કોઈ પણ પ્રકારના સ્વરૂપ વિનાની ધાર્મિક જગ્યા

સ્ત્રી દર મહિને મેન્સિઝમાં આવે છે 'ને ત્યારે એને નકારાત્મક શક્તિ ઘેરી વળે છે.

ઓવરનાઇટ કે મેક્સિ કે પેન્ટીલાઇનર કે ટેમ્પન, ગમ્મે ઈ વાપરે

કેટલા પેડ વાપરો સો? તમારી ડેટ કૈ? એવું તો નો જ પૂછાય રે

 

બ્લડ-કૅન્સરનો દર્દી દેવાલયમાં જઈ શકે? લોહીને કલાકારો ચાહે છે. આમ-ઇન્સાન લોહીથી ગભરાય છે. અપવાદને વંદન. પ્રશ્ન તો એ પણ થાય કે રુગ્ણાલયમાં દેવની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે શાસ્ત્ર સંમતિ આપે છે? સ્ત્રી-રોગના નિષ્ણાતના દવાખાનામાં દેવનું સ્થાપન જોવા મળે છે અને દેવીનું પણ. આરોગ્યના દેવ ધન્વંતરિનું મંદિર રોગીથી ઊભરાવું જોઈએ, પરંતુ ઋતુકાળમાંથી પસાર થતો મનુષ્ય રોગી નથી. હા, વિજ્ઞાનના ઘણા જાણકારો ઋતુકાળ દરમિયાન જે-તે વ્યક્તિના દેહ નજીક સ્વાસ્થ્ય માટે હાનિકારક જીવાણુ મંડરાતા હોય છે તેમ કહે છે. કહેનારા કહે છે, કે અમુક અથાણા, પાપડ જેવા ખાદ્ય પદાર્થનું ઉત્પાદન કરતા એકમો ફક્ત ઋતુકાળમાં ન પ્રવેશી શકે તેવા જ માણસને કામ પર રાખે છે. તો શું બિનઋતુકાલીન દેહમાં પણ અનેકો હાનિકારક જીવાણુ, વિષાણુ નથી હોતાં? ભાવાર્થનું કહેવાનું કે પ્રત્યેક મનુષ્ય એક યા બીજી રીતે અન્ફિટ ઉર્ફે નાલાયક છે.

સો, મુદ્દો ફિટનેસનો છે. ધર્મની તેમ જ સાધારણ ધર્મ પાલન કરનારની ‘ને ઋતુધર્મ પાળતા હોય તે માનવીની. મનન કે સંશોધન કરવું હોય તો આ મુદ્દે પણ થવું જોઈએ, કે કેમ ધર્મ ના પાડે છે? ના, ‘માસ’ને જચે તેવા તર્કીલા તરણા યા ‘ક્લાસ’ને ગમે તેવાં તાર્કિક તારણો ના ચાલે. એવી માસિક ‘ને ક્લાસિક ચર્ચાએ બહુ નાચી લીધું. બુધ જેવા નાન્યતર જાતિના દૈવી તત્ત્વનું ધામ હોય કે અલિંગી આત્માને ઈશ્વર માનતું સ્થળ હોય કે કોઈ પણ પ્રકારના સ્વરૂપ વિનાની ધાર્મિક જગ્યા હોય, કેમ નાહ્યા વગર અંદર ના જવાય? કેમ પાલતું પ્રાણી-પક્ષીને લઈને ના જવાય? કેમ ધૂપ કરવાનો ‘ને આપણને રોજ કામમાં લાગતો એલપીજી ગેસ નહીં ધરાવવાનો? ઈંધણ, પેન્સિલ ‘ને પલંગ જેવા કામમાં વપરાતાં લાકડાં નહીં, પણ ફૂલ કેમ ચઢાવવાનાં? કેમ લોખંડના કે પ્લાસ્ટિકના ઝારીજી ના હોય? વાત હસવાની નથી.

