મોહન ભાગવતનો યુ ટર્નઃ સામાજિક ભેદભાવ હશે ત્યાં સુધી અનામત રહેશે

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય બાદ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે અનામતના મુદ્દે યુ ટર્ન લીધો છે. ચૂંટણી માહોલમાં અનામતની સમીક્ષા કરવાની વાત કરીને વિવાદ છેડનારા મોહન ભાગવતે હવે એવું જણાવ્યું છે કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ રહેશે ત્યાં સુધી અનામતને નાબૂદ કરવી શકય નથી. ભાગવતે જણાવ્યું છે કે જ્યાં સુધી સામાજિક અસમાનતા રહેશે ત્યાં સુધી અનામત રહેશે.

નાગપુર ખાતે એક કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે પોતાના અગાઉના નિવેદન પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સંઘનું માનવું છે કે જયાં સુધી સામાજિક ભેદભાવ છે ત્યાં સુધી અનામત વ્યવસ્થા ચાલુ રહેશે. જે દિવસે સામાજિક ભેદભાવ દૂર થઇ જશે અને જે દિવસે સામાજિક ભેદભાવથી પીડિત લોકો સ્વયં આવું કહેશે એ દિવસે અનામત દૂર થઇ જશે.

સંઘ પ્રમુખે અનામત નાબૂદ કરવાની માગણી કરનારાને કહ્યું છે કે હજારો વર્ષથી વંચિત વર્ગે ભેદભાવ સહન કર્યા છે તો શું આપણે સો વર્ષ અનામતની વ્યવસ્થાને સહન ન કરી શકીએ? તેમણે જણાવ્યું હતું કે જાતિ ભેદને કારણે ભારતીય સમાજમાં રીતસરના ભાગલા પડી ગયા છે. જે સમાજમાં સામાજિક ક્ષમતા ન હોય તે કયારેય પ્રગતિ કરી શકે નહીં.

You might also like