે ૩૦ લાખ સુધીની રુશવત અપાય?

આમ, હાલમાં ઊઠી રહેલાં અનામત આંદોલનોના ગર્ભમાં બે બાબત સમાયેલી હોવાનું પ્રતિબિંબિત થાય છે. એક તો એ કે અન્ય સમાજ ઉપર પોતાનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે તે શાસક સમાજથી સહન નથી થતું અને બીજું, આવાં આંદોલન થકી રસ્તા પર વિપુલ માત્રામાં બેરોજગારોનો આક્રોશ બહાર આવે છે. આખરે આક્રોશને બહાર આવવા ક્યાંક તો જગ્યા જોઈએને.!

એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે…
એક સમય હતો કે મેટ્રિક ભણેલી વ્યક્તિને શિક્ષકની નોકરી મળી જતી હતી. સમય જતાં શિક્ષક બનવાની લઘુતમ લાયકાત પી.ટી.સી. થઈ. પછી બી.એડ. થયું. પછી બી.એડ.નો અભ્યાસ ૧ વર્ષને બદલે ૨ વર્ષનો કરાયો. પછી બી.એડ. પણ પૂરતું નહીં ગણાતા, ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ આવી. આમ કરવા પાછળનું વલણ એ હોઈ શકે કે યુવાનોને ભણવામાં વ્યસ્ત રાખવા જેથી નોકરી આપવાનું બને તેટલું પાછળ ઠેલી શકાય. અથવા શિક્ષકને સક્ષમ બનાવી શિક્ષણનો સ્તર સુધારવો. જોકે શિક્ષણ તો ઊલટાનું પહેલાં કરતાં કથળ્યું હોવાનું સંભળાય છે અને આજે સ્થિતિ એ થઈ છે કે પટાવાળાની ભરતીમાં પીએચ.ડી ભણેલાઓ અરજી કરે છે.

વ્યવસાય શરૂ કરવામાં સરળતા હોવી જોઈએ
રોજગારી સર્જન એન્ટરપ્રિન્યોરશિપ, વ્યવસાયનું વિસ્તરણ, નવી સર્વિસ ઇન્ડસ્ટ્રી વગેરે પ્રાઇવેટ ઇનિશિયેટિવમાંથી થઈ રહ્યું છે એટલે તેમને પ્રોત્સાહન મળવું જોઈએ. વ્યવસાય શરૂ કરવામાં અને બંધ કરવામાં સરળતા હોવી જોઈએ. સરકારે નવી સ્ટાર્ટ-અપ પૉલિસીમાં આ વાત કહી છે પણ હજુ તેની અસર થઈ નથી.
અનિલ ગુપ્તા પ્રોફેસર, આઈઆઈએમ-અમદાવાદ

વ્યવસાય શરૂ કરવામાં સરળતા હોવી જોઈએ
આવાં અનામતનાં આંદોલનોમાં બેરોજગારી પણ મહત્ત્વનો રોલ ભજવે છે. જોકે અનામતમાં આજની બેરોજગારીની સમસ્યામાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી. એ માટેનો સૌથી સીધો રસ્તો તો એ છે કે સરકાર એટલી નોકરીઓનું સર્જન કરે કે બધાને કામ મળી રહે. આજે તક નથી મળતી એ મોટો પ્રશ્ન છે.
ડો. ઈન્દિરા હિરવે, ડાયરેક્ટર, સેન્ટર ફોર સસ્ટેનેબલ અલ્ટરનેટિવ્ઝ

અમારે આસિસ્ટન્ટ રિસર્ચર શોધવામાં બહુ તકલીફ પડે છે. બિલોરી કાચ લઈને રિસર્ચર શોધવા પડે છે. આજે પીએચ.ડી થયેલા ઘણા યુવાનોને અરજી પણ લખતા નથી આવડતું કે નથી તેઓ સરખું કૉમ્યુનિકેશન કરી શકતા !
પ્રો. રવીન્દ્ર ધોળકિયા, પ્રોફેસર અર્થશાસ્ત્ર વિભાગ, આઈઆઈએમ-અમદાવાદ

હિંમત કાતરિયા

You might also like
728_90