લંડનનો એક નિયમિત રિવ્યૂ લખતો પ્રવાસી રાણકપૂરના ‘જૈન ટેમ્પલ’ અંગે નોંધે છે ‘સાવધાનઃ રજસ્વલા સ્ત્રીઓ મંદિરમાં આવકાર્ય નથી…!!!’, તેને આશ્ચર્ય છે કે સ્થળની આધ્યાત્મિકતાને રજસ્વલા સ્ત્રી કેવી રીતે નુકસાન કરી શકે? શું તેનો ટોલરન્સ-કોશન્ટ નીચો હશે?! ‘અનેકાંત ફાઉન્ડેશન’ દ્વારા જૈનવાદનું શિક્ષણ આપતા સુધીર શાહ લખે છે કે એક જૈન સાધુએ રજસ્વલા સ્ત્રી માટે ૪૬ નિયમ લખ્યા છે. ‘એવી’ સ્ત્રીએ દાતણ નહીં કરવાનું, કંગી નહીં કરવાની વગેરે. સ્વચ્છતા માટે ગૌમૂત્રની પણ વાત છે. સુધીરભાઈ અગ્રી નથી. એ કહે છે, જૈનિઝ્મ મુજબ ‘એવી’ સ્ત્રીઓ ઇમ્પ્યોર નથી. ઓફ કોર્સ, એ અંગે તેઓ કોઈ ગ્રંથ નથી ટાંકતા. દેરાસરમાં પ્રતિમાજીના સ્નાન વગેરે અંગે ‘પ્રક્ષાલ’ નામક એક પદ્ધતિસરની પ્રક્રિયા હોય છે. તેમાં ‘કેવી’ સ્ત્રીઓ ભાગ લઈ શકે? ટ્વિંકલ ખન્નાના પુસ્તક ‘ધ લેજન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ’ની વાર્તા ‘ને જીવંત

પુરુષ મુરુગનંથમ પરથી ‘પેડમેન’ મૂવિ હમણાં આવ્યું. શાહરુખ કે આમિર જેવા સ્ટાર સિવાય નોર્મલ વ્યક્તિ એવા પ્રિયા, શ્રુતિ ‘ને અન્યનો અનુભવ નેટ પર તે પહેલાંનો લખેલો પડ્યો છે, જે મુજબ ‘એવી’ સ્ત્રી ઘરના ‘દેરાસર’ની નજીક પણ ન જઈ શકે. અપ્સરાનું પણ એવું જ હશે. ખેર, સામાન્ય સંજોગોમાં સ્ત્રીઓ પૂજા-પાઠ કરી શકે છે એ આનંદની વાત છે, એવું એટલે કહેવાનું કે હાજી અલી દરગાહ, મુંબઈના ટ્રસ્ટીઓએ મુંબઈ હાઈકોર્ટને કીધેલું કે ‘મુસ્લિમ સંતની કબર નજીક સ્ત્રીઓની હાજરી એ કુરાન મુજબ ભયાનક પાપ છે.’ બંધારણની ૨૬મી કલમ મુજબ ટ્રસ્ટીઓ ધર્મસ્થળ પર પોતાના નિયમ બનાવી શકે છે. જય શબરીમલા!

