રતુંબડા હોઠની શાન વધારશે રિમિક્સ

મેકઅપની વાત આવે ત્યારે સૌથી પહેલી યાદ લિપસ્ટિકની આવતી હોય છે. તમે કદાચ અનુભવ્યું હશે અથવા જોયું હશે કે લિપસ્ટિક વ્યક્તિના દેખાવને વધુ જાજરમાન બનાવે છે. હવે ફેશન માર્કેટમાં રિમિક્સ લિપસ્ટિકનો ટ્રેન્ડ પૂરબહારમાં ખીલ્યો છે. તમે બે વિવિધ રંગોની લિપસ્ટિકના શેડ મિક્સ કરીને એક નવો શેડ તૈયાર કરી શકો છો. જોકે, તેના માટે લિપસ્ટિકના શેડની થોડી સમજ હોવી જરૂરી છે.

પેઇન્ટ થિયરીની જેમ જ રિમિક્સ લિપસ્ટિકમાં શેડ થિયરી કામ કરતી હોય છે. બ્યુટિશિયન નીમા ભાવસારનું કહેવું છે, “છેલ્લા કેટલાક સમયથી લિપસ્ટિકના બે કે તેથી વધુ શેેડ્સને મેચ કરીને નવો લિપ કલર ડેવલપ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. લગ્ન પ્રસંગ, પાર્ટી કે હેંગઆઉટ માટે નીકળેલી મહિલાઓ હોય કે પછી વર્કિંગવુમન, લિપસ્ટિકના નવાનવા શેડ ડેવલપ કરવાનું ચલણ વધ્યું છે.”

લિપસ્ટિક રિમિક્સ કરવા માટે અગાઉથી લિપસ્ટિકના વિવિધ શેડનું એક્સપરિમેન્ટ કરતા રહેવું. લિપસ્ટિક રિમિક્સ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું મહત્ત્વનું બની જાય છે. તમને જ્યારે પણ સમય મળે ત્યારે લિપસ્ટિકના વિવિધ શેડને મેચ કરો અને કયો શેડ ડેવલપ થાય છે તે જુઓ. અમુક વાર એવું બને કે બહાર જવાનું હોય એ સમયે જ જો લિપસ્ટિક રિમિક્સ કરવા બેસીએ તો પરેશાનીમાં મુકાવાય છે. કોઇ ચિત્રવિચિત્ર પ્રકારનો શેડ હોઠ પર ઉપસે તો તેનાથી વ્યક્તિનો દેખાવ કદરૂપો બની જાય છે. લિપસ્ટિકની બ્રાન્ડને પણ ધ્યાનમાં લો. ગમે તે બ્રાન્ડની લિપસ્ટિકનો ઉપયોગ કરવાને બદલે સારી બ્રાન્ડની લિપસ્ટિક વાપરો. સૌથી પહેલાં ડાર્ક રંગની લિપસ્ટિકને હોઠ પર એપ્લાય કરો ત્યારબાદ લાઇટ કલરની લિપસ્ટિક લગાવો.

લિપસ્ટિક રિમિક્સ કેવી રીતે કરવી તેની માહિતી આપતાં નીમાબેન કહે છે, “સૌપ્રથમ હોઠ પર હળવો લિપબામ લગાવો. ત્યારબાદ જે શેડ ડેવલપ કરવો છે તેના પર વર્કઆઉટ કરો. જો બ્રાઉન બેઝ કલર જોઇતો હોય તો રેડ અથવા મરૂન સાથે પર્પલ કલર મિક્સ કરો. આ રીતે બ્રાઉન જેવો શેડ ડેવલપ થશે.”
રિમિક્સ લિપસ્ટિક માટે કેટલીક ચોક્કસ વાતોની તકેદારી રાખવી મહત્ત્વની બની રહે છે. જેમ કે, લિક્વિડ લિપસ્ટિક વડે નવો શેડ ડેવલપ કરવો હોય તો લિક્વિડ લિપસ્ટિક લાંબા સમય સુધી ટકે તેની કાળજી રાખો. અમુક વાર આઇલાઇનરનો ઉપયોગ કરીને પણ લિપસ્ટિક શેડ ક્રિએટ કરવામાં આવે છે. એ વખતે સારી કંપનીના જ આઇલાઇનરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. શરૂઆતમાં હાથ પર લિપસ્ટિકના શેડ ડેવલપ કરો અને ત્યારબાદ જો યોગ્ય લાગે તો તેને હોઠ પર એપ્લાય કરો. છેલ્લે ટિશ્યૂ પેપર વડે વધારાની લિપસ્ટિક હોઠ પરથી દૂર કરી દો. લિપસ્ટિકને મેટ લુક આપવો હોય તો પાઉડરનો ઉપયોગ કરો.

હેતલ ભટ્ટ

You might also like