પ્રજાસત્તાક દિન પૂર્વે ખૌફનાક અાતંકી હુમલાની દહેશત

નવી દિલ્હી: ૨૬ જાન્યુઆરી-પ્રજાસત્તાકદિન પૂર્વે આતંકીઓ દેશના કોઈ પણ એરપોર્ટને નિશાન બનાવી શકે છે. પાટનગર નવી દિલ્હી સહિત દેશનાં અન્ય મહાનગરો અને શહેરોમાં આતંકીઓ વિસ્ફોટ કરીને જાનમાલને નુકસાન પહોંચાડી શકે છે.

ઈન્ટેલિજન્સ બ્યૂરો સહિત અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત દેશનાં તમામ એરપોર્ટ પર સુરક્ષાવ્યવસ્થા જડબેસલાક બનાવવા આદેશ જારી કરાયા છે. વિવિધ રાજ્યના પોલીસતંત્રને પણ સતર્ક રહેવા આદેશ કરાયા છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી એલર્ટ બાદ પ્રજાસત્તાકદિન સમારોહને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે કડક સુરક્ષા જાપ્તો ગોઠવવા વ્યાપક તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસના મોટા અધિકારીઓની સુરક્ષા એજન્સીઓ સાથે બેઠકો શરૂ થઈ ગઈ છે અને કડક સુરક્ષા જપ્તો ગોઠવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજપથ પાછળના વિસ્તારોમાં કેટલાક દિવસથી ખૂણે ખૂણે અર્ધલશ્કરી દળો તહેનાત કરી દેવામાં આવ્યાં છે. અર્ધલશ્કરી દળો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યાં છે.

સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે કે આતંકીઓ કોઈ પશુ કે માણસના શરીરમાં વિસ્ફોટક છુપાવીને એરપોર્ટ અને ભીડભાડવાળા પોશ વિસ્તાર, બજાર, મોલ તથા મોટી હોટલ, મેટ્રો રેલ અને ટ્રેનમાં બ્લાસ્ટ કરીને પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપી શકે છે. એલર્ટમાં એવું પણ જણાવાયું છે કે ત્રાસવાદીઓ પરફ્યૂમની બોટલમાં તેમજ કમ્પ્યૂટર સ્કેનરની અંદર વિસ્ફોટક છુપાવીને બોમ્બ બ્લાસ્ટ કરી શકે છે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા, આઈએસઆઈએસ અને અલ કાયદા જેવાં આતંકી સંગઠનો એર એમ્બ્યુલન્સ અને ચાર્ટર પ્લેનનું બુકિંગ કરાવીને તેના દ્વારા પણ હુમલા કરી શકે છે.

http://sambhaavnews.com/

You might also like