પુરુષ-સ્ત્રીની જુદી-જુદી મસ્જિદ હોય છે. જ્યારે વાહ-એ-ગુરુ નથી સ્ત્રી કે પુરુષ. ગુરુ નાનકજીએ એમ.સી.ને નૈસર્ગિક ‘ને ભગવાનની દેન ગણાવી છે, શીખ પંથમાં ‘એવી’ ઔરતને નોર્મલ ગણવામાં આવે છે. મીરાંબાઈ, ભુરીબાઈ ‘ને મુક્તાબાઈની જય સાથે જણાવવાનું કે, હ્ડિઝ નંબર ૨૩૨ (અબુ દાઉદ) સ્પષ્ટ કરે છે કે રજસ્વલા સ્ત્રી કે અપવિત્ર સંભોગ કરેલા પુરુષ માટે મસ્જિદમાં હોવું ગેરકાયદેસર છે. એમાં શું?! એમ્તો ઑર્થોડૉક્સ ચર્ચ પણ ‘એવી’ સ્ત્રીઓને કમ્યુનિઅન પામવાની ના જ પાડે છે. હિબ્રુ બાઇબલમાં ‘એવી’ સ્ત્રીઓ માટે ‘નિદ્દાઃ’ શબ્દ કમ સે કમ ૨૫ વાર છે. લેવિક્ટસ ૧૫થી ૧૯ મુજબ ‘એવી’ સ્ત્રીઓ ગંદી છે, સાત દિવસ માટે ‘અલગ’ ગણવી. ઇજિપ્તની સંસ્કૃતિ હોય કે જેલસ્થ આસારામનો આશ્રમ, કાયદા કડક છે. પારસીઓ ‘ઑરા’ સાથે આ વાત સાંકળે છે. કિરીલ્યન ફોટોગ્રાફીનો પણ ટેકો લે છે. ‘દ્રુજ-એ-બુજિ’ નામની મલિનતાની વાત કરે છે. પણ, એમનામાં એક નોંધપાત્ર વાત પણ છે કે પ્રિસ્ટ યા સામાન્ય માણસને લોહી નીકળતું હોય કે એવો ઘા હોય તો તે પણ પવિત્ર અગ્નિ પાસે ના જઈ શકે. રજનીશભાઈ યાદ આવે છે. એ બોલતા કે પુરુષ પણ દર મહિને એક ‘બ્લેક હૉલ’ પિરિઅડમાં આવે. એમણે એક વાત કરેલી- બુદ્ધ વર્ષો સુધી સ્ત્રીઓને દીક્ષા આપવાથી દૂર રહેતા. અંતે દબાણવશ થઈને શરૂ કરે છે ત્યારે જાહેર કરે છે કે ૫૦૦ વર્ષ પછી મારો ધર્મ નહીં રહે, તમે બળથી બાંધછોડ કરાવી છે. રજનીશભાઈએ સ્વયં બુદ્ધની એ વાત ધ્યાનમાં ના રાખી, પરંતુ તેઓ બુદ્ધ કેમ સ્ત્રી-દીક્ષાની ના પાડતા એ સમજાવે છે કે,

પુરુષની જાતીય શક્તિનું નિયમન કરવું સહેલું છે, જ્યારે સ્ત્રી દર મહિને મેન્સિઝમાં આવે છે ‘ને ત્યારે એને નકારાત્મક શક્તિ ઘેરી વળે છે. યસ, અમુક યોગક્રિયા કરવા સામે પણ ‘એવી’ સ્ત્રીઓ માટે પાબંદી છે. હાય રે મેનોટૉક્સિન હાય!

