મુસ્લિમ પરિવારે કરાવ્યો મંદિરનોે જીર્ણોદ્ધાર

'અમારી આ ગલીમાં ઘણો ભાઈચારો છે અને આ મંદિર સાથે તો માત્ર મારો જ નહીં, મારા પુરખોનો પણ અનેરો નાતો છે.

અયોધ્યા રામ મંદિરનો મુદ્દો હાલમાં ટોપ ઓફ ધ ટાઉન છે. જ્યાં જુઓ ત્યાં આ મંદિર-મસ્જિદને લઈ ચર્ચા ચાલી રહી છે. અયોધ્યામાં શું બનવંુ જોઈએ તેનું તો રીતસરનું વોટિંગ થઈ રહ્યું છે. બંને કોમના લોકો પોતાના ઇષ્ટદેવનું સ્થાપન કરવા રેસ લગાવી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરના એક મુસ્લિમ બિરાદરે આ મુદ્દા પર દરેકને વિચાર કરતા કરે તેવું કાર્ય કર્યું છે. વાત છે મિરઝાપુરમાં આવેલા હનુમાનદાદાના મંદિરના જીર્ણોદ્ધારની, જે એક મુસ્લિમ પરિવાર કરાવી રહ્યો છે

 

ઉત્તર પ્રદેશમાં રામ મંદિર અને મસ્જિદના નિર્માણને લઈને બે પક્ષો દ્વારા કાયદાકીય જંગ ચાલી રહી છે. આ બાબતને લઈને વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ કોર્ટ બહાર પણ આ મામલાને સારી રીતે ઉકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આજ સુધી તો આ વાતનો કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે એક મુસ્લિમ પરિવાર દ્વારા રામભક્ત હનુમાનદાદાના મંદિરના રિનોવેશન કરવાની વાત ચોક્કસથી કોમી એકતાનું પ્રતીક બની રહે છે.

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. આ વાત વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આ વાતની સાબિતી સ્પષ્ટ જોવાય ત્યારે ખરેખર લાગે છે કે માનવતા હજુ પણ મરી પરવારી નથી. આવી જ કોમી એકતા અને માનવતાની ઝાંખી જોવા મળે છે અમદાવાદ શહેરના મિરઝાપુર વિસ્તારમાં આવેલી હનુમાન ગલીમાં. જી હા, આ ગલીનું નામ જરૂર હનુમાન ગલી છે, પરંતુ અહીં માત્ર એક, બે મકાનને બાદ કરતાં બધાં જ ઘર મુસ્લિમ પરિવારનાં છે. છતાં પણ આ ગલીની શાન ગણાતા હનુમાન દાદાના અસંખ્ય હરિભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. અમદાવાદ શહેરની દરેક નાની-મોટી, સારી-નરસી વાતોની સાબિતી સમા આ મંદિરને લગભગ ૫૦૦ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી આ મંદિરની હાલત જર્જરિત થઈ ગઈ હતી. વાત હતી આ મંદિરના જીર્ણોદ્ધારની, ત્યારે આ જ ગલીની ધૂળમાં આળોટી મોટા થયેલા મોઈનભાઈ મેમણે મંદિરના જીર્ણોદ્ધારની ઇચ્છા દર્શાવી. એક મુસ્લિમ બંદો મંદિરનો જીર્ણોદ્ધાર કરે.. બાત કુછ હજમ નહીં હુઈ, પરંતુ ખરેખર આવંુ બન્યું. પ્રથમ તો ટ્રસ્ટી અને બધા વિચારતા હતા કે આ માટે મંજૂરી આપવી કે કેમ બાદમાં મોઈનભાઈએ કહ્યું કે, ‘આ નેક કામ કરવા માટે થઈને હનુમાનદાદાએ મારી પસંદગી કરી છે તો પછી મને આ કામ કરવા દો’ અને અંતે બધાની મંજૂરી મળ્યા બાદ મંદિરના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી.

