સોમવારથી ચાર દિવસ ગરમીમાં રાહતઃ તાપમાન 37 થી 41 વચ્ચે રહેશે

શહેરમાં માર્ચના અંતિમ દિવસોથી સૂર્યનારાયણ આકરા તાપે છે. ઉનાળાના પ્રારંભના આ દિવસોમાં ગરમીનો પારો ૪૩ થી ૪૪ ડિગ્રીની વચ્ચે રમવા લાગ્યો હોઇ મે મહિનાની ભીષણ ગરમીની કલ્પના માત્રથી લોકો ધ્રૂજી ઊઠે છે, જોકે આવા ગરમ માહોલમાં આગામી સોમવારથી શુક્રવારના દિવસોમાં આકરા તાપમાં નાગરિકો આંશિક રાહત મેળવશે, કેમકે આ સમયગાળામાં ગરમીનો પારો નીચે ઊતરીને ૩૭ થી ૪૧ ડિગ્રીની વચ્ચે રહેશે.

ગઇ કાલે શહેરમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી જેટલું વધુ હતું. અમદાવાદીઓ માટે ગઇ કાલની ગરમી તોબા પોકારનારી નીવડી હતી. આજે પણ લઘુતમ તાપમાનનો પારો ર૬.૧ ડિગ્રી સેલ્સિયસે જઇને અટક્યો હતો કે જે સામાન્ય તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધુ હતું. આજનો દિવસ પણ લોકોને ગરમીથી તોબા પોકારનારો બનવાનો છે. આવતી કાલની રવિવારની રજા અને રામનવમીના ભગવાન શ્રી રામની જન્મજયંતીના પવિત્ર તહેવારના દિવસે પણ સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવશે. આજે અને આવતી કાલે શહેરમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ રહે તેવી પૂરી સંભાવના છે.

જોકે આગામી અઠવાડિયાનો પ્રારંભ ગરમીના મામલે લોકોને આંશિક રાહત અપાવનારો બનશે. જાણકાર સૂત્રો કહે છે કે આગામી સોમવારથી હાલની ગરમીની તીવ્રતામાં ઘટાડો થશે તેમજ શુક્રવાર સુધી ગરમીનું પ્રમાણ ૩૭ થી ૪૧ ડિગ્રીની વચ્ચે રહેશે એટલે આ ચાર દિવસના સમયગાળામાં ત્વચાને દઝાડતી ગરમીથી નાગરિકો કંઇક અંશે હળવાશ અનુભવી શકશે.

You might also like