કેશની અછત દૂર કરો અથવા ઉ.પ્ર.ની ચૂંટણી પાછી ઠેલોઃ RSS

નવી દિલ્હી: નોટબંધીના પગલે લોકોને પડી રહેલી હાડમારી અને હાલાકીથી હવે ભાજપના ટેકેદારોની ધીરજ પણ ખૂટી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ સાથે સંકળાયેલાં કેટલાંક સંગઠનોએ પક્ષના નેતૃત્વને ચેતવણી આપી દીધી છે કે તમે નોટબંધીના કારણે રોકડની જે તંગીનો સામનો કરવો પડી રહ્યો છે તે તાત્કાલિક દૂર કરો અથવા ઉત્તર પ્રદેશ ચૂંટણીની તારીખ પાછળ ઠેલો.

આરએસએસ અને ભાજપ સાથે સંકળાયેલા કેટલાય સ્થાનિક સ્તરનાં સંગઠનોએ જણાવ્યું છે કે નોટબંધીના કારણે આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાનું છે એ વાત હવે સુનિશ્ચિત છે. તેમણે પક્ષના નેતૃત્વને જણાવ્યું છે કે શરૂઆતમાં મધ્યમવર્ગના લોકો નોટબંધીના નિર્ણયથી ખુશ હતા, પરંતુ જ્યારે નોટબંધીની જાહેરાતના એક મહિના બાદ પણ કેશની અછત દૂર નહીં થતાં હવે લોકોનો આક્રોશ વધી રહ્યો છે.

પહેલાં જે લોકો નોટબંધીના નિર્ણયના સમર્થનમાં હતા તેમાંથી હવે મોટા ભાગના લોકો બેન્ક અને એટીએમ પર લાગતી લાંબી કતારોના કારણે પરેશાન છે. આરએસએસ અને ભાજપના કેટલાક નેતાઓએ તાજેતરમાં લખનૌ ખાતે એક બેઠક યોજી હતી તેમાં વિશ્વ હિંદુ પરિષદ, એબીવીપીની સાથે બાકીના સંગઠનોએ પણ લોકોની નારાજગી અંગે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં આ બધી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

home

You might also like