ખેર, તંત્ર-માર્ગીઓ માટે તો શું નેગેટિવ ‘ને શું પોઝિટિવ?! ઉત્તર અમેરિકાના લકોટા આદિવાસીઓ ‘એવી’ સ્ત્રીઓને યોદ્ધા કે ભિષજથી દૂર રાખતા. એ લોહીની શક્તિ યોદ્ધાને નબળો પાડી દે. હીલરને અશક્ત બનાવી દે, પણ તંત્ર-માર્ગીઓનું ઇજનેરત્વ ‘ને અધ્યાત્મ સમ્પ્રવિદ્ધ હતું. તિબેટિયન તંત્રમાં રજસ્વલા ડાકિણીનો ખાસ રોલ છે. પદ્મસંભવ પૂર્વેના ‘ભારતીય’ પુસ્તકો પણ એ વિષયમાં ઘણું કહે છે. ‘કૌલ જ્ઞાન નિમય’ પાંચ સનાતન એવં પવિત્ર તત્ત્વોમાં ભસ્મ, રજ, વીર્ય, માસિક-સ્રાવ ‘ને ઘી ગણે છે. ‘એવા’ લોહીને સ્ત્રીનું અમૃત કીધું છે. કદાચ અથર્વવેદનો ભાગ એવા ગૌણ ઉપનિષદ મનાતાં ગણપતિ અથર્વશીર્ષમાં ‘રક્તપુષ્પૈપૈઃ સુપુજિતમ…’ આવે છે. અમુક તંત્રજ્ઞાતા તે રક્તપુષ્પને જાસૂદ નહીં, પિરિઅડનું લોહી માને છે. ‘માતૃકાહેદા તંત્ર’માં ‘સ્વયંભૂ-રક્ત’ની ઉપમા આપી છે. ‘ને પ્રથમ સ્વયંભૂ-રક્તને પરમ પરિમોહન સ્વપુષ્પ કીધું છે. ૧૧મી સદી કે તે પહેલાંના ‘યોનીતંત્ર’માં લખ્યું છે કે વાતો કરવાનો શું અર્થ? આ લાભની માત્ર વાતો કરવી વ્યર્થ છે. જો કોઈ રજસ્વલા-ફૂલની ઉપાસના કરે તો તે ભાગ્ય પર વિજય મેળવે ‘ને આગળ જતાં મુક્તિ પણ. સંસ્કૃતમાં સ્ત્રી-પુષ્પ, સુપુષ્પ, જીવરક્ત જેવા શબ્દ છે. ‘હિંદુ-અલકેમિસ્ટસ’ એ દ્રવ્યને ૬ પ્રકારમાં વહેંચે છે. ‘એવી’ સ્ત્રી પુષ્પવતી કહેવાય. ‘એમસી’ વા ‘ટાઇમ’ને કન્યાવ્રત. કામાખ્યાના માતાજી પુષ્પરૂપિણી થાય પછી એમના લોહીવાળા કટકા આ દેશમાં આજે પણ હિંદુઓ પવિત્ર ‘ને પાવરફુલ ગણે છે.

આપણે ત્યાં નદી પણ રજસ્વલા થાય છે. ગંગા હોય કે કોઈ બી નદી, ચાતુર્માસ દરમિયાન સ્નાન કરવાની ના છે. જો ના માનો તો? કુલદાનંદજી જેવા સાધકો અનુભવમાં લખે છે કે ચામડી પર ઘણી તકલીફ આપે ‘ને લાંબો સમય રહે તેવા ફોલ્લાફોલ્લી થાય છે. સામે પક્ષે જેને આધુનિક સમાજ પછાત કહે છે તેવી અમુક આફ્રિકન જાતિમાં રજોદર્શનને ગંદકીની નજરે જોવાની મનાઈ છે. પાકિસ્તાનની પહાડીઓમાં એક જૂની કોમ વસે છે, જેમની વસાહતમાં ‘બશલી’ નામનું એક મોટું મકાન હોય છે, જેમાં સમયમાં હોય તેવી મહિલા રહે અને તે કોમના મતે તે ઇમારત પવિત્ર એવં શક્તિશાળી છે. બહાઇ પંથમાં ‘એવી’ નારીઓને લઈને કોઈ ભેદ નથી, ઉપરથી તેમના માટે સ્પેશિયલ શ્લોકોનું ગઠન કરેલું છે. ૨૦૦૫માં નેપાળની સુપ્રીમ કોર્ટે ત્યાંના ‘છાઉપડી’ નામક રિવાજ પર પ્રતિબંધ લગાવ્યો છે, બાકી પહેલાં ત્યાં ‘એવી’ સ્ત્રીઓને ઘરની તમામ સામાન્ય ક્રિયા-પ્રક્રિયામાંથી બાકાત કરી નાખવામાં આવતી.

