નારોલ ચાર રસ્તા પર મેનહોલ રિપેરિંગ પાછળ ૨૭ લાખથી વધુનો ધુમાડો

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌથી ભ્રષ્ટ ગણાતા વિભાગમાં ઈજનેર વિભાગ અવલ નંબરે આવે છે. હજુ બે દિવસ પહેલાં કમિશનર મૂકેશકુમારે રોડનાં કામોમાં ભ્રષ્ટાચારના મામલે ૨૬ ટોચના ઈજનેરોને શો કોઝ નોટિસ ફટકારીને ઈજનેર વિભાગ સામે લાલ આંખ કરી છે. ઈજનેર વિભાગમાં ખાયકીનું સ્તર એટલી હદે વધ્યું છે કે સામાન્ય ડ્રેનેજ લાઈનનાં મેનહોલના રિપેરિંગ પાછળ રૂ. ૨૭ લાખથી વધુનો ધુમાડો કરાયો છે.

દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડમાં આવેલા નારોલ ચાર રસ્તા પર લાંભા અને ઈસનપુર તરફથી આવતી અને પીરાણા સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જતી ૧૬૦૦ તેમજ ૯૦૦ એમએમ વ્યાસની મેઈન ટ્રંક ડ્રેનેજ લાઈનના મેનહોલ તૂટી ગયાં હતાં. પરંતુ આ કામ માટે ટેન્ડર કે શોર્ટ ટેન્ડર મંગાવવાને બદલે દક્ષિણ ઝોનના ઈજનેર વિભાગે આગામી ચોમાસા આડે છ મહિનાની વાર હોવા છતાં ચોમાસાનાં બહાનાં હેઠળ નવેસરથી મેનહોલ અને તેને લગતી આનુષાંગિક કામગીરી કરાવવા કવોટેશન મગાવ્યા હતા અને તંત્રને મળેલા ક્વોટેશનના આધારે સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટર લક્ષ્મી બિલ્ડર્સના રૂ.૨૭.૧૨ લાખના ક્વોટેશનને મંજૂરી આપી દીધી હતી.

આ કોટેશન આધારિત રૂ.૨૭.૬૬ લાખના અંદાજને પણ તંત્રે લીલી ઝંડી આપી હતી. દક્ષિણ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા લાંભા વોર્ડમાં આવેલા અઝિજ પાર્ક પાસેના નવાણા પમ્પિંગ સ્ટેશનમાં જતી ડ્રેનેજ લાઈન ઉપર મેનહોલનું બ્રેકડાઉન થતાં આ કામ પણ ચાલાકીપૂર્વક ચેપ્ટર પાંચ અને રૂલ-બે મુજબ ફક્ત કોટેશન આધારિત કરાયું હતું. આમાં પણ લક્ષ્મી બિલ્ડર્સના રૂ.૧૧.૮૨ લાખના કોટેશનને મંજૂર કરાવીને ઉતાવળે કામ આટોપી લેવાયું હતું.

You might also like