પોતાના ધર્મના દરેક નીતિ-નિયમને અનુસરવા અને છતાં પણ દિલના એક ખૂણામાં મંદિર પ્રત્યે પણ સમાન ભાવ હોવો આ વાત માત્ર કહેવામાં કે બોલવામાં સારી લાગે, પરંતુ જ્યારે ખરેખર અનુભવવાની હોય તો ક્યાંક ને ક્યાંક પાછી પાની થઈ જતી હોય છે. છતાંય  આજે પણ એવાં અનેક શહેરો, ગલીઓ અને ચોબારા છે જ્યાં  દરેક ધર્મ માટે આદર રખાતો હોય છે.

શહેરની હનુમાન ગલીમાં એક નાનકડો છોકરો ચડ્ડી-બંડી પહેરીને દોડાદોડી કરતો, ક્યારેક મિત્રો સાથે લંગડી રમતો અને ક્યારેક સંતાકૂકડી. સંતાવા માટે હનુમાનદાદાના મંદિરમાં એવી રીતે પ્રવેશી જતો કે જાણે પોતાનું જ ઘર હોય, ક્યારેક દાદાના કાનમાં કહેતો પણ ખરો કે, જોજો હો, મારો થપ્પો ના થઈ જાય. એક, બે નહીં, પરંતુ આખું મિત્રોનું ગ્રુપ હતું. કોઈ દોડી મંદિરમાં જતંુ તો કોઈ દોડી મસ્જિદમાં, કારણ કે બાળપણને ક્યાં લેવાદેવા હોય છે કોઈ ધર્મ સાથે, તેમને તો બસ પોતાની મસ્તી જ પોતાની દુનિયા હોય છે. બાળકોને દિવાળી હોય કે ઈદ બંને તહેવાર પોતાના લાગતા. આવા સમયે હનુમાનગલીની પણ શાન હતી.આરતીમાં દરેક બાળક પ્રસાદ માટે ઊભું રહેતું. તો વળી મસ્જિદમાં જ્યારે પણ અઝાન થતી ત્યારે દરેક વ્યક્તિ તેનું સન્માન કરતી. આ સમયમાં મોઈનભાઈનું બાળપણ વિત્યું હતું. રોજ સવાર પડે શાળાએ જતાં, રમવા જતાં કે ક્યાંય પણ જવાનું થતું ત્યારે દાદાના મંદિર આગળથી જ પસાર થવાનું થતું. સમયના વહેણ વહેતા ગયા, બધું બદલાતંુ ગયું, બાળપણ મોટું થઈ ગયું હતું, પરંતુ માતાના આપેલા સંસ્કાર એવા ને એવા જ હતા. જ્યાં બાળપણ વિત્યું હોય અને વર્ષોની યાદો હોય તે જગ્યા કે ત્યાંની કોઈ પણ વસ્તુ ભૂલી નથી શકાતી. મોઈનભાઈ માટે પણ એવું જ બન્યંુ. રોજિંદા હનુમાનદાદાના મંદિરની મુલાકાત લેવાનું બનતું, પૂજારી જોડે બેસી ચા-પાણી કરતા, મંદિરને જર્જરિત પરિસ્થિતિમાં જોતાં તેમને લાગ્યું કે મારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો જોઈએ.

આ વિશે વાત કરતાં મોઈનભાઈ મેમણ કહે છે, ‘અમારી આ ગલીમાં ઘણો ભાઈચારો છે અને આ મંદિર સાથે તો માત્ર મારો જ નહીં, મારા પુરખોનો પણ અનેરો નાતો છે. કોઈ પણ ધાર્મિક કાર્ય માટે કશું કરવું તે દરેક વ્યક્તિના સૌભાગ્યની વાત નથી. તેના માટે પણ ઉપરવાળાના ઘરેથી ઓર્ડર થવો જોઈએ. મારા કિસ્સામાં પણ એવું જ બન્યું. મંદિરને જોતા લાગ્યું કે આ મંદિર માટે મારે કંઈક તો કરવું જ જોઈએ અને જો હું કશું પણ કરી શકું તો તે મારું કિસ્મત કહેવાશે. આખરે આ તક મને મળી, મંદિર માટે હું કશું કરું છું તે વાત ઘણા લોકોને નાપસંદ પડી. મને ટોક્યો પણ ખરો, પરંતુ મારાં મમ્મી કહેતાં કે, દીકરા, સારા કામમાં સો વિઘ્ન આવે, પરંતુ તે ક્યારેય અધૂરું ના છોડવું. આજે અલ્લાહનું આપેલું ઘણું છે મારી પાસે અને મજહબ કોઈ પણ હોય, તમારી ભાવના સારી હોવી જોઈએ. આ સેવાનું કામ કરવાનો મોકો મળ્યો તે માટે હું મારી જાતને ઘણી ભાગ્યવાન માનું છું.’

