જનપ્રતિનિધિઓ પ્રજાનો અવાજ બનેઃ ભરતસિંહ

ગાંધીનગર: રાજ્યની જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાનો અવાજ બનવાની તેમજ જિલ્લા દીઠ મોનિટરિંગ સમિતિની રચના કરાશે તેમજ જનપ્રતિનિધિઓને તાલીમ પણ અપાશે તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રદેશ કક્ષાના હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખોની બેઠકને સંબોધતાં જણાવ્યું હતું.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ર૪ જિલ્લા પંચાયત અને ૧૩૪ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયા બાદ આજે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો અને નિરીક્ષકોની એક મહત્ત્વપૂર્ણ બેઠક પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને અને વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બેઠકમાં ભરતસિંહ સોલંકીએ જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જીત અપાવવા બદલ જનતાનો આભાર વ્યક્ત કરીને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રજાનો અવાજ બનવાની સૂચના આપી હતી.

સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જનતાનું કાર્ય કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવા માટે દરેક જિલ્લામાં પક્ષના આગેવાનોની મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવશે. વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ખેડૂતોની સુખાકારી તેમજ ગરીબો અને વંચિતોની યોજનાના અસરકારક અમલ કરવા માટે કામ કરવું પડશે.  આ પ્રસંગે પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલે વધુમાં વધુ લોકોને કોંગ્રેસ સંગઠનમાં જોડવામાર્ગદર્શન આપ્યું હતું.

You might also like