મરાઠા આંદોલન તેજઃ આવતી કાલે જેલ ભરો અને ૯ ઓગસ્ટે જંગી રેલી

મુંબઇ: નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે અનામતની માગણી કરી રહેલા મરાઠા સંગઠનોએ આવતી કાલે રાજ્યભરમાં જેલ ભરો આંદોલન કરવાની જાહેરાત કરી છે અને સાથે સાથે ૯ ઓગસ્ટે પોતાની માગણીના સમર્થનમાં મુંબઇમાં એક જંગી રેલીનું આયોજન કર્યું છે.

આ દરમિયાન મરાઠા અનામતના મુદ્દે બંધ દરમિયાન સોલાપુરમાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ થઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે મરાઠા ક્રાંતિ મોરચા અને સકળ મરાઠા સમાજ સહિત કેટલાંય મુખ્ય મરાઠા સંગઠનોએ સોલાપુર બંધનું એલાન આપ્યું હતું.

દરમિયાન સોલાપુરમાં મેઇન રોડ પર પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણો થઇ હતી. મરાઠા મોરચાના નેતા વિનોદ પોખરકરે જણાવ્યું હતું કે અમે ૯ ઓગસ્ટના રોજ ઓગસ્ટ ક્રાંતિ દિને મુંબઇમાં જંગી રેલી યોજીને સરકારને અમારી તાકાત બતાવી દઇશું.

દરમિયાન શિવસેનાએ જણાવ્યું છે કે સરકારે રાજ્ય પછાત આયોગના રિપોર્ટની રાહ જોવાના બદલે મરાઠા સમુદાયને અનામત આપી દેવી જોઇએ. પોતાના પક્ષના ધારાસભ્યો સાથે એક બેઠક યોજ્યા બાદ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે એસસી, એસટી અને ઓબીસી માટે વર્તમાન અનામતને સ્પર્શ્યા વગર શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને વધારાની અનામત આપી દેવી જોઇએ.

આ માટે શિવસેનાએ એવી માગણી કરી છે કે જરૂર પડે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવું જોઇએ. આંદોલન દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસે પોતાના વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યોની બેઠક બાદ રાજ્યપાલ વિદ્યાસાગર રાવને આવેદનપત્ર સોંપ્યું હતું કે તેઓ મરાઠા અનામત આંદોલનની બાબતમાં દરમિયાનગીરી કરે.

કોંગ્રેસે મરાઠા સમુદાયને ૧૬ ટકા અનામત આપવાની માગણી કરી છે. મરાઠા સમુદાયની મુખ્ય માગણી એ છે કે મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસ્તી ૩૩ ટકા એટલે કે ચાર કરોડ છે. મરાઠા સમુદાય ૧૬ ટકા અનામતની માગણી કરી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ૭ર,૦૦૦ની મેગા ભરતી પર રોક લગાવવાની માગણી મરાઠા સમુદાયે કરી છે. અનામત માટે મરાઠાઓનું આંદોલન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું છે. આ આંદોલનનું નેતૃત્વ મરાાઠા ક્રાંતિ મોરચાએ સંભાળ્યું છે. ઔરંગાબાદમાં એક યુવાનની નદીમાં કૂદીને આત્મહત્યા બાદ આંદોલન વધુ હિંસક થઇ ગયું હતું. મુંબઇ, નવી મુંબઇ, થાણે, પુણે, ઔરંગાબાદ, નાસિક, પરભણી સહિતના કેટલાય વિસ્તારોમાં હિંસક દેખાવો થયા હતા.

You might also like