સરકારી કર્મચારીઓ માટે હવે ટૂંક સમયમાં ‘Rent to own’ સ્કીમ

નવી દિલ્હી:અત્યાર સુધી સરકારી કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન સરકારી ફ્લેટ કે ક્વાર્ટરમાં રહેતા હોય છે, પરંતુ નિવૃત્ત થયા બાદ તેમણે સરકારી રહેણાકો ખાલી કરવા પડે છે, પરંતુ હવે આવું થશે નહીં. મોદી સરકાર એક એવી યોજના લાવી રહી છે જેના હેઠળ સરકારી કર્મચારી નિર્ધારિત સમય સુધી નિયત ભાડું ચૂકવીને સરકારી ક્વાર્ટરમાં રહી શકશે અને ત્યાર બાદ આ ક્વાર્ટર તેની પોતાની માલિકીનું થઈ જશે.

શહેરી વિકાસ મંત્રાલય અને હૂડકોએ સરકારી કર્મચારીઓ માટે ‘Rent t0 own’ સ્કીમ તૈયાર કરી છે. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (હૂડકો)ને આ યોજનાના અમલની જવાબદારી સોંપવામાં આવી છે. હૂડકો સરકારી વિભાગોને આ યોજના હેઠળ લોન પૂરી પાડશે કે જેથી સરકારી વિભાગો પોતાના કર્મચારીઓ માટે ઘર બનાવવા માટે આગળ આવે. આ યોજનાનો લાભ સરકારી વિભાગમાં ફરજ બજાવતા લોઅર કેટેગરીના કર્મચારીઓને જ મળશે.

આ કેટેગરી સરકારી વિભાગ અથવા એજન્સી મકાન બનાવશે. મકાન તૈયાર થયા બાદ તેની કિંમત નક્કી કરવામાં આવશે અને આ કિંમત ઈએમઆઈની જેમ તેના હપ્તા બાંધીને કર્મચારીઓને મકાન આપવામાં આવશે. નિયત સમય મર્યાદામાં હપ્તા પૂરા થઈ ગયા બાદ કર્મચારીઓને મકાનના માલિકી હક્ક આપવામાં આવશે.

હૂડકોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સ્કીમ પ્રમોટ કરવા માટે હૂડકો એવી સરકારી એજન્સીઓને લોન આપશે, જે પોતાના લોઅર કેટેગરીના કર્મચારીઓ માટે ‘Rent t0 own’ સ્કીમ હેઠળ ઘર બનાવવા માંગતી હોય.

અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારી એજન્સીઓ પોતાના કર્મચારીઓ માટે ઘર બનાવવાનું બંધ કરી દીધું છે. તેનું કારણ એ છે કે જમીન મોંઘી થઈ ગઈ છે અને પોતાના કર્મચારીઓ માટે ઘર બનાવવા એજન્સીઓને પોતાના બજેટમાં મોટી જોગવાઈ કરવી પડે છે. આ કારણસર હૂડકોએ સરકારી એજન્સીઓને નાણાં ભંડોળની તકલીફ ન પડે તે માટે આ યોજના માટે લોન આપવાનો નિર્ણય કર્યો છે.

You might also like