Twitterને મોદી સરકારનું અલ્ટિમેટમ: વાંધાજનક પોસ્ટ હટાવો નહીં તો કાર્યવાહી માટે રહો તૈયાર

નવી દિલ્હીઃ વાંધાજનક ટ્વિટ સમયસર નહીં હટાવવા બદલ કેન્દ્રની મોદી સરકારે માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ‌ટ્વિટરને આકરી ચેતવણી આપી છે. ગૃહ સચિવ રાજીવ ગૌબાએ ‌ટ્વિટરનાં વરિષ્ઠ અધિકારીઓને બોલાવીને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જો તપાસ એજન્સીઓની વારંવારની વિનંતી પછી પણ જો વાંધાજનક ‌ટ્વિટને તાત્કાલિક અસરથી હટાવવામાં નહીં આવે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ સચિવે ‌ટ્વિટરને વાંધાજનક ‌ટ્વિટ તાત્કાલિક હટાવવા માટે યોગ્ય સિસ્ટમ તૈયાર કરવા પણ જણાવ્યું છે.

ગૃહ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વાંધાજનક ‌ટ્વિટ નહીં હટાવવાનાં મુદ્દે તપાસ અને સુરક્ષા એજન્સીઓની ફરિયાદને ધ્યાનમાં રાખીને ગૃહ સચિવ રાજીવ ગૌબાએ ટ્વિટરનાં સુરક્ષા અંગેનાં મુદ્દાનાં ગ્લોબલ હેડ વિજયા ગડ્ડે અને ભારતીય પ્રતિનિધી મહિમા કૌલને મળવા બોલાવ્યા હતાં.

બંને અધિકારીઓ સામે તમામ તથ્ય મૂકીને ગૃહ સચિવે જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ તરફથી કાયદાકીય પ્રક્રિયા હેઠળ કરવામાં આવેલી વિનંતીઓ છતાં પણ ‌ટ્વિટર વાંધાજનક ‌ટ્વિટ હટાવી રહ્યું નથી. આ પ્રકારની કુલ વિનંતીઓમાંથી ફક્ત ૬૦ ટકા પર જ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી પણ યોગ્ય સમય પર કરવામાં આવી નથી અને તેમાં ઘણો વિલંબ થયો છે.

ગૃહ સચિવે ઉદાહરણ તરીકે દિલ્હી પોલીસે કરેલી વિનંતી રજૂ કરી હતી, જેમાં એક ટ્વિટમાં હિંસા ભડકાવવાની વાત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કાયદાકીય પ્રક્રિયા હેઠળ ‌ટ્વિટરને આ ટ્વિટ હટાવવા વિનંતી કરી હતી, પરંતુ આ ‌ટ્વિટને સંપૂર્ણ રીતે હટાવવામાં આવી નહોતી. તેનો ફક્ત થોડો ભાગ હટાવીને સંતોષ માની લેવામાં આવ્યો હતો અને આ કાર્યવાહીમાં પણ ઘણો સમય લાગ્યો હતો.

રાજીવ ગૌબાએ ‌ટ્વિટરને ભારતમાં ચોવીસ કલાક કામ કરે તેવી સિસ્ટમ સુનિશ્ચિત કરવા પણ આદેશ આપ્યા છે. વાંધાજનક ‌િટ્વટ ફરિયાદ મળે તેના થોડા સમયમાં જ હટાવી લેવી જોઈએ તેવી સ્પષ્ટ વાત પણ તેમણે કરી હતી. આ સાથે જ ભારતમાં એક સંપર્ક અધિકારીને પણ નિયુક્ત કરવા જણાવાયું હતું. આ અધિકારીએ સતત તપાસ અને સુરક્ષા એજન્સીઓનાં સંપર્કમાં રહેવું પડશે અને તેમને પૂરો સહયોગ આપવો પડશે.

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ગૃહ સચિવ આ વર્ષનાં જૂન મહિનાથી સતત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે વાતચીત કરીને વાંધાજનક કે ફેક ન્યૂઝ જેવી સામગ્રી તાત્કાલિક હટાવવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા વારંવાર વિનંતી કરી ચૂક્યા છે.

ટ્વિટરની સાથે સાથે યુટ્યૂબ, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશિયલ મીડિયા કંપનીનાં અધિકારીઓ સાથે તેમણે આ મુદ્દે બેઠક કરી હતી. ત્યાર બાદ વોટ્સએપ દ્વારા ફેક ન્યૂઝ રોકવા માટે અનેક અસરકારક પગલાં ભરવામાં આવ્યા હતા. ‌ટ્વિટરે સરકારની કોઈ વિનંતીને ગંભીરતાથી ન લેતાં આખરે તેમને અ‌િલ્ટમેટમ આપવામાં આવ્યું છે.

You might also like