અનામતની આગમાં હજુ કેટલાં હોમાશે?

ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન સંદર્ભે સુખદ સમાધાન થાય તે માટે સરકાર દ્વારા અલગઅલગ સ્તરે સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે. એક તરફ સમાધાનના પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે ત્યારે બીજી તરફ આંદોલનની આગ ફરીથી પ્રજ્વલ્લિત બની રહી છે. અનામતની આગમાં સૌરાષ્ટ્રના વધુ એક યુવકે જીવ દઈ દીધાની ઘટનાએ પાટીદાર સમાજ સહિત સરકારને પણ સ્તબ્ધ કરી દીધી છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાંથી જ અનામત મામલે બે યુવાનોએ આપઘાત કરી લેતાં આંદોલન સંદર્ભનો મૃત્યુઆંક ૧૧ થયો છે ત્યારે સૌ એક જ સવાલ કરી રહ્યાં છે કે અનામત આંદોલનમાં હજુ કેટલાં લોકો હોમાશે?

સમાધાનની પ્રક્રિયા વચ્ચે વધતો આક્રોશ
ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ આંદોલન સંદર્ભે કોઈ સમાધાનકારી માર્ગ કાઢવા સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનો પર ભરોસો રાખીને આગળ વધી રહ્યાં છે. સિદસર મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ જેરામભાઈ પટેલે સરકાર અને જેલમાં બંધ પાટીદાર અનામત આંદોલન ‘પાસ’ના કન્વીનર હાર્દિકની ટીમ વચ્ચે સેતુ બનવાના પ્રયાસો કર્યા હતા પણ ધારી સફળતા મળી ન હતી. આથી સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને પાટીદાર સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાને સરકારે મેદાનમાં ઉતાર્યા છે. જોકે સૌરાષ્ટ્રના પાટીદાર યુવાનોમાં અનામતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ર૪ ફેબ્રુઆરીએ સિદસરથી નીકળેલી પાટીદાર એકતાયાત્રામાં ઠેરઠેર હજારો લોકો ઉમટી રહ્યાં છે. આ યાત્રાથી અનામતની માગ બળવત્તર બની રહી છે.

યુવાનોની ધીરજ ખૂટી રહી છે
જોકે અનામત મુદ્દે કોઈ યોગ્ય માર્ગ નીકળતાં હવે પાટીદાર યુવાનો સહનશીલતા ગુમાવી રહ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્રીજી માર્ચે ધોરાજીના બજરંગ ગેસ્ટહાઉસમાં મૂળ મોટી પાનેલીના ૩પ વર્ષીય યુવાન પ્રકાશ શાણીએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી હતી. આ યુવાને પોતાની સ્યૂસાઈડ નોટમાં અનામત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો એટલંુ જ નહીં ‘સરકારને સમજણ આવે તે માટે હું જીવ દઉં છું અને સરકાર વહેલી તકે અનામત આપે નહીંતર કેટલાયના બલિ ચડશે?’ એવો આક્રોશ પણ કાગળમાં ઉતાર્યો હતો.

તેણે પોતાના પરિવાર અને ‘પાસ’ના સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર લલિત વસોયાને સંબોધીને પણ સ્યૂસાઈડ નોટ લખી હતી. મૃતક યુવાન લલિત વસોયાના સાળા પણ થાય છે. પાનેલીના આ યુવાનની અંતિમયાત્રા નીકળી ત્યારે આખા ગામે શોકમય બંધ પાળ્યો હતો. સ્મશાનયાત્રામાં સામેલ મહિલાઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

પાનેલીના આ યુવાનના મૃત્યુના સમાચારની શાહી પણ હજુ સુકાઈ નથી ત્યાં છઠ્ઠી માર્ચે જેતપુર પાસેના જેતલસરના બાવન વર્ષના હેમંતભાઈ ઠુંમરે તેમની વાડીમાં ઝેરી દવા પી લઈ આપઘાત કર્યાની ઘટના બની હતી. જોકે પોલીસને આ આધેડની લાશ પાસેથી સ્યૂસાઈડ નોટના ટુકડા મળ્યા એટલે તેમને અનામત આંદોલનમાં જાન દીધો હોવા અંગે પોલીસે શંકા વ્યક્ત કરી છે, પરંતુ અનામત આંદોલનના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, હેમંતભાઈનુુ મોત પણ અનામતની માગને કારણે જ થયું છે. પોલીસ આ આપઘાતનું કારણ જાહેર કરે. હેમંતભાઈની અંતિમયાત્રા વખતે પણ જેતલસરે સંપૂર્ણ શોકમય બંધ પાળ્યો હતો.

યુવાનો આત્મઘાતી પગલું ના ભરે
પાટીદાર સમાજના આગેવાનોએ અનામત મુદ્દે કોઈ આત્મઘાતી પગલું ન ભરવા વિનંતિ કરી છે. આ અંગે લલિત વસોયા કહે છે, “કોઈ પણ યુવાનોએ નિરાશ થઈને એવું પગલું ન ભરવું જોઈએ કે જેથી તેમના પરિવારને દુઃખ સહન કરવાની નોબત આવે. આપઘાતનું પગલું કોઈ પણ રીતે યોગ્ય નથી અને એ કોઈ વિકલ્પ પણ નથી.

નકસલવાદ તરફ વળવાની ચીમકી
પ્રકાશના આપઘાતની ઘટના બાદ લલિત વસોયાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં તેમણે એવી ચીમકી ઉચ્ચારી હતી કે જે યુવાનો જીવ દઈ શકે છે તે જીવ લઈ પણ શકે છે અને જો સરકાર અનામત અંગે નિર્ણય નહીં કરે તો યુવાનો નકસલવાદ તરફ વળશે અને આ સ્થિતિ માટે સરકાર જવાબદાર હશે.”

પાટીદાર એકતાયાત્રાથી અનામતની માગ ફરીથી બળવત્તર બની રહી છે ત્યારે બે પાટીદારોનાં આપઘાતથી પણ આક્રોશ ફેલાયો છે. જોકે સૌરાષ્ટ્રના જ કેટલાંક આગેવાનો દ્વારા અનામત મામલે સમાધાનના પ્રયાસ પણ હાથ ધરાયા છે. હવે વધુ ભોગ લેવાય તે પહેલાં તેનું સુખદ સમાધાન થાય તે જરૂરી છે.

દેવેન્દ્ર જાની

You might also like