ખરો મુદ્દો વુમન યા પુરુષી પ્રકારના મનુષ્યનું સારું કરવાનો છે. ધર્મ હા પાડે તો કેમ હા પાડે છે તથા ફરીથી એક વાર કહેવાનું કે ધર્મ કેમ ના પાડે છે તો કેમ? રિસર્ચ થવું જોઈએ. જે શરૂ ના થાય કે પૂર્ણ ના થાય તો પણ આપણે રક્તચૂસકના લઘુતમ ભાવ ‘ને મહત્તમ આરોગ્યરક્ષતા અંગે જલદી કશું નક્કર કરવું રહ્યું. સરેરાશ અમેરિકન ફીમેલ ૧૬૮૦૦થી ૨૪૩૬૦ ટેમ્પન દર વર્ષે વાપરે  છે. રક્તચૂસકને ‘મેડિકલ ડિવાઇસ’ ગણવાનો કાયદો હોવાને કારણે કંપનીઓ તેમાં શું વાપરે છે તે નથી લખતી. મોટા ભાગના ટેમ્પન/પેડની સફેદી ક્લોરિન બ્લિચથી આવે છે. ઘણા ઘણામાં બીપીએ ‘ને બીપીએસ જેવા પ્લાસ્ટિક કેમિકલ્સ વપરાય છે, તેવા એક પેડમાં ચાર પ્લાસ્ટિક બેગ જેટલું પ્લાસ્ટિક હોય છે.

આ ‘સાધનો’માં જે રૂ વપરાય છે તે જંતુનાશક દવાથી ‘પ્રોટેક્ટ’ થયું હોય છે. રંગ, સુગંધ માટેના રસાયણ સિવાય તેમાં જિનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝ્મ્સ વપરાય છે જે હેલ્થ માટે ડેન્જરસ હોઈ શકે છે. સારું છે હવે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પણ મળે છે. ફિર ભી, ચિંતન કરવા લાયક વાત એ છે કે પ્રજનનદેવ કોકોપેલ્લિના ચિત્રવાળા કાપડના રિયુઝેબલ પેડ ‘ત્યાં’ મળે છે તો કામ, રતિ કે સદાશિવના ચિત્રધારી ગામઠી પ્રિન્ટવાળા ઉત્તમ ખાદીના રિયુઝેબલ પેડ આપણે કેમ ના બનાવીએ અને પર્યાવરણ બચાવીએ? ‘પેડ’ની શોધ તો વિશ્વયુદ્ધ એક વખતે ‘નર’ સૈનિકોના ભારી રક્તસ્ત્રાવને રોકવા બેન્જામીન ફ્રેન્કલીન દ્વારા શોધાયેલા બેન્ડેજ પરથી થયેલી. વિદેશમાં પ્યોર કોટનના બનેલાં તેવાં ડાઇપર વાપરનાર વાલીઓનો અનુભવ કહે છે, કે યુઝ એન્ડ થ્રો ટાઇપની કેમિકલિયા નેપિઝથી જે રેશ વગેરે થાય તે આવાં પેડથી ના થાય અને વેસ્ટની વરી આપણે જ કરવી પડે. કેળાંના રેસામાંથી પેડ બનવાનું શરૂ થયું છે. ઘેટાંનાં ઊન કે સસલાના સુંવાળા વાળથી ગૂંથેલા ‘પટ્ટા’ તો ઠીક, આદિ કાળમાં અમુક પ્રકારનું ઘાસ પણ વપરાતું. અતઃ પહેલા હેલ્થને બિઝનેસ બનાવનારનો વારો કાઢવો ફરજિયાત છે, બેશક ધર્મને ધંધો બનાવનારનો વારો તે પછી કાઢવો જરૂરી છે. પેડમેન, પેડવુમન ‘ને પેડયૂનક, સૌને સલામ.

બુઝારો

આશરે ૪૧૫ની સાલમાં મૃત્યુ પામેલી હાયપાટિઆ એલેક્ઝાન્ડ્રિઆ, ઇજિપ્તની દાર્શનિક, ગણિતજ્ઞ ‘ને ખગોળવિદ્દ હતી. કાયમ કુંવારી એવી તે શિક્ષિકાની પાછળ કોઈ પુરુષ પડેલો. તેણીએ થાકીને ચાલુ વ્યાખ્યાન બાજુમાં મૂકી પોતાનો લોહીવાળો માસિકપટ્ટ બતાવી ‘ને ધરાર ઇન્કાર કરતા કહ્યું, કે મારા જુવાનિયા, તું ખરેખર આને પ્રેમ કરે છે,પરંતુ તું સૌંદર્યને ફક્ત સૌંદર્ય ખાતર પ્રેમ નથી કરતો.

——————————–.

You might also like