જ્યારે મંદિરના પૂજારી રાજેશભાઈ ભટ્ટ આ વિશે કહે છે, ‘આ મંદિર પાંચસો વર્ષ જૂનંુ છે. અહીં બિરાજમાન હનુમાનદાદા સ્વયંભૂ છે. મંદિરના જીર્ણોદ્ધારની મોઈનભાઈને ઘણા સમયથી ઇચ્છા હતી. મંદિરના ટ્રસ્ટીઓને પૂછ્યું અને કહ્યું કે દાદાએ મને પ્રેરણા કરી છે આ કાર્ય માટે. આ હિન્દુ-મુસ્લિમની એકતાનું બહુ મોટું પ્રતીક કહેવાય. આ વિસ્તારમાં કોઈને આ રીતની ભાવના થવી અને પ્રેરણા જાગવી તે મોટી વાત છે. મોઈનભાઈએ દિલથી ખર્ચો કરી દાદાના મંદિરનું રિનોવેશન કરાવ્યંુ છે. મંદિરમાં શનિવાર, હોય કે તહેવાર ત્યારે ભાવિકો વધુ આવે છે. મંદિરની ચાવી પણ એક મુસ્લિમ પરિવારને ત્યાં જ રહે છે.’

મંદિરની ટાઇલ્સ માટે દાદાના ગમતા કેસરી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે મંદિરની બહાર ફાઉન્ટન બનાવામાં આવ્યા છે. જે હનુમાન ગલીમાં પ્રવેશતા જ દ્રષ્ટિમાન થાય છે. આ ઉપરાંત પણ મંદિરમાં અનેક વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યંુ છે.

ના કરવાનું કાર્ય જ્યારે કોઈ કરે છે, ત્યારે આપણે તેના વિરોધનો ઝંડો લઈને નીકળી પડીએ છીએ. ત્યારે સમાજમાં કોઈ સારું કાર્ય કરે તો તેની ચોક્કસથી સરાહના થવી જોઈએ. હાલમાં સમય પણ એવો ચાલી રહ્યો છે જેમાં આવું સારું કાર્ય એક ઉત્તમ ઉદાહરણની ગરજ સારે તેવું છે. વાત માત્ર મોઈનભાઈની સારાઈની છે તેવું નથી, પરંતુ તેમને પોતાનો વિરોધ થયો હોવા છતાં જે કાર્ય માટે અડીખમ ઊભા રહ્યા તે માટેની છે. રૂપિયા તો ઈશ્વર બધાને આપે છે, પણ તેને યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ ખર્ચવા પણ અનિવાર્ય છે. સમાજમાં આવા કાર્ય થવું તે સાબિતી છે કે માનવતા હજુ પણ જીવંત છે અને કોમી એકતાને કોઈ તોડી શકે તેમ નથી. કેમ ખરું ને.

———-.

મજહબ કોઈ પણ હોય તમારી ભાવના સારી હોવી જોઈએ. આ સેવાનું કામ કરવાનો મોકો મળ્યો તે માટે હું મારી જાતને ઘણી ભાગ્યવાન  માનું છું – મોઈનભાઈ મેમણ,મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર

———-.

હિન્દુ-મુસ્લિમ માટે એકતાનું બહુ મોટું પ્રતીક કહેવાય. આ વિસ્તારમાં કોઈને આ રીતની ભાવના થવી અને પ્રેરણા જાગવી તે મોટી વાત છે  – રાજેશભાઈ ભટ્ટ, મંદિરના પૂજારી

——————————–.

You might also like